ઓછુ મતદાન કોને તારશે, કોને ડુબાડશે? ગણિત મંડાવા લાગ્યા

02 December 2022 11:13 AM
Rajkot Elections 2022 Gujarat Politics
  • ઓછુ મતદાન કોને તારશે, કોને ડુબાડશે? ગણિત મંડાવા લાગ્યા

► 89 બેઠકો પર સરેરાશ 62.89 ટકા મતદાન: 2017 કરતા 5 ટકા ઓછુ

► ભાજપે જીતેલી 50 તથા કોંગ્રેસે જીતેલી 36 ઉપરાંત પાટીદાર-ઓબીસી-આદિવાસી વર્ચસ્વ ધરાવતી મોટાભાગની બેઠકોમાં મતની ટકાવારી ઘટતા રાજકીય ગણિત ખોરાવાની શકયતા

► ‘ભર્યુ નાળીયેર’ હોવાનો સૂર: ‘આપ’ને કારણે મતોનુ વિભાજન સહિતના મુદ્દાઓ અનેક બેઠકોના પરિણામો પલ્ટાવી શકે

રાજકોટ, તા.2
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની 89 બેઠકોમાં સરેરાશ 62.89 ટકા મતદાન થયુ હોવાનું ચૂંટણી પંચના અંદાજીત આંકડામાં સુચવવામાં આવ્યું છે. 2017ની સરખામણીએ અંદાજીત પાંચ ટકાનો ઘટાડો થયો છે. જયારે 2012 કરતા 9 ટકા ઓછુ છે. આ વખતની મુદ્દા વગરની ચૂંટણી અને ત્રિપાંખીયો જંગ હતો ત્યારે ઓછુ મતદાન કયા પક્ષને તારશે અને કોને ડુબાડશે તેના રાજકીય ગણીત મંડાવા લાગ્યા છે. તમામ પક્ષો જીતને દાવો કરી જ રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની 182 પૈકીની 89 બેઠકો માટેની પ્રથમ તબકકાની ચૂંટણીનું મતદાન ગુરૂવારે ખત્મ થયુ હતું. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ખત્મ થતા તંત્ર દ્વારા રાહતનો શ્ર્વાસ ખેંચાયો હતો. ચૂંટણીપંચ દ્વારા મોડીરાત્રે 89 બેઠકોના મતદાનના આંકડા જારી કરવામાં આવ્યા હતા તે અંતર્ગત 89 બેઠકોનું સરેરાશ મતદાન 62.89 ટકા થવા જાય છે. આ આંકડામાં પોસ્ટલ બેલેટ સામેલ ન હોવાની ચોખવટ કરવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણીમાં લોકોને આકર્ષી શકે તેવો કોઈ મુદ્દો ન હતો અને આક્ષેપ-પ્રતિઆક્ષેપોની ભરમાર હતી ત્યારે પ્રચારના તબકકે જ મતદારોમાં ઉદાસીનતા માલુમ પડવા લાગ્યુ હતું. આ સિવાય ચિકકાર લગ્નગાળો, ગામડાઓમાં કૃષિસીઝન જેવા પરિબળોએ પણ ભાગ ભજવ્યો હતો. મતદાન ઓછુ થવાની શંકા અગાઉથી જ વ્યક્ત થવા લાગી હતી હવે તે પ્રથમ તબકકામાં સાચી પડી છે. 89 બેઠકોમાં સરેરાશ 62.89 ટકા મતદાન થયુ છે જે 2017ની ચૂંટણી વખતે આ 89 બેઠકોમાં 67.17 ટકા તથા 2012માં 71.77 ટકા હતુ. આ સંજોગોમાં દાયકાનું સૌથી ઓછુ મતદાન નોંધાયું છે.

સૌરાષ્ટ્ર-કચ્છથી માંડીને દક્ષિણ ગુજરાતની મોટાભાગની બેઠકોમાં મતદાનમાં વતાઓછા પ્રમાણમાં ઘટાડો હોવાના સંકેત છે. મહત્વની વાત એ છે કે પાટીદાર અનામત આંદોલનના પ્રભાવ હેઠળ કોંગ્રેસે 89માંથી 36 બેઠકો જીતીને વર્ચસ્વ સ્થાપ્યુ હતું. આ બેઠકોના મતદાનમાં સરેરાશ 5થી6 ટકાનો ઘટાડો નોંધાયો છે. જયારે 2017માં ભાજપે જીતેલી 89 પૈકીની 50 બેઠકો પર સરેરાશ 7થી8 ટકાનો ઘટાડો છે.

જ્ઞાતિવાઈઝ બેઠકોની એનાલીસીસમાં એવું માલુમ પડે છે કે પાટીદારોની બહુમતીવાળી 37 બેઠકોમાં મતદાન 7થી8 ટકા ઓછુ થયુ છે. આદિવાસી વર્ચસ્વ ધરાવતી 14 બેઠકોમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન થયુ હોવા છતા 2017 કરતા 5થી7 ટકા ઓછુ છે. આ જ રીતે ઓબીસી પ્રભુત્વવાળી બેઠકોના સરેરાશ મતદાનમાં 5થી6 ટકાનો ઘટાડો નોંધાયો છે.

2017ના જ મતદાનના આંકડાઓના આધારે રાજકીય ગણિત માંડનારા રાજકીય પક્ષો-નેતાઓના ગણિત ઓછા મતદાનથી ખોરવાવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. જાણકારોના કહેવા પ્રમાણે આ વખતે ત્રિપાંખીયો જંગ હતો અને તેમાં મતદાન ઓછુ થયુ છે એટલે ભાજપ-કોંગ્રેસ બન્નેના ગણિત બગડી શકે છે.

પાટીદારોનો બહુમતી વર્ગ ભાજપ સાથે રહેતો આવ્યો છે તેનુ વર્ચસ્વ ધરાવતી બેઠકોમાં ઓછુ મતદાન થતા શું સંકેત નિકળે તે સવાલ છે. આ જ રીતે આદિવાસી બેઠકોમાં કોંગ્રેસનું વર્ચસ્વ રહેતુ આવ્યુ છે ત્યાં પણ મતદાન ઓછુ થયુ છે. વાત આટલેથી અટકતી નથી. આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને છે તેનાથી કયા પક્ષને નુકશાન, કેટલા મતોનુ વિભાજન તથા કેટલા અંશે મતોનું ધ્રુવીકરણ પણ નિર્ણાયક બની શકે છે. ખાસ કરીને 2017માં ઓછા માર્જીનની હારજીતવાળી બેઠકોનાં પરિણશમ પણ પલ્ટી શકે છે.

વિવિધ પાસાઓની ચકાસણી સાથે રાજકીય પંડિતો-પક્ષો તથા નિષ્ણાંતો હવે સંભવિત પરિણામોના ગણિત માંડવા લાગ્યા છે. એક વર્ગ અણધાર્યા પરિણામોની પણ સંભાવના વ્યક્ત કરી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 2017 જેટલી બેઠકો કોંગ્રેસ જાળવી શકશે કે કેમ અને સુરત-રાજકોટ જેવા મોટા શહેરોમાં દબદબો કાયમ રહેશે કે કેમ તે વિશે પણ અટકળો ચાલી રહ્યુ છે. પ્રથમ તબકકાના મતદાન બાદ ભર્યા નારિયેળ જેવી હાલત છે.


Related News

Advertisement
Advertisement
Advertisement