નવીદિલ્હી, તા.2 : પાકિસ્તાનના પ્રવાસે 17 વર્ષ બાદ પહેલી ટેસ્ટ મેચ રમી રહેલી ઈંગ્લેન્ડ ટીમે શાનદાર રેકોર્ડ સાથે શરૂઆત કરી છે. પહેલી ટેસ્ટના પ્રથમ દિવસે તેના ચાર બેટરોએ શ્રેષ્ઠ સદી બનાવી હતી જેના દમ પર ઈંગ્લેન્ડની ટીમે દિવસની રમત પૂર્ણ થવા સમય સુધીમાં ચાર વિકેટે 506 રનનો રેકોર્ડ સ્કોર બનાવ્યો હતો. આ ટેસ્ટ ઈતિહાસમાં પહેલાં દિવસનો રેકોર્ડ સ્કોર છે.
તેના પહેલાં 1910માં ઑસ્ટ્રેલિયા-આફ્રિકા વચ્ચે ટેસ્ટના પ્રથમ દિવસે 494 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેના પહેલાં સત્રમાં પણ રેકોર્ડ 174 રન વિનાવિકેટે બન્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાન વિરુદ્ધ ભારતના ટેસ્ટ મેચના પ્રથમ સેશનમાં 158 રનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દિવસની રમત પૂર્ણ થવા સમય સુધીમાં હેરી બ્રુક 101 રન અને કેપ્ટન બેન સ્ટોક્સ 34 રન બનાવીને અણનમ હતા.
આ પહેલાં ટોસ જીતી પહેલાં બેટિંગ કરતાં ઈંગ્લેન્ડના ઓપનરો જૈક ક્રાઉલે (122 રન) અને બેન ડકેટ (107 રન)એ પહેલી વિકેટ માટે 233 રનની ભાગીદારી કરી હતી. આ ઉપરાંત ઓલી પોપે પણ 108 રન બનાવ્યા હતા. જો કે જો રુટ 23 રન જ બનાવી શક્યો હતો. ચોથી વિકેટ માટે ઓલી પોપ અને હૈરી બ્રુકે 176 રન બનાવીને ટીમનો સ્કોર 400ને પાર પહોંચાડ્યો હતો.
બ્રુકે સ્પિનર શકીલની ઓવરમાં ફટકાર્યા છ ચોગ્ગા
બ્રુકને પાકિસ્તાની સ્પિનર સાઉદ શકીલની એક જ ઓવરમાં સળંગ છ ચોગ્ગા ફટકાર્યા હતા. ટેસ્ટ ઈતિહાસમાં પાંચમીવાર આવું બન્યું છે. આ પહેલાં ભારતના સંદીપ પાટીલ (1982), શ્રીલંકાના સનત જયસૂર્યા (2007) અને વિન્ડિઝના ક્રિસ ગેલ (2004) તેમજ રામનરેશ સરવન (2006)માં આવું કરી ચૂક્યા છે.
પાંચમી વાર એક દિવસમાં બન્યા 500થી વધુ રન
ટીમ | હરિફ ટીમ | રન | કયો દિવસ | મેદાન | વર્ષ |
ઈંગ્લેન્ડ | ભારત | 588-6 | 2 | મેન્ચેસ્ટર | 1936 |
ઈંગ્લેન્ડ | આફ્રિકા | 522-2 | 2 | લોર્ડસ | 1924 |
શ્રીલંકા | બાંગ્લાદેશ | 509-9 | 2 | કોલંબો | 2002 |
ઈંગ્લેન્ડ | આફ્રિકા | 508-8 | 3 | ધ ઓવલ | 1935 |
ઈંગ્લેન્ડ | પાકિસ્તાન | 506-4 | 1 | રાવલપિંડી | 2022 |