(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 2 : આ વખતે પ્રથમ વખત ઝાલાવાડની પાંચેય બેઠકમાં ત્રિપાંખિયો જંગ હોવા છતાં મતદાન ઘટ્યું છે. આ સ્થિતિમાં આપ કોને નુકસાન કરશે, એ આવતા ગુરુવારે જાહેર થશે જ પરંતુ અત્યારની સ્થિતિ 3 બેઠકમાં પુનરાવર્તન અને 2 બેઠકમાં પરિવર્તન થવાનું અનુમાન રાજકીય પંડીતો લગાવી રહ્યા છે. ગઢ ગણાતી વઢવાણ બેઠકમાં ભાજપે ઉમેદવાર બદલતાં બ્રાહ્મણ-જૈન સમાજે વ્યક્ત કરેલો રોષ ગણતરીના દિવસોમાં જ શમી ગયો હતો. સાથે જ ગ્રામ્ય મતો કોંગ્રેસ અને આપમાં વહેંચાવાની ધારણા ભાજપને લાભ કરાવી શકે છે. લીંબડીમાં નિર્ણાયક સાબિત થનારા સાયલાના કોળી મતદારો પણ વહેંચાઈ જવાની સાથે પક્ષપ્રવેશને કારણે સીધો ફાયદો ભાજપને થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ધ્રાંગધ્રામાં આપ અને કોંગ્રેસ વચ્ચે મત વહેંચાવાને કારણે ભાજપ બેઠક જાળવી રાખે, તેવી આગાહી રાજકીય પંડીતો કરી રહ્યા છે.
ચોટીલા-દસાડામાં પરિણામ ચોંકાવી શકે. કારણ કે દસાડામાં 65 હજાર ઠાકોર મતદારો પર પ્રભુત્વ ધરાવનારા ઠાકોર આગેવાને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. ચોટીલામાં કોંગ્રેસનું પ્રભુત્વ હોવા છતાં ભાજપના પક્ષપ્રવેશ કાર્યક્રમ ઉપરાંત આપના ઉમેદવાર કોંગ્રેસના મતમાં ગાબડું પાડે, તેવી ગણતરી રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. દરમ્યાન દસાડા બેઠક પર 155078 મતદારોએ મતદાન કર્યું હતું અને 65.29 ટકા મતદાન થયું હતું, લીંબડી બેઠક પર 165669 મતદારોએ મતદાન કર્યું હતું અને 63.74 ટકા મતદાન થયું હતું, વઢવાણ બેઠક પર 173562 મતદારોએ મતદાન કર્યું હતું અને 64.48 ટકા મતદાન થયું હતું, ચોટીલા બેઠક પર 152801 મતદારોએ મતદાન કર્યું હતું અને 66.26 ટકા મતદાન થયું હતું, ધ્રાંગધ્રા બેઠક પર 193887 મતદારોએ મતદાન કર્યું હતું અને 65.29 ટકા મતદાન થયું હતું.
વઢવાણ ભાજપનો ગઢ
સુરેન્દ્રનગર જિલ્લાની મોટાભાગની વિધાનસભાની બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આપે જ્ઞાતિના સમિકરણનું ખાસ ધ્યાન રાખ્યું છે, પરંતુ વઢવાણ એક એવી સીટ છે કે આ ચૂંટણીમાં ત્રણમાંથી એક પણ પક્ષે જ્ઞાતિના સમિકરણ ઉપર ભાર મૂક્યો નથી. ભાજપે પહેલા જન્મે જૈન અને બ્રાહ્મણ પરિવારના પુત્રવધુ જિજ્ઞાબેન પંડ્યાને ટિકિટ આપી હતી. બાદમાં એમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા મૂળ લીંબડીના અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદિશ મકવાણાને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસે તરૂણ ગઢવીને અને આમ આદમી પાર્ટીએ પાટીદાર હિતેશ બજરંગને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ત્રણેય પક્ષના ઉમેદવારો પહેલી વખત ચૂંટણી લડી રહ્યાં છે. આ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે, તેમ છતાં કોંગ્રેસના કમિટેડ મતદારો પણ ઓછા નથી. બીજી તરફ કોળી, બ્રાહ્મણ, જૈન, અનુસુચિત જાતિ અને ક્ષત્રિય સહિતની તમામ જ્ઞાતિઓ આ ચૂંટણી લડતા અલગ અલગ જ્ઞાતિના ક્યા પક્ષના ઉમેદવારને મત આપી જીતાડશે, તે ભર્યા નાળિયેર જેવું છે.
લીંબડી વિધાનસભા સીટ લીંબડી બેઠક પર ભાજપના અનુભવી અને 8 વખત ચૂંટણી લડી ચૂકેલા વર્તમાન કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસે જેમને ગળથૂંથીમાં રાજકારણ મળ્યું છે. તેવા મકવાણા પરિવારના કલ્પનાબેન મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી યુવાન મયુરભાઇ સાકરિયાને ટિકીટ આપી છે. કોંગ્રેસ અને આપ, આ બંને પક્ષોના ઉમેદવારોનું ખાસ કરીને સાયલા તાલુકામાં પ્રભુત્વ છે, જ્યારે કિરીટસિંહ રાણા માટે લીંબડી તાલુકો ગઢ કહી શકાય. પરંતુ આપ અને કોંગ્રેસ, બંને પક્ષના ઉમેદવારો કોળી જ્ઞાતિના છે. મયુરભાઇ જે દિવસે આપમાં જોડાયા તેના બીજા દિવસે જ તેમને ટિકીટ આપી દેવાઇ હતી. આમ લીંબડી વિધાનસભાની બેઠક પર વર્તમાન કેબિનેટ મંત્રી સામે સાયલામાં વધુ પ્રભુત્વ ધરાવતા બે કોળી ઉમેદવાર સામસામે છે.
ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા સીટ ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા વિસ્તારમાં પાટીદારોની નોંધનીય વસ્તી છે. જિલ્લામાં એક ટિકીટ પાટીદારને આપવી પડે તેમ હતું.આથી ભાજપના વર્તમાન ધારાસભ્ય પરૂષોત્તમ સાબરિયાને કાપીને ઉદ્યોગપતિ પ્રકાશભાઇ વરમોરાને ટિકીટ આપી હતી. જ્યારે કોંગ્રેસે ત્રણ દિવસ પહેલા ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મોટી માલવણ બેઠકના સભ્ય છત્રસિંહ ઉર્ફે પપ્પુભાઇ ગુજરિયા ઠાકોરને ટિકીટ આપી છે. જ્યારે આપે વાગજીભાઇ પટેલને ટિકીટ આપી છે. પક્ષમાં જોડાયાના 3 દિવસમાં જ પપ્પુભાઇ ગુજરિયાને ટિકીટ મળતા પાટીદાર અને ઠાકોર વચ્ચે સીધો ચૂંટણી જંગ જામશે.