સૌરાષ્ટ્ર-કચ્છમાં 10 ટકા મતદાન ઘટી ગયું

02 December 2022 02:35 PM
kutch Elections 2022 Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં 10 ટકા મતદાન ઘટી ગયું

વર્ષ 2012ની તુલનાએ..

♦ ગુજરાતમાં ચૂંટણી-દરચૂંટણી ઘટતું જતું મતદાન: પ્રથમ તબકકાની 89 બેઠકોમાં વર્ષ 2012ની તુલનાએ 9 ટકા ઓછા મત પડ્યા: મતદાનમાં વધારો થાય તે માટેની અનેક કવાયતો છતાં સફળતા ‘શૂન્ય’

રાજકોટ તા.2
ગઈકાલે યોજાયેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાના મતદાનમાં જે રીતે નાગરિકો મત આપવા પહોંચ્યા હતા તે જોઈ શરૂઆતમાં મતદાન વિક્રમજનક વધશે તેવું લાગી રહ્યું હતું. જો કે, ગત બે વિધાનસભાની સરખામણી કરીને જોવામાં આવે તોમતદાન વિક્રમજનક રીતે ઘટતું ગયું છે. તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોમાં વર્ષ 2012ની તુલનાએ 10 ટકા જેટલો જંગી ઘટાડો નોંધાયો છે.

ગતરોજ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનું પ્રથમ તબકકાનું મતદાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટો પર યોજાયું હતું. વર્ષ 2012ની તુલનાએ આ 89 બેઠકો પર અંદાજે 9 ટકા જેટલુ મતદાન ઘટી ગયું છે. આ 89 સીટોની જ વાત કરીએ તો વર્ષ 2012માં સરેરાશ 71.71 ટકા મત પડયા હતા. જે પછી વર્ષ 2017ની ચૂંટણીમાં આ 89 બેઠકો પર સરેરાશ મતદાન ઘટીને 67.57 ટકા થયું છે, જયારે ગઈકાલે જે મતદાન થયું તેની ટકાવારી 62.89 ટકા નોંધાઈ છે. આમ દસકા દરમિયાન યોજાયેલા વિધાનસભાના મતદાનમાં જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છની સ્થિતિ તો વધુ ચિંતા ઉપજાવે તેવી છે.

અહીના 12 જિલ્લામાં રાજકોટમાં 8, બોટાદમાં 2, જામનગરમાં 5, મોરબીમાં 3, ભાવનગરમાં 7, સુરેન્દ્રનગરમાં 5, કચ્છમાં 6, પોરબંદરમાં 2, ગીર સોમનાથમાં 4, દેવભૂમિ દ્વારકામાં 2, અમરેલીમાં 5 અને જૂનાગઢમાં 5 બેઠક છે. આમ 12 જિલ્લાની 54 વિધાનસભાની સીટ થાય છે. આ સીટો પર વર્ષ 2012ની ચૂંટણીમાં અંદાજે સરેરાશ 70.54 ટકા મતદાન થયેલું. જયારે ગઈકાલે આ 54 બેઠકોનું સરેરાશ મતદાન 60.94 ટકા નોંધાયું છે એટલે કે વર્ષ 2012ની ચૂંટણી કરતા 10 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે, જે સ્થિતિ ઉડીને આંખે વળગી રહી છે.

એવું નથી કે ચૂંટણી પંચ અને રાજકીય પાર્ટીઓ મતદાન વધારવા પ્રયત્નો નથી કરતી, હકીકતે રાજકીય પાર્ટીઓ અને ચૂંટણી તંત્ર સહિતનું સરકારી તંત્ર મતદાન વધે તે માટે અનેક પ્રકારે કવાયત કરે છે. દર ચૂંટણીમાં નવી સુવિધાનો ઉમેરો કરાઈ છે, છતાં મતદાનની ટકાવારી ઘટી રહી છે.

ગત ચૂંટણીઓની તુલનામાં 89 બેઠકોનું મતદાન
♦ 2012માં 71.71 ટકા
♦ 2017માં 67.57 ટકા
♦ 2022માં 62.89 ટકા


Related News

Advertisement
Advertisement
Advertisement