રાજકોટ,તા.2 : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઓછા મતદાને એક તરફ ચર્ચા જગાવી છે તો બીજી તરફ ભાજપના ઉમેદવારોએ તેમની સામે પક્ષના જ જે અસંતુષ્ટોએ કામગીરી કરી છે તેની ભૂમિકા ખુલ્લી કરવાની જાહેરાત કરી છે અને આ અંગે આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ સુધી ફરિયાદ થશે.
ટોચના સુત્રોના જણાવ્યા મુજબ ગઇકાલના ઓછા મતદાન બાદ તૂર્ત જ હારજીતના ગણીતમાં ભાજપના અનેક અસંતુષ્ટોની ભૂમિકા અંગે પણ ચર્ચા થઇ હતી અને તેમાં રાજકોટમાં બે વિધાનસભા બેઠકોમાં પક્ષના કેટલાક નેતાઓએ ભજવેલી ભુમિકા અંગે ગણગણાટ હતો. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ આજે રાજકોટમાં કમલમ ખાતે મળેલી ઉમેદવારોની બેઠકમાં પણ છાનેખુણે આ ચર્ચા ચાલુ રહી હતી અને બે ઉમેદવારોએ એવો પણ આક્રોશ વ્યક્ત કર્યો કે સૌની સામે મને હરાવવા માટે પ્રયત્ન થયા હતા અને તેમાં કેટલાક નેતાઓની ભુમિકા પણ હતી જે અંગે હવે પ્રદેશ પ્રમુખને વિસ્તૃત રીતે હું જણાવીશ.
જો કે આ ઉમેદવારે પોતાનો વિજય નિશ્ર્ચિત હોવાનો દાવો કરી જણાવ્યુ કે ઓછા મતદાનમાં પણ પક્ષના કેટલાક લોકોની ભુમિકા હતી અને તે અંગે પણ બુથવાઇઝ આંકડા કાઢ્યા પછી ક્યા ઉમેદવારે ક્યા બુથમાં નેગેટીવ ભુમિકા ભજવી તે અંગે પણ ચિત્ર ખુલ્લુ થઇ જશે. આજે રાજકોટમાં મળેલી બેઠકમાં ખુલ્લી ફરિયાદ થઇ હતી કે કેટલાક ખાસ લોકોએ કેસરિયો ખેસ પહેરીને કોંગ્રેસનું કામ કર્યું છે. વિધાનસભા-68માં એક તરફ જ્યારે કસોકસની લડાઈ હોય તે સમયે આ પ્રકારે પક્ષના કેટલાક નેતાઓએ અને તેમના ટેકેદારોએ જે ભૂમિકા ભજવી હતી તે અંગે પણ હવે રિપોર્ટ થશે.
રાજકોટમાં ભાજપના ઉમેદવાર વોર્ડ દીઠ 10 કાર્યકર્તાઓ હવે બીજા તબક્કાના મતદાનના ક્ષેત્રોમાં પહોંચી જશે
પક્ષ દ્વારા આદેશ : તા. 5 સાંજ સુધી તેઓને જે તે મત વિસ્તારમાં જ કેમ્પ કરવા ખાસ સૂચના
રાજકોટ,તા. 2 : ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનના અંત સાથે હવે ભાજપે બીજા તબક્કાના જે ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકોમાં તા. 5ના રોજ મતદાન યોજાવાનું છે તેના માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી કાર્યકર્તાઓની ફોજ આ મત વિસ્તારોમાં ઉતારવા નિર્ણય લીધો છે જેમાં રાજકોટમાંથી 3 વિધાનસભાના ઉમેદવારો તેમજ વોર્ડ દીઠ 10-10 કાર્યકર્તાઓ
આવતીકાલથી તા. 5 સુધી આ 93 બેઠકમાં તેમને ફાળવાયેલા મત વિસ્તારમાં કેમ્પ કરીને બેસશે. જેમાં રાજકોટ-69ના ભાજપના ઉમેદવાર ડો.દર્શિતાબેન શાહ અને આ બેઠક હેઠળ આવતા દરેક વોર્ડના 10-10 કાર્યકર્તાઓને આણંદ વિધાનસભા મત વિસ્તારમાં કામ કરવા જણાવાયું છે જ્યારે રાજકોટ-70ના વોર્ડના 10-10 કાર્યકર્તાઓ પણ માતર વિધાનસભા બેઠકમાં કામગીરી સંભાળશે જ્યારે 68 માટે પાવાગઢ મત વિસ્તારમાં કાર્યકર્તાઓને પહોંચી જવા જણાવાયું છે. ખાસ કરીને સ્થાનિક કાર્યકર્તાઓ સાથે તેઓ જોડાયને વધુને વધુ મતદાન ભાજર તરફી જાય તે જોશે