રાજકોટ, તા.2 : ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ આજથી હાર-જીતના સમીકરણો માંડવાનું પણ શરૂ કરી દીધું છે ત્યારે ચૂંટણી ઉપર સટ્ટો ખેલી નાખતાં બુકીઓ અને પંટરો પણ મતદાન બાદ મેદાને ઉતરી ગયા છે. એકંદરે પહેલાં તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે ભાજપનો ઘોડો ‘વિન’માં હોય તેવી રીતે બુકીબજાર તેને 139 બેઠકો આપી રહ્યું છે. હજુ બીજા તબક્કાનું મતદાન બાકી છે તેના પહેલાં જ બુકીઓ કહી રહ્યા છે કે 182માંથી 139 બેઠકો ઉપર ભાજપનું કમળ ખીલશે. જ્યારે કોંગ્રેસના ભાગે 28 તો આમ આદમી પાર્ટી માંડ માંડ 8 બેઠકો ઉપર જીત મેળવી શકશે. બુકીબજાર પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી અડધોઅડધ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો જીતવાના છે
► કોંગ્રેસ માટે રાધનપુર, પાલનપુર, વાવ સહિતની તો ભાજપ માટે વિજાપુર, સિદ્ધપુર સહિતની ગત ચૂંટણીમાં જીતેલી બેઠકો બચાવવી અઘરી: ભાવ ઉંચે જવાનું શરૂ: પ્રથમ તબક્કાની અનેક બેઠકોના હજુ ભાવ જ નથી ખૂલ્યા
જ્યારે કોંગ્રેસના હાથમાં પ્રથમ તબક્કાની બહુ જૂજ સીટો જ આવશે. જ્યારે પ્રથમ તબક્કામાં આમ આદમી પાર્ટીનો દેખાવ તેણે જે પ્રકારે દાવા કર્યા હતા તેના કરતાં સદંતર ઉલટો રહેવાનો છે. જો કે બુકીબજાર પ્રથમ તબક્કાની અલગ અને બીજા તબક્કાની અલગ એમ સટ્ટો લેવાની જગ્યાએ તમામ બેઠકોમાંથી ભાજપ કેટલી જીતશે, કોંગ્રેસ કેટલી જીતશે અને આમ આદમી પાર્ટી કેટલી બેઠકો જીતશે તેના પર જ સટ્ટો લઈ રહી છે. વ્યક્તિગત ઉમેદવારો પર મોબાઈલ એપ્લીકેશન આઈડીના આધારે રમાઈ રહેલા સટ્ટાની વાત કરવામાં આવે તો અત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી (મજૂરા), કિરીટ પટેલ (ઉંઝા), રિવાબા જાડેજા (જામનગર), દિવ્યેશ અકબરી (જામનગર), પબુભા માણેક (દ્વારકા) અને જવાહર ચાવડા (માણાવદર)ની બેઠક ઉપર સટ્ટો લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
► કિરીટ પટેલ (ઉંઝા), ગૃહમંત્રી હર્ષ સંઘવી (મજૂરા) ઉપરાંત રિવાબા જાડેજા (જામનગર), દિવ્યેશ અકબરી (જામનગર), પબુભા માણેક (દ્વારકા), જવાહર ચાવડા (માણાવદર)ની જીત ઉપર સટ્ટો લેવાનું બંધ
ગઈકાલે મતદાન શરૂ થતાંની સાથે જ બુકીઓ દ્વારા આ ઉમેદવારો પર સટ્ટો લેવાઈ રહ્યો નથી મતલબ કે આ બેઠકો ઉપર ભાજપ જ જીત મેળવશે તેવું ભવિષ્ય બુકીઓએ ભાખી લીધું છે. મતદાનના ત્રણ-ચાર દિવસ અગાઉ દ્વારકા બેઠક પર પબુભા માણેકનું જીતવું મુશ્કેલ છે તેવું ગણીને બુકીઓએ તેમનો ભાવ અત્યંત ‘ઉંચો’ ખોલ્યો હતો પરંતુ મતદાનના દિવસે તેમની બેઠક પર સટ્ટો લેવાનું જ બંધ કરી દેવાયું છે. બીજી બાજુ આઈડી ઉપર અત્યારે જે બેઠકો પર સટ્ટો લેવાઈ રહ્યો છે તે પ્રમાણે કોંગ્રેસ માટે રાધનપુર (આર.એમ.દેસાઈ), પાલનપુર (મહેશ પટેલ), વાવ (ગેનીબેન ઠાકોર) સહિતની ગત ચૂંટણીમાં જીતેલી બેઠકો બચાવવી અઘરી બની ગઈ છે. આવી જ રીતે ભાજપના ઉમેદવારો રમણ પટેલ (વિજાપુર), બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર) પોતાની બેઠક બચાવી શકે તેવું લાગી રહ્યું છે.
► અમુક-અમુક બુકીઓએ પોતાની રીતે ભાવ ખોલી ‘ટેલિફોનિક’ સટ્ટો લેવાનું શરૂ કર્યાનો ગણગણાટ: આઈડી ઉપર ગણીગાંઠી બેઠકોના ભાવ જ ખૂલતાં તેના પર દાવ લગાવી રહેલા પંટરો
આ બેઠકો ઉપર જીતવા માટે ઉપરોક્ત ઉમેદવારો જ ‘ફેવરિટ’ છે પરંતુ તેમનો જે પ્રકારે ભાવ ખોલવામાં આવ્યો છે તે ઘણો જ ઉંચો હોવાથી આ બેઠક પર રસાકસી જામશે તેવી શક્યતા નકારી શકાતી નથી. પ્રથમ તબક્કામાં આમ તો 89 બેઠકો ઉપર મતદાન થયું છે પરંતુ બુકીઓએ આઈડી ઉપર હજુ અનેક બેઠકોના ભાવ જ ખોલ્યા ન હોવાથી પંટરો પણ મુંઝવણ અનુભવી રહ્યા છે કે આખરે અત્યાર સુધી ભાવ ખૂલ્યા કેમ નહીં હોય ? ચૂંટણીની ‘નાડ’ પારખીને સટ્ટો રમાડી લેવા માટે પારંગત બુકીઓ દ્વારા આઈડી નહીં પરંતુ પોતાની રીતે ભાવ નક્કી કરીને ‘ટેલિફોનિક’ સટ્ટો લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોવાનો ગણગણાટ પણ અત્યારે સંભળાઈ રહ્યો છે. એકંદરે ગણીગાંઠી બેઠકોના જ ભાવ ખૂલ્યા હોવાથી પંટરો અત્યારે તેના ઉપર સટ્ટો રમી રહ્યા છે.
આઈડી ઉપર રાજકોટની એક પણ બેઠકના ભાવ નથી ખુલ્યા
પોલીસની ઝપટે ન ચડી જવાય તે માટે શહેરના મોટાભાગના બુકીઓ અત્યારે આઈડી થકી જ સટ્ટો રમાડી રહ્યા છે ત્યારે અહીં રાજકોટની ચારમાંથી એક પણ બેઠકના ભાવ ખુલ્યા નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. સંભવત: એકાદ-બે દિવસમાં આ બેઠકોના ભાવ ખોલવામાં આવે તેવું બની શકે છે. જો કે અમુક અમુક બુકીઓએ પોતાની રીતે રાજકોટના ચારેય ઉમેદવારોના ‘ફેવરિટ’ ગણીને સટ્ટો રમાડવાનું શરૂ કર્યાનું પણ બહાર આવી રહ્યું છે.