વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમદાવાદમાં 30 કી.મી. લાંબો રોડ શો કરીને સમગ્ર મહાનગરમાં મોદીવેવ સર્જી દીધોહતો. મોદીએ ગઈકાલે સાંજે પાંચ વાગ્યે આ રોડ શોનો પ્રારંભ કર્યો હતો અને તે અમદાવાદની 13 બેઠકો પરથી પસાર થયો હતો અને તમામ સ્થળોએ વડાપ્રધાનના રોડ શોને જબરો આવકાર મળ્યો હતો.
શ્રી મોદીએ આ રોડ શોને પુષ્પાંજલી યાત્રા નામ આપ્યુ હતું અને તેમાં માર્ગમાં સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ સહિતના પાંચ રાષ્ટ્રીય નેતાઓની પ્રતિમાને પુષ્પાંજલી કરી હતી. મોદીના રોડ શો દરમ્યાન તેઓએ સતત પાંચ કલાક સુધી ખુલ્લી જીપમાં ઉભા રહીને હાથ હલાવીને સૌનું અભિવાદન કર્યુ હતું.
ગુજરાત વિધાનસભા બેઠકમાં આખરી તબકકાના પ્રચારમાં મોદીનો રોડ શો યાદગાર બની ગયો હતો અને તેમાં ભાજપના તમામ કોર્પોરેટરો તેમજ અગ્રણીઓ પણ સતત સાથે રહ્યા હતા. ઠેર ઠેર મોદીનું સ્વાગત થયુ હતું તેમજ કેસરીયા સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજુ થયા હતા.