પં. હરિપ્રસાદ ચોરસીયા તથા રવિચારી જમાવટ કરશે: સૂર, સ્વર, તાલનો સમન્વય

02 December 2022 04:19 PM
Rajkot Dharmik
  • પં. હરિપ્રસાદ ચોરસીયા તથા રવિચારી જમાવટ કરશે: સૂર, સ્વર, તાલનો સમન્વય

► બે વર્ષ બાદ નીઓ ફાઉન્ડેશનના ઉપક્રમે જાન્યુઆરીના પ્રથમ વીકમાં સપ્ત સંગીતિનું જાજરમાન આયોજન

► તા.2જી જાન્યુ.ના સિંજીની કુલકર્ણીનું કથક નૃત્ય, તા.3જીના રૂતુજા લાડ અને અવંતી પટેલનું ગાયન, તા.4થીના રવિચારીનું ફયુઝન બેન્ડ, તા.5મીના ઉ. નિસાતખાનનું સિતાર વાદન, તા.6ઠ્ઠીના પં. ઉલ્હાસકાશીલકરનું ગાયન, તા.7મીના થ્રીસીસ્ટર સંગીતા, રાગિની તથા નંદિની શંકરનું વાયોલીન વાદન, તા.8મીના વિશ્વ પ્રસિદ્ધ બાંસુરી વાદક પંડિત હરિપ્રસાદ ચોરસીયાનું બાંસુરી વાદન

રાજકોટ,તા.2 : આગામી જાન્યુઆરીના પ્રારંભે નીઓ ફાઉન્ડેશન દ્વારા સપ્ત સંગીતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિશ્વ વિખ્યાત કલાકારો રાજકોટમાં ઉપસ્થિત રહીને કલાના કામણ પાથરશે. કોરોનાના બે વર્ષ દરમિયાન નીઓ ફાઉન્ડેશન દ્વારા વીઝયુઅલ કાર્યક્રમો રજુ થયા હતા. આ વખતે અનેરા ઉત્સાહથી સંગીત મઢ્યો સપ્ત સંગીતિનું દિવ્ય આયોજન હાથ ધરાયું છે.

પં. હરિપ્રસાદ ચોરસીયા
આગામી જાન્યુ. ના તા.8મીના વિશ્વ વિખ્યાત બાંસુરીવાદક પંડિત હરિપ્રસાદ ચોરસીયાનો સુરીલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તેઓ ભારતીય ફિલ્મ સંગીત નિદેર્ર્શક તથા શાસ્ત્રીય બાંસુરી વાદક છે. તેમનો જન્મ 1લી જુલાઇના 1938ના અલ્હાબાદ (પ્રયાગરાજ)ખાતે થયો. જયારે તેઓ છ વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. તેમણે પિતાને જણાવ્યા વિના સંગીત શીખવા લાગ્યા હતા. કારણકે તેમના પિતા ઇચ્છતા હતા કે, તે એક પહેલવાન બને. હરિપ્રસાદજી થોડા સમય સુધી અખાડામાં ગયા અને પિતાજી પાસે પ્રશિક્ષણ લીધું હતું.

જોકે તેમણે પોતાના મિત્રના ઘર પર રહીને સંગીત શીખવાનો અભ્યાસ પણ શરૂ કરી દીધો. પં. હરિપ્રસાદજી ચોરસીયાએ બાળપણના પ્રસંગોને ટાંકીને જણાવેલ કે, હું કુશ્તીમાં સારો નહોતો. હું મારા પિતાને ખુશ કરવા માટે જ અખાડામાં જતો હતો પરંતુ કદાચ તે સમયે અખાડામાં મેં તાકાત અને સહનશકિત બનાવી હતી તેના કારણે આજ પણ બાંસુરી બજાવી શકું છું. 84 વર્ષની વયે પણ પં. હરિપ્રસાદ ચોરસીયાના બંસરીના સુરો સંગીત રસિકોને મંત્રમુગ્ધ અને મોહિત કરે છે. પં. હરિપ્રસાદ ચોરસીયા તથા સંતુરવાદક પં.શિવકુમાર શર્માએ સાથે રહીને ચાંદની, સિલસિલા સહિતની ફિલ્મોમાં સંગીત પીરસ્યું છે. તેના ગીતો આજે પણ સાંભળવા ગમે છે.આવા દિગ્ગજ વિશ્વ વિખ્યાત બાંસુરી વાદક પં. હરિપ્રસાદ ચોરસીયા આ અગાઉ પણ સપ્ત સંગીતિમાં બાંસુરી વાદન કરી ચુકયા છે.

રવિચારી
સપ્ત સંગીતિમાં આગામી તા.4થી જાન્યુ.ના બુધવારના રવિચારીનું ફયુઝન બેન્ડ પ્રસ્તુત થશે. આ અગાઉ તેઓ પોતાના ગૃપ સાથે હેમુ ગઢવી હોલમાં આવી ચુકયા છે. એ સમયે સિતાર બજાવતા બજાવતા તેઓ ઉભા થઇ ગયા હતા અને ઉભા ઉભા સિતારવાદન કરીને પે્રક્ષકોને અચંબિત કરી દીધા હતા. આ કાર્યક્રમ યાદગાર બન્યો હતો.તેમનો જન્મ સંગીત પરિવારમાં થયો છે.રવિચારીના પિતા ગોવાના પ્રસિદ્ધ તબલાવાદક હતા. પિતા પ્રભાકર ચારી પાસે તેમણે હારમોનિયમ, તબલા અને સિતારની તાલીમ લીધી ત્યારબાદ ઉસ્તાદ અબ્દુલ કરીમખાન પાસે તાલીમ લીધી.

રવિચારીએ તુલસીદાસ બોરકર પાસે હારમોનિયમની વિશેષ તાલીમ લીધી. ત્યારબાદ મુંબઇ આવીને પુષ્પરાજ કોષ્ટી, ઉ. અબ્દુલ હતીમ જાફરખાન અને ઉ. શાહીદ પરવેઝ પાસે શિક્ષણ મેળવવાનું શરૂ કર્યુ.તેમણે કિશોરી આમોનકર, મૃદંગમના જાદુગર ઉમાલય પુરમ શિવરમન, ઉસ્તાદ સુલ્તાન ખાન વગેરે સાથે પોતાની કલા પ્રસ્તુત કરી છે.તેમની સહજ રચનાત્મક પ્રતિભા અને નવાચારના ઉત્સાહે તેમણે વિવિધ સંગીત સંસ્કૃતિઓથી આંતરરાષ્ટ્રીય સીર પર પ્રશંસિત કલાકારોની સાથે પ્રદર્શન કરવા માટે પ્રેરિત કર્યા છે.તેમણે વિશ્વના અનેક દેશોમાં ફયુઝન બેન્ડના કાર્યક્રમો આપીને લોકપ્રિયતા હાંસલ કરી છે.

અન્ય કલાકારોનો પરિચય
સપ્ત સંગીતિના કાર્યક્રમમાં તા.2જી જાન્યુ.ના સોમવારે સિંજીની કુલકર્ણી દ્વારા કથકનૃત્યની પ્રસ્તુતી થશે.તા.3જીના મંગળવારે રૂતુની લાડ તથા અવંતી પટેલનું શાસ્ત્રીય ગાયન ઠુમરી અને દાદરાની પ્રસ્તુતી થશે.તા.4થીના રવિચારીનું ફયુઝન બેન્ડ તા.5મીના ગુરુવારે ઉસ્તાદ નિશાત ખાનનું સિતારવાદન, તા.6ઠ્ઠીના પંડિત ઉલ્હાસ કાશીકરનું શાસ્ત્રીય ગાયન, તા.7મી જાન્યુ.ના શનિવારે સંગીતા શંકર, રાગિણી શંકર તથા નંદિની શંકર (ત્રણ બહેનો)નું વાયોલીન વાદન યોજાશે.તા.8મી જાન્યુ.ના રવિવારે પં. હરિપ્રસાદ ચોરસીયાનું બંસરી વાદન રજુ થશે.નીઓ ફાઉન્ડેશનના પરાક્રમસિંહ જાડેજા, દીપકભાઇ, મુકેશભાઇ શેઠ, અરવિંદભાઇ પટેલ, વિક્રમભાઇ સંઘાણી, વગેરેના માર્ગદર્શન હેઠળ સપ્ત સંગીતિ કાર્યક્રમને સફળ બનાવવા તૈયારીઓ ચાલી રહી છે. જૈન અગ્રણી ચંદ્રકાંતભાઇ શેઠનો પણ સહયોગ મળી રહયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement