રાજકોટ, તા.2
ગઈકાલે ગુજરાત વિધાનસભાની 89 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન થયું. જેમાં સૌરાષ્ટ્રમાં અતિ સંવેદનશીલ ગણાતી ગોંડલ બેઠક ઉપર પણ મતદાન થયું. ગોંડલ બેઠક પર મતદાન દરમિયાન કાંકરી ચારો થવાની સંભાવનાઓ હતી જેથી કાલ આખો’દિ રાજકોટ રૂરલ પોલીસનું પુરેપૂરું ધ્યાન ગોંડલ - રિબડા તરફ કેન્દ્રિત રહ્યું હતું. જિલ્લામાં અન્ય પોલીસ મથકોમાં પીધેલા, દેશી દારૂ સિવાય અન્ય કોઈ ગુના નહોતા.
રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં ચૂંટણી સંદર્ભે 5000થી વધુ સુરક્ષા જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો. ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ બે જૂથો વચ્ચે નિવેદન યુદ્ધ શરૂ થયું હતું. મતદાનના દિવસે કોઈ કાંકરી ચારો કરે તો મહા મુસીબત ઉભી થઇ શકે તેવી શક્યતાઓને ધ્યાને લઇ ગોંડલ મત વિસ્તારમાં વિશેષ પોલીસ કાફલો ખડકાયો હતો.
ખુદ એસપી પણ ગોંડલ મત વિસ્તારમાં જ રહ્યા હતા. રિબડા ખાતે પણ વિશેષ સ્ટાફ ફાળવાયો હતો અને જ્યાં જ્યાંથી જુથો વચ્ચે રકઝકના સમાચાર મળ્યા ત્યાં તુરંત એસઆરપી ટિમો દોડવાઈ હતી. એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું. જોકે, ગોંડલ મત વિસ્તારની દોડાદોડીમાં રૂરલ પોલીસનું ધ્યાન ત્યાં જ કેન્દ્રિત રહ્યું હતું.
જિલ્લામાં 20 પોલીસ મથકો છે જેમાં ગોંડલ તાલુકામાં એક પીધેલા વ્યક્તિ સામે કેસ થયો, જામકંડોરણામાં છરી સાથે એક વ્યક્તિ પકડાયો અને ભાડલામાં નશાખોરને ઝડપી લેવાયો હતો. લોધિકામાં એક દેશી દારૂનો જથ્થો અને એક પીધેલાનો કેસ થયો છે. બાકીના 15 પોલીસ મથકમાં કોઈ ફરિયાદ નોંધાઇ નથી. ગોંડલ સહિત રાજકોટ રૂરલ પોલીસના વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થતાં પોલીસ અધિકારીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.