વિજય હઝારે ટ્રોફીમાં ચેમ્પિયન બનવા તરફ સૌરાષ્ટ્રની આગેકૂચ: 249ના લક્ષ્યાંક સામે બે વિકેટે 139 રન બનાવ્યા

02 December 2022 04:55 PM
Ahmedabad Rajkot Sports
  •  વિજય હઝારે ટ્રોફીમાં ચેમ્પિયન બનવા તરફ સૌરાષ્ટ્રની આગેકૂચ: 249ના લક્ષ્યાંક સામે બે વિકેટે 139 રન બનાવ્યા

ચિરાગ જાનીની હેટ્રિક: ઉનડકટે 10 ઓવરમાં માત્ર 25 રન આપ્યા: પ્રેરક-પાર્થને પણ એક-એક સફળતા: ‘ઈન ફોર્મ’ ઋતુરાજ ગાયકવાડની સળંગ ત્રીજી મેચમાં સદી: બાકીના બેટરો સૌરાષ્ટ્ર સામે ન ચાલ્યા: શેલ્ડન જેક્શન 76 રન બનાવી રમતમાં, હાર્વિક દેસાઈ 50 રન બનાવી આઉટ

રાજકોટ, તા.2
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર સૌરાષ્ટ્ર-મહારાષ્ટ્ર વચ્ચે રમાઈ રહેલી વિજય હઝારે ટ્રોફીની ફાઈનલ મેચમાં ટીમ સૌરાષ્ટ્ર ચેમ્પિયન બનવા તરફ શાનદાર રીતે આગેકૂચ કરી રહી છે. મહારાષ્ટ્રએ પહેલાં બેટિંગ કરતાં 248 રન બનાવતાં સૌરાષ્ટ્રને મળેલા 249 રનના લક્ષ્યાંક સામે હાલ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં તેણે બે વિકેટના ભોગે 28.4 ઓવરમાં 139 રન બનાવી લીધા છે. સૌરાષ્ટ્ર વતી શેલ્ડન જેક્શન 76 રન બનાવી રમતમાં છે તો હાર્વિક દેસાઈ 50 રનની ઈનિંગ રમી આઉટ થયો છે.

આ મેચમાં ટોસ જીતી સૌરાષ્ટ્રે પહેલાં બોલિંગ પસંદ કરી હતી. જવાબમાં મહારાષ્ટ્રે ઋતુરાજ ગાયકવાડના 131 બોલમાં ચાર છગ્ગા, સાત છગ્ગાની મદદથી 108 રન, એસ.એસ.બચ્ચવના 27, અઝીમ કાઝીના 37, નૌશાદ શેખના 31 અને સૌરભ નાવલેના 13 રનની મદદથી 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 248 રન બનાવ્યા હતા. મહારાષ્ટ્રની શરૂઆત અત્યંત ધીમી રહેવા પામી હતી અને તેણે 31.3 ઓવરમાં 105 રન જ બનાવ્યા હતા. જો કે ઋતુરાજ ગાયકવાડ એક છેડો સાચવી ઉભો રહ્યો હોવાથી તેણે 32મી ઓવર બાદ બેટિંગનું ગીયર ચેન્જ કરીને રનગતિમાં વધારો કર્યો હતો.

બોલિંગમાં સૌરાષ્ટ્ર વતી કેપ્ટન જયદેવ ઉનડકટે 10 ઓવરમાં માત્ર 25 રન આપી એક વિકેટ ખેડવી હતી. આવી જ રીતે ચિરાગ જાનીએ 10 ઓવરમાં 43 રન આપી ત્રણ વિકેટ ખેડવી હતી. ચિરાગે મેચની 49મી ઓવરમાં હેટ્રિક વિકેટ મેળવી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આવી જ રીતે પ્રેરક માંકડે આઠ ઓવરમાં 42 રન આપી એક તો પાર્થ ભૂતે પાંચ ઓવરમાં 35 રન આપી એક વિકેટ મેળવી છે.

મહારાષ્ટ્રએ આપેલા 249 રનના લક્ષ્યાંક સામે સૌરાષ્ટ્રે મજબૂત શરૂઆત કરતાં વિનાવિકેટે 125 રન બનાવી લીધા હતા. આ ભાગીદારી હાર્વિક દેસાઈ અને શેલ્ડન જેક્શન વચ્ચે થવા પામી હતી. જો કે આ વેળાએ હાર્વિક દેસાઈ 50 રન બનાવીને આઉટ થઈ જતાં એક સુંદર ભાગીદારીનો અંત આવ્યો હતો. આ પછી 125 રનના સ્કોરે જ જય ગોહિલ ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ જતાં સૌરાષ્ટ્રની 125 રનમાં બે વિકેટ પડી હતી. જો કે સામે છેડે શેલ્ડન જેક્શને પગ જમાવી લીધા હોવાથી તે સ્કોર બોર્ડ સતત ફરતું રાખી રહ્યો છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં શેલ્ડન 76 રન બનાવી રમતમાં છે તો તેનો સાર્થ સમર્થ વ્યાસ (6 રન) આપી રહ્યો છે. મહારાષ્ટ્ર વતી બન્ને વિકેટ મુકેશ ચૌધરીએ ખેડવી છે.

..તો સૌરાષ્ટ્ર 14 વર્ષ પછી વિજય હઝારે ટ્રોફીમાં બનશે ચેમ્પિયન
અમદાવાદમાં સૌરાષ્ટ્ર-મહારાષ્ટ્ર વચ્ચે વિજય હઝારે ટ્રોફીનો ફાઈનલ મુકાબલો રમાઈ રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રનું અત્યારે પલડું ભારે લાગી રહ્યું છે. જો સૌરાષ્ટ્ર આ મેચ જીતી જાય છે તો 14 વર્ષ પછી વિજય હઝારે ટ્રોફીમાં ફરી ચેમ્પિયન બનશે. આ પહેલાં 2007-08ની સીઝનમાં સૌરાષ્ટ્રે બંગાળને હરાવીને આ ટ્રોફી ઉપર કબજો કર્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement