2021ની કોર્પોરેશનની પેટર્ન મુજબ મતદાન થયું હોય તો કોંગ્રેસની જેમ ભાજપને પણ આંચકો લાગવાનું ચિત્ર

02 December 2022 05:02 PM
Rajkot Elections 2022 Politics
  • 2021ની કોર્પોરેશનની પેટર્ન મુજબ મતદાન થયું હોય તો કોંગ્રેસની જેમ ભાજપને પણ આંચકો લાગવાનું ચિત્ર

► મહાપાલિકાની છેલ્લી ચૂંટણીમાં ‘આપે’ કોંગ્રેસને નુકસાન કર્યુ; હવે ઓછું મતદાન થતા ભાજપના કમીટેડ મત ન પડયા હોય તો શાસક પક્ષને વધુ ફટકો પડશે

► ચારે બેઠક પર ભર્યા નાળીયેર જેવી સ્થિતિ : આમ આદમી પાર્ટી ક્ષમતા મુજબ મત ખેંચે તો પણ બધા ગણિત ઉંધા પડે : મનપામાં છેલ્લે આપના કારણે કોંગે્રસને માત્ર ચાર બેઠક મળી હતી..

રાજકોટ, તા. 2
વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટની ચાર બેઠકો પર સસ્પેન્સભર્યુ મતદાન ગઇકાલે પૂર્ણ થયું છે. અગાઉની વિધાનસભાની ત્રણ ચૂંટણીની સરખામણીએ આ વખતે ઘણુ નીચુ ઉતરેલું મતદાન હવે આવતા ગુરૂવાર સુધી રાજકીય નેતાઓ અને ખાસ કરીને ઉમેદવારોને શાંતિથી સુવા દે તેવું લાગતુ નથી. જાહેરમાં ભલે તમામ પક્ષે જીત ફાઇનલ હોવાના દાવા કર્યા છે, પરંતુ આ વખતે જે સંજોગોમાં ઉમેદવારોના નામ જાહેર થવાથી માંડી છેલ્લે સુધી મતદારોને બહાર કાઢવાના થયેલા અપૂરતા પ્રયાસોનું પીકચર ગઇકાલે પૂર્ણ થતા ગેરેંટીથી કોઇ પરિણામની આગાહી કરી શકતું નથી.

છેલ્લા ત્રણ વર્ષમાં વિધાનસભાની ચૂંટણીમાં સતત મતદાન ઘટતું રહ્યું છે ત્યારે છેલ્લે ત્રણ વખત યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીના 5રિણામો ઉ5ર નજર કરીએ તો છેલ્લી ચૂંટણીથી જે રીતે આમ આદમી પાર્ટીએ મતોમાં ભાગ પાડવાનું શરૂ કર્યુ એ જોતા જો આ વખતે પણ વિધાનસભામાં આપના ઉમેદવારોએ પોતાની તાકાત મુજબનો હિસ્સો અંકે કર્યો હોય તો કોને ફાયદો અને કોને નુકસાન તે મહત્વનું પરિબળ બનશે. કારણ કે કોર્પો.ની ચૂંટણીમાં આપે સીધો કોંગ્રેસને મતમાં ફટકો મારીને ભાગ પડાવ્યો હતો, હવે વિધાનસભામાં પણ આવું બન્યુ હોય છતાં ઘટેલું મતદાન ભાજપને આ ગાબડા જેટલું જ નુકસાન કરી શકે તેવી રાજકીય શકયતા પણ નિષ્ણાંતોએ વ્યકત કરી છે.

2010માં રાજકોટ કોર્પો.માં 23 વોર્ડ હતા અને 69 બેઠક હતી. આ વખતની ચૂંટણીમાં 41.06 ટકા મતદાન થયું હતું. જેના પરિણામમાં ભાજપને 58 અને કોંગ્રેસને માત્ર 11 બેઠક મળી હતી. આમ ભાજપને ફરી તોતીંગ બહુમતી હાંસલ થઇ હતી. 2015માં ભાજપને સત્તાની ખુરશી સુધી પહોંચવામાં ખુબ મહેનત થઇ હતી અને કોંગ્રેસને માત્ર એક વોર્ડનું છેટુ (ટાઇથી) રહી ગયું હતું.

આ વર્ષમાં 18 વોર્ડ અને 72 બેઠકની યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 38 અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી. છેલ્લે કોરોનાના કારણે થોડા વિલંબ બાદ 2021માં યોજાયેલી 18 વોર્ડની 72 બેઠકની ચૂંટણીમાં 50.72 ટકા મતદાન થયું હતું. જેના પરિણામમાં ભાજપને 68 અને કોંગ્રેસને માત્ર 4 બેઠક મળી હતી. તેમાં પણ વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પહેલા આપમાં ગયેલા કોંગ્રેસના બે કોર્પોરેટર ગેરલાયક ઠરતા હવે મનપાના ભાજપના 68 અને કોંગ્રેસના 2 મળી માત્ર 70 સભ્ય રેકર્ડ પર છે.

2021ની ચૂંટણીથી રાજકોટમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ હતી. આ પરિણામમાં ભાજપને 68 અને કોંગ્રેસને 4 બેઠક મળી તેમાં આપે કરેલું નુકસાન પણ એક મોટુ કારણ હતું. અમુક બેઠક પર તો આપના ઉમેદવારો કોંગ્રેસ કરતા આગળ અને બીજા ક્રમે રહ્યા હતા. આ રીતે કોંગ્રેસને જે ફટકો પડયો તે માટે ઝાડુ પણ જવાબદાર હતું. એકંદરે આપે કોંગ્રેસના વધુ મત તોડયા તેવું સૌને લાગ્યું હતું.

હવે વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીની વાત કરીએ તો 2012માં રાજકોટ પૂર્વમાં 71.31, પશ્ચિમમાં 65.12, દક્ષિણમાં 65.69 અને ગ્રામ્યમાં 68.05 ટકા મતદાન થયું હતું. 2017માં આ મતદાન અનુક્રમે 67.66, 69.23, 64.77 અને 65.96 નોંધાયું હતું. તેમાં પણ આ વખતે ઘટાડો થતા પૂર્વમાં 62.15, પશ્ચિમમાં 56.15, દક્ષિણમાં 58.84 અને ગ્રામ્યમાં 61.74 મતદાન નોંધાયું છે. જે ધારણા કરતા ઘણું નીચું છે.

આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉભા હતા. રાજકોટ પૂર્વમાં તો ગત કોર્પો.ની ચૂંટણીમાં દસેક હજાર મત લઇ ગયેલા રાહુલ ભુવા ત્રણે પક્ષમાં એક માત્ર પટેલ ઉમેદવાર છે. રાજકોટ-69માં બ્રહ્મસમાજના દિનેશ જોષી, દક્ષિણમાં શિવલાલ બારસીયા અને ગ્રામ્યમાં વશરામ સાગઠીયા ચૂંટણી લડયા છે. આમ આ વખતે આપના ઉમેદવારો વિધાનસભા કક્ષાની તોડફોડ કરી શકે તો પરિણામ અને લીડના આંકડામાં મોટા ફર્ક પડી જાય તેમ છે.

આમ આદમી પાર્ટી ગાજી એટલી વરસી નથી પરંતુ બેઠકવાઇઝ 15 થી 20 હજાર કે તેથી પણ વધુ મત લઇ જાય તો ભાજપ-કોંગ્રેસને મોટી અસર કરી દેશે. પૂર્વમાં પટેલ ઉમેદવાર શું જ્ઞાતિના વધુ મત ખેંચી લાવ્યા હશે? શું પાટીદારોએ નારાજગી સાથે મતદાન કર્યુ હશે? પાટીદારોનો મોટો વર્ગ ભાજપ સાથે જ રહે તે પરંપરા જળવાઇ હશે?

આવા અનેક સવાલ હવે મંડાવા લાગ્યા છે. રાજકોટ પશ્ર્ચિમમાં લોહાણા સમાજને કોઇ પક્ષે ટીકીટ ન આપી અને આપે બ્રાહ્મણ ઉમેદવારને ઉતાર્યા. આ સમીકરણો પણ આ મતક્ષેત્રમાં આંચકારૂપ બન્યા હતા. રાજકોટ દક્ષિણમાં ઉદ્યોગજગતમાંથી શિવલાલ બારસીયા ઉમેદવાર હતા. તો રાજકોટ ગ્રામ્યમાં ગત વિધાનસભા ખૂબ પાતળી સરસાઇથી હારેલા વશરામભાઇ સાગઠીયા આપના મજબુત ઉમેદવાર હતા. આ ઉમેદવારોએ જો કોર્પો.ની પેટર્ન મુજબ કોંગ્રેસના મત કાપ્યા હોય તો ભાજપને ફાયદો થઇ શકે, પરંતુ કુલ મતદાનની ટકાવારીમાં જે ગાબડુ પડયું તે જોતા જો આ નહીં પડેલા મત ભાજપના હોય તો એક ફેકટર કોંગ્રેસને અને આ બીજું ફેકટર ભાજપને નુકસાન કરી શકે છે.

આવા અનેક ગણિત વચ્ચે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો તો ચિંતામાં જ રહ્યા છે. કોર્પો.ની ચૂંટણીમાં જો આપના ઉમેદવારો સારા મત લઇ જતા હોય તો વિધાનસભામાં આપના બે પટેલ, એક બ્રાહ્મણ અને એક દલિત ઉમેદવાર મતમાં મોટો ભાગ પડાવી શકે તેવું અગાઉથી કહેવાતું હતું. તેમાં પણ ભાજપમાં ઉત્સાહની કમી, નવા ઉમેદવારોના નામથી લાગેલા આંચકા, મોટા નામ પર કાતર ફરી જવી સહિતના સંજોગોએ પણ ઓછા મતદાનમાં ભાગ ભજવ્યાનું ગઇકાલે જુદા જુદા વિસ્તારના બુથ ઉપર જોવા મળતું હતું.

મહાપાલિકાની છેલ્લી ચૂંટણી અને વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં જો એક જ લાઇન પર મતદાન થયું હોય તો પરિણામ કંઇ પણ આવી શકે છે. ભાજપ-કોંગ્રેસે કરેલા ઘણા પ્રયોગો ભારે પડી શકે છે. હવે સતત ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણીમાં ઘટેલુ મતદાન શાસક પક્ષને નુકસાન કરી શકે? કોંગ્રેસને કેટલો ફાયદો કરી શકે અને આપ વધુ એક વખત શું માત્ર મતોમાં ગાબડા પાડવા પૂરતી જ ભૂમિકા ભજવી શકશે? આ તમામ સવાલના જવાબ હવે આગામી તા.8ના ગુરૂવારે જ જાણવા મળશે. કારણ કે તમામ અંદાજ, અટકળો, ગણતરી, ધારણાઓ વચ્ચે મતદારના મનમાં શું હતું તે કોઇ વિશ્ર્વાસથી કહી શકતું નથી.

2017માં મુખ્યમંત્રી ચૂંટણી લડતા હતા : આ વખતે ભાજપે નવા ચહેરા લોન્ચ કર્યા : ઓછા મતદાન પાછળના વધુ કારણો
ચારમાંથી કોઇ ઉમેદવારનો વિધાનસભા માટે મજબુત બેઝ ન હતો : લોકો, કાર્યકરો વચ્ચે જ બેઠા રહેતા નેતાઓને ટીકીટ ન મળતા પેજ પ્રમુખ સુધી અસર થઇ
રાજકોટ વિધાનસભાની ચારે બેઠક પર છેલ્લી બે ચૂંટણીના પ્રમાણમાં મતદાન ઘટયું છે. આમ છતાં ભાજપ જીતશે તેવું પાર્ટીનો એક સીનીયર વર્ગ માની રહ્યો છે ત્યારે કમ સે કમ પૂરતું મતદાન કરાવવામાં તો ભાજપના પ્રયાસોની હાર થઇ છે તેવું લાગ્યું છે.

પરંતુ ઓછા મતદાનના અનેક કારણો હવે ગણાવાઇ રહ્યા છે. જેમાં રાજકોટમાં ખુદ મુખ્યમંત્રી ચૂંટણી લડતા હોય અને તે બાદની ચૂંટણીમાં મુખ્યમંત્રીને પાર્ટી ચૂંટણી જ ન લડાવે તે બાબત પણ મહત્વની બની છે. તો છેલ્લે સુધી ગાજેલા અને લોકો, કાર્યકરો અને પેજ પ્રમુખ સાથે પણ બેઠેલા નામોને ટીકીટ ન મળતા મોટી નિરાશા પણ ફેલાઇ હતી.2017માં ચૂંટણી લડેલા વિજયભાઇ રૂપાણી અર્ધો લાખથી વધુની લીડ સાથે રાજકોટ-69માંથી ચૂંટાયા હતા. અગાઉ તેઓ પેટા ચૂંટણી પણ જીત્યા હતા.

મુખ્યમંત્રી પદની સળંગ પાંચ વર્ષની ટર્મ પૂરી કરતા પૂર્વે તેમને મુખ્યમંત્રી પદેથી ઉતારીને પક્ષે ભુપેન્દ્રભાઇ પટેલને મુખ્યપ્રધાન બનાવ્યા હતા. આ ઘટનાના રાજકોટ-સૌરાષ્ટ્રમાં સૌથી વધુ શાંત પડઘા પડયા હતા. તે બાદ 2022માં ચૂંટણી ન લડવાની કરેલી જાહેરાતથી ત્રણ-ત્રણ દાયકાથી સક્રિય રાજકારણમાં રહેલા વિજયભાઇ સમર્થિત પાર્ટીના લોકો અને પક્ષ સિવાયના લોકોનો એક મોટો વર્ગ પણ નિરાશ થયો હતો. વિજયભાઇ મુખ્યમંત્રી તરીકે ચૂંટણી લડતા હોય તે કારણે જ મત આપવા ગયેલો વર્ગ પણ ગત વખતે મોટો હતો. આ તમામ પરીબળો માઇનસ થઇ જતા મતદાન પણ કપાયું છે.

આ બેઠક પર બિનવિવાદાસ્પદ ડો. દર્શિતાબેન શાહને પાર્ટીએ ટીકીટ આપી પરંતુ તેઓ ધાારાસભા કક્ષાએ નવો ચહેરો બન્યા હતા. રાજકોટ-68માં છેલ્લી કલાકમાં સારૂ મતદાન થયું. ભાજપના ઉદય કાનગડ પાર્ટીને વફાદાર નેતા રહ્યા છે. પરંતુ વિધાનસભા માટેનું તેમનું ગ્રાઉન્ડ નવું હતું. ઇન્દ્રનીલ રાજગુરૂ પાસે ર01ર થી 2017નો અનુભવ હતો. જુનુ મેનેજમેન્ટ એકટીવ હતું. તો ઉદય કાનગડ કોર્પો.ના તમામ પદ પર બેસીને લોકો સાથે સંપર્કમાં રહ્યા છે અને જરૂરત સમયે અંગત રીતે મદદ કરવાનો તેમનો સ્વભાવ ઘણા લોકો સુધી પહોંચતો રહે છે. કાનગડ માટે પાર્ટીએ કેટલી મહેનત કરી તે પરિણામના દિવસે માલુમ પડશે.

રાજકોટ-70માં રમેશભાઇ ટીલાળા સૌથી નવા ઉમેદવાર હતા. કાર્યકરો, કોર્પોરેટરો અને અમુક નેતાઓ સાથે પણ તેમની ઓળખાણ ન હતી કે પાર્ટીમાં એટલા સક્રિય ન હતા. આ કારણે ઉભા થયેલા અસંતોષનો તેમણે સામનો કર્યો છે. છતાં આ મતક્ષેત્રમાં કમળના નામે અને બિનવિવાદાસ્પદ છાપના કારણે તેમણે ઘણુ સંભવિત નુકસાન કવર કર્યાનું માનવામાં આવે છે. રાજકોટ-71માં ફરી બાબરીયા પરિવાર ટીકીટ સાથે એકટીવ થયો. ભાનુબેન બાબરીયા બે ટર્મ ધારાસભ્ય હતા પરંતુ આ વખતે કોંગ્રેસના સુરેશ બથવાર અને આપના વશરામ સાગઠીયા એમ બે બે મજબુત ઉમેદવારનો સામનો કરવો પડયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement