રાજકોટ, તા. 2
રાજકોટ વિધાનસભાની ચારે બેઠક પર ગઇકાલે ધારણા કરતા ઓછું મતદાન થતા આ વખતે પાર્ટી કરતા ઉમેદવારોએ વધુ દોડવું પડયું હોય તેવા સંજોગો ઉભા થયાનું તારણ પણ નીકળ્યું છે. રાજકોટમાં ચૂંટણી પ્રચાર શાંત થવાના એક દિવસ અગાઉ વડાપ્રધાનની સભા, તેમાં પાંખી હાજરીથી માંડી ગઇકાલે બુથ આસપાસ ભાજપની નિરૂત્સાહ લોબીના કારણે પણ પૂરતી સંખ્યામાં મતદારો બહાર ખેંચી શકાયા ન હતા તેવું ઘણાને લાગ્યું છે.
વડાપ્રધાનની સભામાં નવેક હજાર ખુરશી મુકવામાં આવી હતી અને તેમાં પણ 30 ટકા જેટલી ખાલી રહી હતી. મતદાનના બે દિવસ પહેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, બિહારથી સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા રાજકોટ કમલમ ખાતે પહોંચ્યા હતા અને ચૂંટણી તૈયારી અંગે રીપોર્ટ લઇ મતદાન વધુ કરાવવા પર ભાર મુકયો હતો. ખુદ વડાપ્રધાન લોકોને મતદાનના રેકોર્ડ તોડવા અપીલ કરતા હતા. એટલે કે આ વખતે મતદાન ઓછું થશે તેવો ભય ભાજપને કદાચ અગાઉથી હતો.
રાજકોટમાં ભાજપે કેટલા જાણીતા અને કાર્યકરોના પ્રિય ચહેરાને ટીકીટની રેસમાંથી દુર કરી દેતા વર્ષોથી આ નેતાઓ સાથે પાર્ટી કરતા પણ વધુ મજબુત રીતે જોડાયેલો કાર્યકર વર્ગ નિરાશ થયો હતો. દાવેદારો તો રીતસર નારાજ થયા બાદ ચૂંટણીમાં કામ કરતા હતા. અમુક પ્રત્યક્ષ રીતે પ્રચારમાં હતા પરંતુ મનથી ન હતા. આ ખોટ ચારે ચાર વિધાનસભા મતક્ષેત્રમાં વર્તાય છે. મતદાનના દિવસે મતદારોને ભાજપમાંથી મત આપી આવવાના ફોન અને ઘર સુધી સંદેશા જતા હતા. આવું પણ ખુબ ઓછા પ્રમાણમાં બન્યુ છે.
નવા ચહેરાઓ માટે કામ કરવું એક મોટા વર્ગને ગમ્યું નથી. આ કારણે જ ચૂંટણીમાં એકંદર પાર્ટી જેટલી જ મહેનત ઉમેદવારોને વ્યકિતગત રીતે પણ કરવી પડે છે. વોર્ડ પ્રમુખથી માંડી પેજ પ્રમુખની વ્યવસ્થા છેલ્લા વર્ષોમાં પક્ષના સક્રિય અને ટોચના નેતાઓએ કરી છે.
પરંતુ પેજ પ્રમુખોને સીધુ નવા ચહેરાઓ માટે કામ કરવાનું આવ્યું તે પણ ઘણાને આંચકાજનક લાગ્યું હતું. સી.આર.પાટીલ રાજકોટ આવીને વધુ અને ભાજપ તરફી મતદાનની વ્યવસ્થા માટે સૂચના આપતા ગયા છતાં મતદાનના દિવસે તેની કોઇ અસર દેખાઇ ન હતી. અનેક નેતાઓ અને ચૂંટાયેલા લોકો પણ સંપૂર્ણ રીતે એકટીવ થયા ન હતા. નાના મોટા સમાજોની પાર્ટી લેવલની બેઠક ઓછી થઇ અને ઉમેદવાર કક્ષાએ વધુ થઇ.આમ પૂર્વ મુખ્યમંત્રીના શહેરમાં મતદાન ઓછું થવા પાછળ ભાજપની એકટીવ ટીમની અમુક અંશે નિષ્ક્રિયતા પણ જવાબદાર બની છે.