► રાજકોટ-68માં પાટીદારો અને 70માં અન્ય વર્ગના મતદારો ઓછા નીકળ્યા હોવાનું અનુમાન : રાજકીય પંડિતો પણ ગોટે ચડયા
રાજકોટ, તા.2 : ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. રાજકોટ જિલ્લાની આઠ ધારાસભા બેઠકોમાં સરેરાશ 60.4ર ટકા મતદાન નોંધાયુ હોવાનું ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ મતદાન ઓછું હોવાના કારણે કયા વર્ગના મતદારો ઓછા બહાર નીકળ્યા એ વિશે રાજકીય પક્ષો તથા નિષ્ણાંતો ગણિત માંડવા લાગ્યા છે. તેવા સમયે રાજકોટ શહેરની ચાર બેઠકોમાં 2017ની સરખામણીએ આ વર્ષે 4.22 ટકાથી માંડીને 12.20 ટકા સુધીનું ઓછું મતદાન હોવાના આંકડા જાહેર થયા છે. ચૂંટણી પંચના આંકડાકીય રીપોર્ટ પ્રમાણે રાજકોટ-68(પૂર્વ) બેઠકમાં 62.22 ટકા મતદાન નોંધાયુ હતું.
જે 2017માં 67.66 ટકા હતું. 5.44 ટકા ઓછું મતદાન થયું હતું. રાજકોટની આ બેઠકમાં પાટીદારો ઉપરાંત ઓબીસી, મુસ્લિમ સહિતના મતદારોની વસતિ ઘણી વધુ છે. પાટીદારના બદલે ઓબીસીને ટીકીટ આપવામાં આવી હોવાથી પાટીદારોમાં નારાજગી હતી ત્યારે ઓછા મતદાન પાછળ આ ફેકટર જવાબદાર છે કે કેમ એ વિશે અટકળો થઇ રહી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તે અગાઉ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે બેઠક પરથી ચૂંટણી લડયા હતા તથા વર્ષો સુધી સિનીયર નેતા વજુભાઇ વાળાએ જે બેઠક પર ભાજપનો દબદબો રાખ્યો હતો તે રાજકોટ-69ની બેઠકમાં મતદાનમાં સૌથી મોટો ઘટાડો થયો હોવાનું બહાર આવ્યું છે. ભાજપના ઉમેદવાર તરીકે આ વખતે દર્શિતાબેન શાહ હતા. આ બેઠકમાં પણ અન્ય જ્ઞાતિના નેતાઓને ટીકીટ નહીં મળતા નારાજગી હતી અને પ્રચારમાં ઓછો રસ દાખવાયાનું કહેવાતું જ હતું.
2017માં વિજય રૂપાણી આ બેઠક પરથી ચૂંટણી લડયા હતા અને ત્યારે 69.23 ટકા મતદાન થયું હતું તેની સરખામણીએ આ વખતે માત્ર 57.03 ટકા જ મતદાન નોંધાયું છે. 12.20 ટકા જેવો ધરખમ ઘટાડો નોંધાયો છે. આ મતક્ષેત્રમાં મોટા ભાગે જૈન, બ્રાહ્મણ, લોહાણા, પાટીદાર સહિતના સવર્ણોની જ બહુમતી છે. તેવા સમયે ઓછા મતદાન પાછળ એવું કારણ જવાબદાર હશે તે અટકળોનો વિષય બન્યું છે. પાટીદારોના માત્ર 20 ટકા જેટલા જ મતદારો હોવા છતાં પાટીદાર અને ભાજપના ગઢસમા રાજકોટ-70(દક્ષિણ) બેઠકમાં આ વખતે 6.17 ટકા ઓછું મતદાન નોંધાયું છે. 2017માં 64.77 ટકા મતદાન થયું હતું તેની સામે આ વખતે 58.60 ટકા મત પડયા હતા. ભાજપમાંથી રમેશભાઇ ટીલાળા, કોંગ્રેસમાંથી હિતેષ વોરા અને આમ આદમી પાર્ટીમાંથી શિવલાલ બારસીયા મેદાનમાં હતા. ત્રણે મુખ્ય રાજકીય પક્ષોએ પાટીદાર ઉમેદવારને જ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.
તેવા સમયે પાટીદારોનું મતદાન ઓછું થયું હોય તેવું માની શકાય તેમ નથી એટલે અન્ય સમાજ જ્ઞાતિના મતદારો ઓછા નીકળ્યા હોવાનું અનુમાન મુકવામાં આવી રહ્યું છે. રાજકોટ-71ની બેઠકમાં પણ મતદાનમાં 4.22 ટકાનો ઘટાડો માલુમ પડયો છે. 2017માં 65.96 ટકા મતદાન નોંધાયુ હતું તેની સામે આ વખતે 71.74 ટકા મત પડયા હતા. અનામત બેઠકમાં મતદાન ઓછું થવા પાછળના કારણ વિશે જુદી જુદી અટકળો વ્યકત થઇ રહી છે. રાજકીય વર્તુળોના કહેવા પ્રમાણે લગ્નગાળો, કૃષિ સિઝન તથા રાજકીય પક્ષોમાં ટીકીટની ખેંચતાણ વચ્ચે આંતરીક નારાજગીથી મતદાન ઓછું થવાનું અગાઉથી જ માનવામાં આવી રહ્યું હતું અને તે મુજબ રાજકોટની ચારેય બેઠકમાં મતદાન ઓછું થતા તમામ પક્ષોના નેતાઓ તેની નોંધ લે તે સ્પષ્ટ છે.
અંતિમ બે કલાકના મતદાને રંગ રાખ્યો : ચારેય બેઠકોમાં 12.57 થી 15.18 ટકા મત પડયા
જિલ્લાની ચારેય બેઠકોમાં પણ સમાન હાલત
રાજકોટ, તા.2 : રાજકોટ શહેરની ચારેય બેઠકોમાં 2017ની સરખામણીએ મતદાનમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ છેલ્લી બે કલાકે મતદારોએ રંગ રાખતા અમુક અંશે સંભવિત મોટી ખાધ સરભર થઇ શકી હતી. છેલ્લી બે કલાકમાં 12.57 થી માંડીને 15.18 ટકા મત પડયા હતા.ચૂંટણી પંચના આંકડાકીય રીપોર્ટ પ્રમાણે બપોરે 3 વાગ્યા સુધી તો રાજકોટની એક પણ બેઠકમાં મતદાનની ટકાવારી 50 ટકાને આંબી શકી ન હતી. રાજકોટ-68ના આંકડા ચકાસવામાં આવે તો બપોરે 3 સુધી માત્ર 47.98 ટકા જ મતદાન હતું જે છેલ્લા બે કલાકમાં વધીને 62.22 ટકાએ પહોંચ્યુ હતું.
આ સમયગાળામાં મતદાનમાં 14.24 ટકાની વૃધ્ધિ થઇ હતી. રાજકોટ-69માં પણ છેલ્લે બે કલાકમાં 14.04 ટકા મતદાન નોંધાયુ હતું. આ બેઠક પર બપોરે 3 વાગ્યા સુધી 42.99 ટકા મત પડયા હતા જે પાંચ વાગ્યે વધીને 57.03 ટકા થયા હતા.રાજકોટ-70માં છેલ્લી બે કલાકમાં મતદાનમાં સૌથી વધુ વધારો નોંધાયો હતો. બપોરે 3 વાગ્યા સુધી આ બેઠક પર 43.42 ટકા જ મતદાન હતું. જે અંતિમ બે કલાકમાં 15.18 ટકા નોંધાયુ હતું અને અંતિમ આંકડો 58.60 ટકાને આવી શકયો હતો. રાજકોટ-71માં છેલ્લી બે કલાકમાં મતદાનમાં 12.57 ટકાનો વધારો થયો હતો. બપોરે 3 વાગ્યે 49.17 ટકા જ મતદાન હતું
જે વધીને છેલ્લે 61.74 ટકા નોંધાયું હતું. રાજકોટ શહેરની ચાર ઉપરાંત જિલ્લાની બેઠકોમાં પણ સમાન હાલત હતી. જસદણમાં બપોરે 3 સુધી 46.3ર ટકા મતદાન જ હતુ જે અંતે વધીને 61.25 ટકાએ પહોંચ્યુ હતું. ગોંડલની બેઠકમાં પણ 48.58 ટકા મતદાન હતું જે પછી 62.81 ટકાએ પહોંચ્યુ હતું. જેતપુરમાં અંતિમ બે કલાકમાં મતદાનમાં 13 ટકા જેટલો વધારો થયો હતો. બપોરે 3 વાગ્યે 50.25 ટકા મતદાન હતુ જે અંતે વધીને 63.22 ટકા નોંધાયુ હતું. ધોરાજી બેઠકમાં બપોરે 3 વાગ્યે 44.93 ટકા મત પડયા હતા જે છેલ્લે વધીને 57.16 ટકા થયા હતા.
રાજકોટ જીલ્લાની આઠેય બેઠકો પર મહિલા કરતા પુરૂષ મતદારોનું વધુ મતદાન
રાજકોટ, તા.2 : વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ જિલ્લાની આઠ બેઠકોમાં સરેરાશ 60.42 ટકા મતદાન નોંધાયુ છે. મહત્વની બાબત એ છે કે મહિલા કરતા પુરૂષ મતદારોએ વધુ મતદાન કર્યુ હતું. તમામ આઠ બેઠકોમાં આ ટ્રેન્ડ રહ્યો હતો. રાજકોટ-68ને લાગે વળગે છે ત્યાં સુધી કુલ 1,85,146 મતદારોએ મતદાન કર્યુ હતું તેમાંથી 65.37 ટકા પુરૂષોનું તથા 58.72 ટકા સ્ત્રીઓનું મતદાન હતું. રાજકોટ-69માં 202069 મતદારોએ મતદાન કર્યુ હતું તેમાંથી 60.69 ટકા પુરૂષ અને 53.27 ટકા મહિલા મતદારો હતા. રાજકોટ-70માં 15166ર મતદારોનું મતદાન નોંધાયુ હતું તેમાંથી પુરૂષ મતદારોની સંખ્યા 63.10 ટકા તથા મહિલા મતદારોની સંખ્યા 53.84 ટકા હતા. રાજકોટ ગ્રામ્યમાં 226851 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમાંથી 66.15 ટકા પુરૂષ અને 56.85 ટકા સ્ત્રીઓનું મતદાન હતું.
સમગ્ર રાજકોટ જીલ્લામાં સૌથી વધુ જેતપુરમાં: સૌથી ઓછું રાજકોટ-69માં મતદાન
રાજકોટ, તા.2 : રાજકોટ જિલ્લાની વિધાનસભાની આઠ બેઠકોમાં સૌથી વધુ મતદાન જેતપુરની બેઠકમાં નોંધાયુ હતું. ભાજપ તરફથી ઉમેદવારી કરનારા પૂર્વ મંત્રી અને સહકારી ક્ષેત્રના નેતા જયેશ રાદડીયાનો દબદબો ધરાવતી આ બેઠકમાં સૌથી વધુ મત પડયા હતા. 63.22 ટકા મતદાન નોંધાયુ હતું. 67.49 ટકા પુરૂષ તથા 58.58 મહિલા મતદારોએ મત નાખ્યા હતા. તેની સરખામણીએ જિલ્લામાં સૌથી ઓછું મતદાન રાજકોટ-69ની બેઠકમાં નોંધાયુ હતું જે 57.03 ટકા હતું. 60.69 પુરૂષ તથા 53.27 ટકા મહિલા મતદારોએ મતદાન કર્યુ હતું.