રાજકોટ, તા.2 : ધોરાજીના પાટણવાવ પાસે ખૂંટિયાએ ઢીંકે ચડાવતાં બાઈકચાલકને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. બનાવની વિગત અનુસાર, ધોરાજીના પાટણવાવમાં રહેતાં અનિલભાઈ કાંતિભાઈ પેથાણી (ઉ.વ.47) ગઈ તા.29 ના પોતાનું બાઇક લઈ બે પુત્રો સાથે ઉપલેટા નાસ્તો કરવા જઈ રહ્યા હતાં
ત્યારે કાથરોટા પાસે ખૂંટિયાએ ઢીંકે ચડાવતાં બાઇક પરથી રોડ પર પટકાયા હતાં. જેમાં તેને માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી.જ્યારે તેમની સાથે રહેલાં બે પુત્રોને સદનસીબે કોઈ ઇજા પોહચી ન હતી. ઇજાગ્રસ્તને પ્રથમ સારવારમાં ઉપલેટા અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.જ્યાં તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કર્યા હતાં.વધુમાં મૃતક મજૂરીકામ કરતાં હતાં અને સંતાનમાં બે પુત્રો છે જેમને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.