નવીદિલ્હી, તા.2
ભારતની કાર બનાવનારી સૌથી મોટી કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડએ એવી જાહેરાત કરી છે કે તે જાન્યુઆરી-2023થી પોતાના તમામ મોડલની કિંમતોમાં વધારો કરશે. કંપનીએ કહ્યું કે તમામ મોડલની કિંમતોમાં અલગ-અલગ પ્રકારનો વધારો થશે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે તમામ સેક્ટરમાં વધી રહેલી મોંઘવારીને કારણે ખર્ચ વધી રહ્યો છે અને એ દબાણમાં કંપની ફરીથી પોતાની ગાડીઓની કિંમત વધારવા માટે મજબૂર છે. જો કે કંપનીએ એ જાહેર નથી કર્યું કે કઈ ગાડીમાં કેટલો વધારો કરશે મતલબ કે આ અંગેનો સચોટ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.
આ વર્ષે એપ્રિલની શરૂઆતમાં મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ અલગ-અલગ ઈનપુટ કોસ્ટમાં વધારો થવાને કારણે હેચબેક સ્વિફ્ટ અતે તમામ સીએનજી વેરિયેન્ટની કિંમતોમાં ફેરફારની જાહેરાત કરી હતી. ત્યારે તેના તમામ મોડલની કિંમતો (એક્સ શો-રૂમ)માં 1.3%નો વધારો થયો હતો.
જાન્યુઆરી-2021 અને માર્ચ-2022 વચ્ચે કંપનીએ ગાડીઓની કિંમતોમાં લગભગ 8.8%નો વધારો કર્યો હતો. આ પાછળનું મુખ્ય કારણ સ્પેર પાર્ટસ અને ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થવા પાછળ જવાબદાર છે.