મોહમયી મુંબઇનું ખોફનાક ભાવિ: મરીન ડ્રાઇવ, નરિમાન પોઇન્ટ દરિયામાં ગરક થઇ જશે

02 December 2022 05:44 PM
India
  • મોહમયી મુંબઇનું ખોફનાક ભાવિ: મરીન ડ્રાઇવ, નરિમાન પોઇન્ટ દરિયામાં ગરક થઇ જશે

► આરએમએસઆઇના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો

► ગુજરાતમાં ભાવનગર અને ઓખાના પણ દરિયાના પાણીનું જોખમ: વર્ષ 2030થી 2050 દરમિયાન દરિયાના પાણી મુંબઇના વિસ્તારોમાં ઘુસી શકે છે

મુંબઇ,તા.2
મુંબઇ સપનાની મોહમયી નગરી છે. અહીં અનેક લોકો પોતાના સપના સાકાર કરવા આવે છે, અહીં અનેકના સપના સાકાર પણ થયા છે. પણ આ ખુદ મુંબઇ નગરીનું ભવિષ્ય દુ:સ્વપ્ન સમાન સાબિત થશે તેવી ભવિષ્યવાણી આરેએમએસઆઇના એક સંશોધનમાં કરાઇ છે. તેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મુંબઇમાં દરીયાકાંઠે આવેલા મરીન ડ્રાઇવ, નરીમાન પોઇન્ટ સહિતનો અનેક ઇમારતો દરીયામાં ગરકાવ થઇ જશે. મુંબઇના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા રોડમાંથી અનેક રોડ પર દરીયાના પાણી લહેરાશે. તો દરિયા કાંઠે બાંધેલી અનેક ગગનચુંબી ઇમારતો સુધી હાઇ ટાઇડ (ભરતી) દરમિયાન દરીયાના મોજા પહોંચશે.

આરએમએસઆઇના સંશોધન રિપોર્ટ અનુસાર હાજી અલી દરગાહ, જવાહર લાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ, એકસપ્રેસ હાઇવે બ્રાંદ્રા, વરલી સી લિંક જેવા વિસ્તારો દરીયાના પાણીમાં ડુબી જવાનો ઉલ્લેખ કરાયો છે. આઇપીસીસીના છઠ્ઠા કલાયમેટ એસેસમેન્ટ રીપોર્ટના આધારે આરએમએસઆઇ દ્વારા આ પ્રકારનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે.

મુંબઇમાં દરીયાના પાણી આગામી વર્ષ 2030 થી 2050 સુધીમાં ઘુસી જશે. માત્ર મુંબઇ જ નહીં, દેશના અન્ય દરિયા કાંઠે આવેલા શહેરોના અનેક વિસ્તારો દરિયામાં ગરક થઇ જવાની ભવિષ્યવાણી આરએમએસઆઇ એ કરી છે. આ શહેરોમાં કોચી, મેંગ્લુરુ, ચેન્નાઇ, વિશાખાપટ્ટનમ અને તિરુવંતપુરમનો સમાવેશ થાય છે.

એક અહેવાલ અનુસાર 1874થી 2004ની વચ્ચે ઉત્તરીય હિન્દ મહાસાગરમાં પાણીનું સ્તર દર વર્ષે 1.06 થી 1.75 મી.મી.ના સ્તરે વધી રહયું છે. 1993થી 2005ના સમયગાળાની વાત કરીએ તો તેના 3.3 મી.મી.ના સ્તરે વધારો થયો છે.

એક અંદાજ મુજબ ગુજરાતમાં ભાવનગર 2.60 ફુટ ઓખામાં 1.96 ફુટનો વધારો થવાની ગણતરી છે. નિષ્ણાંતો માને છે કે વર્ષ 2050 સુધીમાં તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સીયસનો વધારો થશે. આ કારણે વાવાઝોડાની માત્રા ત્રણ ગણી વધશે આ સ્થિતિમાં ભારતના 12 શહેરોમાં પાણીનું સ્તર ભયજનક રીતે વધી જશે. જેના કારણે ગુજરાતના ઉપરોકત શહેરોમાં પાણીનું સ્તર ભયજનક રીતે વધશે. આ શહેરોમાં કોચી, ચેન્નાઇ વગેરેનો સમાવેશ થાય છે.


Related News

Advertisement
Advertisement
Advertisement