રાજકોટ, તા.2 : શહેરમાં રહેતા તુષાર ભરત સેજપાલ (રહે. નાગેશ્વર વિસ્તાર, જામનગર રોડ) સામે ઈરફાન ઉંમર શેખ (રહે. પાલડી, અમદાવાદ)એ સીઆઇડી ક્રાઇમ રાજકોટ ઝોનમાં ફરિયાદ નોંધાવેલી કે, તુષાર તેની કંપનીમાં હિસાબ સાંભળતો હોય વર્ષ 2019થી 2021 દરમિયાન તેણે કંપનીના રૂપિયા 82.37 લાખ જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપીંડી કરી હતી. આઇપીસી કલમ 406, 467, 120 (બી), વગેરે મુજબ ગુનો નોંધી સીઆઇડીની ટીમે આરોપીની ધરપકડ કરતા આરોપી તુષારને ગાઝીયાબાદની યુવતી સપના યોગેશ ગૌતમે લગ્ન કરવાનું કહીં મોટી રકમ તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી. જેથી સપાનાની પણ ધરપકડ થયેલી. જેલમાં રહેલી સપનાએ જામીન અરજી કરતા કોર્ટમાં સરકારી વકીલે દલીલ કરેલી કે, આરોપી તુષાર એકાઉન્ટ વિષયનો જાણકાર છે. ઇન્કમટેક્સ વિભાગની ઇન્કવાઈરીથી બચવા કંપનીના પોણા કરોડથી વધુ રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ. ધારદાર દલીલો ધ્યાને લઇ સેશન્સ કોર્ટે આરોપી સપનાની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે એ.પી.પી. મહેશભાઈ જોશી રોકાયેલા હતા.