રાજકોટ, તા.2 : શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતા ફરીયાદી વિજયભાઈ ભાણાભાઈ હરવદીયા તેમના વિસ્તારમાં જ આવેલ મોમાઈ ટી સ્ટોલ ખાતે ચા પીવા માટે ગયેલા. ત્યાં તેના સગા સાઢુભાઈ સાગર બચુભાઈ મકવાણાએ છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જે બાદ આરોપી સાઢુ સાગર મકવાણા સામે થોરાળા પોલીસે આઈ.પી.સી. કલમ 307, 324, 506(2) તથા જી.પી. એકટની કલમ 135(1) મુજબની ફરીયાદ નોંધી ધરપકડ બાદ જેલ હવાલે કર્યો હતો. આરોપીએ જામીન માટે સેશન્સ અદાલતમાં અરજી કરેલી. કોર્ટમાં બન્ને પક્ષકારો વચ્ચે થયેલી દલીલો અને રજુઆત તેમજ મૈાખીક તેમજ લેખીત પુરાવાને ધ્યાનમાં લઈ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશે આરોપીને રેગ્યુલર જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ અને રણજીત બી. મકવાણા રોકાયેલા હતા.