આવતીકાલે ગીતા વિદ્યાલયનો 58માં વર્ષમાં પ્રવેશ

02 December 2022 06:11 PM
Rajkot
  • આવતીકાલે ગીતા વિદ્યાલયનો 58માં વર્ષમાં પ્રવેશ

ભગવદ્ ગીતાના ગુંજારવ તથા માનવસેવા પ્રવૃત્તિના 57 વર્ષ પૂર્ણ : ગીતા વિદ્યાલયમાં કાલે ભાવિકો દ્વારા ભગવદ્ ગીતાના સામુહિક સંપૂર્ણ ગીતા પાઠનું આયોજન: ‘સાંજ સમાચાર’ની મુલાકાત લેતા સંસ્થાના ટ્રસ્ટીઓ

રાજકોટ તા.2
આવતીકાલે ગીતા જયંતી છે. રાજકોટની સેવાકીય સંસ્થા ગીતા વિદ્યાલયનો આવતીકાલે 58માં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. આ અંગેની વિગતો આપવા ‘સાંજ સમાચાર’ના આંગણે સંસ્થાના ટ્રસ્ટીઓ ડો. કૃષ્ણકુમાર મહેતા, સૂર્યકાંતભાઈ ત્રિવેદી, શૈલેષભાઈ જોષી તથા કિરણભાઈ ભટ્ટ આવેલા હતા. આજનો બાળક એ આવતીકાલનો નાગરિક છે તે ધ્યાનમાં રાખીને જો બાળકોને બાળપણથી જ ગીતાજી રામાયણનું અધ્યયન કરાવવામાં આવે

તો સદાચાર, સદ્ગુણ, સહિષ્ણુતાથી પરિપૂર્ણ આદર્શ નાગરિકોનું ઘડતર થાય અને એક આદર્શ ભારત રાષ્ટ્રનું નિર્માણ થાય. આ ભવ્ય હેતુને નજર સમક્ષ રાખીને ભાગવતાચાર્ય શ્રી મનહરલાલજી મહારાજે સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, ગોંડલ, ખાંડાધાર, કોસંબા, ધારી, ધ્રોલ સહીત અનેક સ્થળોએ ગીતા વિદ્યાલયની સ્થાપના કરી, જેમાં રાજકોટમાં આજથી 57 વર્ષ પૂર્વે પાનાચંદ જાદવજી ખખ્ખર, હરસુતભાઈ રાવલ, કેશુભાઈ જોષી, ચંદુભાઈ ભટ્ટ, આર.એલ. જાની, બાબુભાઈ પરમાર, મગનભાઈ રાવલ, કુવરજીભાઈ નંદાણી, હંસરાજભાઈ પટેલ, ચંદુભાઈ મહેતા વગેરે ટ્રસ્ટીઓના સહકારથી ગીતા જયંતીના રોજ ગીતા વિદ્યાલયની સ્થાપના કરી.

રાજકોટમાં જંકશન પ્લોટ ખાતે છેલ્લા 57 વર્ષોથી ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા બાળ સંસ્કાર કેન્દ્ર, ગીતાપ્રચાર, સંસ્કૃત પ્રચાર, નિ:શુલ્ક ઉનાળુ છાશ કેન્દ્ર, નિ:શુલ્ક મેડીકલ નિદાન સારવાર કેમ્પ, રાહતદરે નોટબુક વિતરણ, કારકીર્દી માર્ગદર્શન, સાર્વજનિક વાચનાલય, પુસ્તક મેળો, મેડીકલ સાધન સહાય, જ્ઞાનયજ્ઞ, બાળમજૂરી નાબુદી અભિયાન, સત સાહિત્યનું વિતરણ, મહોત્સવોની ઉજવણી, વ્યસનમુકિત, યોગ શિબિર, ભજન સંધ્યા, ભગવદગીતા પારાયણ વગેરે સેવા પ્રવૃતિઓનું નિયમીત પણે સંચાલન થાય છે. સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃતિઓને કારણે રાજકોટ મહાનગરપાલિકાએ જંકશન પ્લોટ મેઈન રોડને ગીતા વિદ્યાલય રોડ નામ આપેલ છે.  ગીતા જયંતિ નિમિતે કાલે શનિવારે ગીતા વિદ્યાલયમાં સાંજે 4-30થી 7-30 સુધી ભગવદ ગીતાના સામુહિક સંપૂર્ણ ગીતાપાઠનું આયોજન કરેલ છે.

ગીતા વિદ્યાલય
ગુજરાતમાં સૌ પ્રથમવાર આજથી 72 વર્ષો પૂર્વે જામનગરમાં પૂ.શ્રી મનહરલાલજી મહારાજે ગીતા વિદ્યાલયની સ્થાપના કરી, ગીતા જયંતિની ઉજવણીનો પ્રારંભ કર્યો અને નાના બાળકોને સંસ્કૃત શ્ર્લોકોની અંતાક્ષરી રમતા કર્યા. ગુજરાતમાં સૌ પ્રથમવાર શિવજીના સમસ્ત પરિવારના અને ચાર ધામના દર્શન એક જ સ્થળે થતા હોય તેવા દેવસ્થાન ગીતા મંદિર (ગીતા વિદ્યાલય)નું રાજકોટમાં નિર્માણ થયું. ગુજરાતમાં સૌ પ્રથમવાર ગ્રેનાઈટમાં સૂવર્ણ અક્ષરે ગુજરાતી ભાષામાં પ્રમાણિત ગીતાસાર તથા ગીતા વરદાનની ગીતા વિદ્યાલયમાં ઉપલબ્ધિ થઈ. ગુજરાતમાં સૌ પ્રથમવાર પૂ.શ્રી મનહરલાલજી મહારાજે એક જ માસમાં, એક જ શહેર (જામનગર)માં સતત બે બે અષ્ટોત્તરશત (108) ભાગવત સપ્તાહનો વિક્રમજનક ઈતિહાસ સર્જયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement