રાજકોટ:તા.2 : શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પ્રાથમિક શાળા - રાજકોટ દ્વારા રાજકોટ ગુરુકુલના આંગણે શાળાના સંચાલક શ્રી પ. પૂ. જનમંગલદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે તાજેતરમાં ઇન્ટર ગુરુકુલ સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજકોટ, ત્રંબા અને રામપર ગુરુકુલના વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બાળગાયક કલાકારોએ તાલ અને સ્વર વાજિંત્રોની સાથે જુદાં જુદાં ભજન, કિર્તન, લોકગીત, દુહા-છંદ વગેરે રજુ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક ઉપર રામપર ગુરુકુલના વિદ્યાર્થી વેદ સોરઠીયા, દ્વિતીય સ્થાને ત્રંબા ગુરુકુલના વર્ષિલ જોષી, તૃતીય ક્રમાંક ઉપર રામપર ગુરુકુલના વિદ્યાર્થી મહેન્દ્ર હાડગરડા, ચોથા ક્રમાંકે રાજકોટ ગુરુકુલનો વિદ્યાર્થી પૃથ્વીરાજ સોસા અને પાંચમાં સ્થાને રામપર ગુરુકુલમાં અભ્યાસ કરતો છાત્ર અભય વાઘ ઉતિર્ણ થયો હતો. સ્પર્ધાને અંતે તમામ વિજેતા બાળકોને આચાર્ય દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વામિનારાયણ ગુરુકુલના સંતોના માર્ગદર્શનમાં શાળાના શિક્ષક બળવંતભાઈ કાલિયાણી, મોહિતભાઈ દેશાણી અને રાજેશભાઈ કાનાબારે જહેમત ઊઠાવી હતી.