ખૂબ શક્તિશાળી લીડરની એક લાક્ષણિકતા એ છે કે તે પોતાની શક્તિ રોજ રોજ અભિવ્યક્ત કરતા નથી અથવા પોતાની તાકાત દર્શાવતા નથી. તાકાત હોય અને તેને સામાન્ય સંજોગોમાં ન વાપરવી તે પણ એક પ્રકારની તાકાત છે. 13મી સપ્ટેમ્બર 2022 ના રોજ અમે મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે સાહેબને મળવા ગયા હતા. મુદ્દો હતો નાશિક નૂતન ઇઅઙજ સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં અને અમદાવાદ ખાતે ઉજવનાર પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવમાં પધારવાનું આમંત્રણ આપવું. અમે બે સંતો તેમના ટેબલની સામે બેઠા હતા. સાહેબને તેમના સચિવ વગેરે કાગળિયાં વગેરે બતાવવા હતા અને તેની યોગ્ય માહિતી આપતા હતાં. ત્યારબાદ તેઓ જરૂરી માર્ગદર્શન અને ચર્ચા કરતા હતાં. મુખ્યમંત્રી સાહેબ પણ કાગળિયાં વાંચે અને તેના સંદર્ભે પ્રશ્ન પૂછી લેતા. અનિવાર્ય હોય ત્યાં સહી પણ કરતા હતા.
આ કામ સતત ચાલ્યા કરે. તેવામાં સાહેબના પોતાના ફોન પર કોઈનો અગત્યનો ફોન આવ્યો. સાહેબ કહે, ’ હા..હું એકનાથ શિંદે બોલું છું..’ એમ બોલીને તેઓ પોતાની બેઠક પરથી ઊભા થયા અને વાત કરતા કરતા બાજુમાં આવેલા રૂમમાં ચાલ્યા ગયા. કદાચ તે રૂમ તેમના કોઈ સહાયકનો હતો. તેમાંથી બહાર આવ્યા ત્યારે પણ ફોન તો હાથમાં હતો. તે ફોન પૂરો થયો અને તરત બીજો ફોન આવ્યો. ફરી સાહેબ રૂમમાં ગયા. આવું ત્રણથી ચાર વાર થયું. રૂમમાં આવ્યા ત્યારે ફકત તેઓ જ ચાલતા હતા.બીજા બધા સ્થિર ઊભા હતા. તેમણે જો ધાર્યું હોત તો તેમના આંખના એક ઇશારે તેમની ઓફિસમાંથી બધા જ એક ક્ષણમાં બહાર નીકળી ગયા હોત. શિંદે સાહેબમાં પાવર તો ખૂબ છે નહીં તો તેઓ બાળાસાહેબ ઠાકરે શિવસેના ગ્રુપ ન કરી શક્યા હોત. પરંતુ તેમણે એવું ન કર્યું. શાણા સમજુ સત્તાધારીઓ પોતાની સત્તાનું પ્રદર્શન નથી કરતા. સારા સદગુણી સુકાનીનું આ અપ્રતિમ લક્ષણ છે.
અહીં આ તબક્કે પ્રમુખસ્વામી મહારાજનો એક પ્રસંગ સ્હેજે યાદ આવી જાય છે. તેઓ અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આવેલા અર્માન બીચમાં હતા. રાત્રિ ભોજન બાદ સંતો વચ્ચે તેઓ નિરાંતે બિરાજયા હતા. હળવી વાતો ચાલી રહી હતી. તેવામાં એક ફોન આવ્યો અને સેવકે ફોન સ્વામીજીને આપ્યો. એવું લાગ્યું કે ફોન પર સામેના વ્યક્તિ સાથે કોઈ ખૂબ અંગત વાત કરવાની છે. તેથી સ્વામીજી તરત જાતે ઊભા થયા અને બાથરૂમમાં ગયા. થોડી મિનિટો અંદર ખાનગી વાત કર્યા પછી તેઓ બહાર આવ્યા. એ વખતે બધા સંતોએ હાથ જોડી ખૂબ ભાવથી એમને કહ્યું,’ સ્વામી ! આપે અમને બહાર જવાનું કહ્યું હોત અથવા એક ઈશારો પણ કર્યો હોત તો અમે બધા જ બહાર નીકળી જાત.’ સ્વામીજી હસીને બોલ્યા, ’ સાધુને ખસો એમ કહેવાય? તમે બધા સાધુ તો માથાના મુગટ ગણાવ..’ એમ કહીને એમણે એ વાત ટાળી દીધી. સ્વામીજી હંમેશા પોતાનો પ્રભાવ દાબીને વર્ત્યા છે.
બાકી એમની આંખમાં કેવી શક્તિ હતી કે એમની આંખ ફરે અને રસ્તો થઈ જતો. એમનાં નયનના એક પલકારે શું કરવાનું છે અને શું નથી કરવાનું તેની ખબર પડી જાય. 1975ની સાલમાં સુરતમાં સ્વામીજીનો 55મો જન્મદિવસ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો. સવારના સ્વામીજી મુખ્ય સ્ટેજ પર પોતાની પ્રાત:પૂજા કરી રહ્યા હતા. તે વખતે એમણે સદગુરૂ સંત ત્યાગવલ્લભ સ્વામીને મંચ તરફ આવતા જોયા. તેમને આવતા જોઈને સ્વામીજીએ જમણી બાજુ બેઠેલા સંતો તરફ એક સૂચક નજર કરી. એમની ઈચ્છા એવી હતી કે ત્યાગવલ્લભ સ્વામી આવે છે તો તેમના માટે બેસવાની જગ્યા થાય. પણ એ નજરમાં એવો તો પ્રભાવ હતો કે પ્રથમ હરોળમાં બેઠેલા પાંચે સંતો એકી સાથે ઊભા થઈ ગયા. આનંદસ્વરૂપ સ્વામી તો છેક નવમી લાઇનમાં બેઠા હતા તે પણ તરત ઊભા થઈ ગયા. જોકે આગળના જ સંતોએ ત્યાગવલ્લભ સ્વામીને બેસવા માટે વ્યવસ્થા કરી આપી.
એ નયનનો નજારો આનંદસ્વરૂપ સ્વામીના સ્મૃતિપટ પર હજી અંકિત છે. પરંતુ આવો હતો સ્વામીજીનો પ્રભાવ. પરંતુ પણ તેઓ તેને વારેવારે દર્શાવતા ન હતા. આ પણ એમની વિશેષતા હતી. 1983ની સાલમાં સ્વામીજી હાર્ટ એટેક આવ્યા પછી ડોકટરોની સૂચના મુજબ અમદાવાદના આપણા શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં વિશ્રામ કરી રહ્યા હતા. તે દિવસોમાં રોજ રાત્રે નાનકડી સંત સભા થાય. તેમાં તરેહતરેહની વાતો થાય. હાજર સંતો સ્વામીજી સાથે હળવો વાર્તાલાપ કરે. સ્વામીજી પણ સ્વાસ્થ્ય અનુસાર ધીમા સાદે થોડું બોલે. બધાને ખૂબ આનંદ થાય. તે સમયે એક રાત્રે બ્રહ્મપ્રકાશ સ્વામીએ સ્વામીજીને અક્ષરધામ ગાંધીનગરની જાણકારી આપી. એ સમયે આપણી પાસે અક્ષરધામ સંકુલની ખૂબ સીમિત જગ્યા હતી. તેથી તેનો જેટલો જોઈએ તેમનો વિકાસ કરવામાં અડચણો ખૂબ આવતી હતી. વધુ જગ્યા મળે તે માટે તેઓ સતત પ્રયત્નો કરતા હતા.
તેમણે સ્વામીજીને કહ્યું,’ સ્વામી બાપા ! આપ આપની અન્યથા કર્તુમ શક્તિ વાપરો અને અક્ષરધામ માટે જોઈતી જગ્યા મેળવી આપો. આપની પાસે તો અપરંપાર ઐશ્વર્ય છે. આપ કૃપા કરો.’ સ્વામીજી એક પળ તેમની સામે જોઈ રહ્યા અને કહે, ’ સામર્થ્ય હોવા છતાં ઐશ્વર્ય ન વાપરવું એ મોટી સામર્થી નહીં ?’ સંતો તો સ્વામીજીનો આવો પર ભાવ જોઈ સ્થિર થઈ એમને જોઈ રહ્યા. બધાએ સ્વામીજીની સહજાનંદ ઐશ્વર્યનો અનેકવાર અનુભવ કર્યો હતો. સૌએ એમના પ્રતાપથી ઘણા મુશ્કેલ, અસંભવ અને અશક્ય લાગતા કાર્યો જરાવારમાં થઈ જતા જોયા હતા. સ્વામીજીનું લોકોત્તર લક્ષણ એ હતું કે બધું જ કરવા સક્ષમ હોવા છતાં પોતાની શક્તિ વાપરતા નહીં. એવા હતા પ્રમુખ સ્વામી મહારાજ. ખરેખરા તાકાતવર પુરૂષોનો પ્રભાવ શક્તિ ન દેખાડવામાં રહેલો છે પરંતુ ઢાંકવામાં રહેલો છે.