રાજકોટ,તા.3 : જૈન સમુદાયમાં દીક્ષાની વણઝાર અને ગુરૂવારે વિધાનસભા ચૂંટણીના મતદાન વચ્ચે સુરતમાં એક રોચક કિસ્સો નોંધાયો હતો.જેમાં સંસારી જીવન છોડી સંયમ માર્ગે પ્રયાણ કરનારા જૈન દંપતીએ પોતાનું અંતિમ વખતનું મતદાન કર્યું હતું. જૈન પરંપરામાં દીક્ષા લીધા બાદ મતદાન સહિતની કોઈ પણ સંસારી કિયા કરવામાં આવતી નથી.મુમુક્ષુ જિગ્નેશભાઈ, હેતલબેન પોતાના બે સંતાનો સાથે 9મીએ દીક્ષા લેશે.
અડાજણ સ્થિત ઈશિતા પાર્કમાં રહેતા વાવ પંથક પરિવારના મુમુક્ષુ 38 વર્ષિય જિગ્નેશભાઈ મહેતા, 36 વર્ષિય હેતલબેન મહેતા પોતાના બે સંતાનો 13 વર્ષીય તીર્થકુમાર અને ત્યાગી કુમારી સાથે આગામી 9 ડિસેમ્બરે સંયમ માર્ગે પ્રયાણ કરશે.તેઓ મહારાષ્ટ્રના શાહપુર સ્થિત ભુવનભાનુ માનસ મંદિરમાં દીક્ષા અંગિકાર કરશે.જો કે તે પૂર્વે જિગ્નેશભાઈ અને હેતલબેને સંસારી જીવનની પોતાની મતદાર તરીકેની ફરજ અદા કરી હતી જિગ્નેશભાઈ અને હેતલબેન અડાજણ સ્થિત ભૂલંકા ભવન શાળામાં આવેલા પોતાના બૂથ મથક પર સાંજે 4 વાગ્યે મતદાન કરવા પહોંચ્યા હતા.
આ દંપતી પોતાના બન્ને સંતાન સાથે મતદાન કરવા પહોચ્યાં હતાં. દંપતી સંયમ માર્ગે પ્રયાણ કરવાના હોય શા માટે મતદાન કર્યું તેના જવાબમાં તેમને જણાવ્યું હતું કે, મતદાન એ દરેક નાગરિકની ફરજમાં આવે છે. દરેકે પોતાનો કિંમતી, અમૂલ્ય મત આપવો જોઈએ.નોંધનીય છે કે, દીક્ષા બાદ સંસારી નામનો પણ ત્યાગ થતો હોય મતદાન કરવામાં આવતું નથી.