(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : માળીયા મીયાણામાં નવલખી બંદર પાસે આવેલ જુમાવાડી વિસ્તાર નજીક બે દિવસ પહેલા અજાણી કારમાં આવેલા શખ્સ દ્વારા જુદી જુદી ત્રણ જગ્યા ઉપર હવામાં ફાયરિંગ કરવામાં આવ્યા હતા. માળીયા મિયાણા તાલુકા પોલીસે રીવોલ્વર (સ્ટાર્ટર), ત્રણ જીવતા કાર્ટીઝ અને કાર સાથે બે શખ્સની ધરપકડ કરેલ છે.
માળીયા (મી.) પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલ રતિલાલભાઇ મેરામભાઇ ગરચરે હાલમાં રફીક કાદરભાઇ જેડા મીયાણા (25) રહે. માળીયા (મી.) વાડા વિસ્તાર તથા યુસુફ અલ્લારખાભાઇ સંધવાણી મીયાણા (20) રહે. જુની ખીરઇ તાલુકોની સામે ફરિયાદ નોધાવવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, નવલખી પાસે જુમાવડી વિસ્તાર નજીક આરોપીઓ દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ સોશિઅલ મીડિયામાં વિડીયો પણ વાઇરલ કરવામાં આવ્યો હતો જેથી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી
જો કે, જુમાવાડી વિસ્તારમાંથી કોઈએ ફરિયાદ નહીં નોંધાવતાં હાલમાં સરકાર તરફે પોલીસ ફરિયાદી બનેલ છે અને લોકોએ કરેલ વર્ણન મુજબની કાર માળીયાના સરવડ ગામના પાટીયા પાસેથી પસાર થતી હતી ત્યારે તેને રોકીને પોલીસે ચેક કરતાં તે શખ્સો પરમીટે કે પરવાના સિવાય રીવોલ્વર (સ્ટાર્ટર) જેવુ એક હથીયાર અને ત્રણ જીવતા કાર્ટીસ સાથે મળી આવ્યા હતા.
પોલીસે 10300 નો મુદામાલ તેમજ લાલ કલરની જીપ નં. જીજે 18 એ 7581 પણ કબ્જે કરેલ છે. આ શખ્સોએ સરા જાહેર રોડ ઉપર રીવોલ્વર (સ્ટાર્ટર) માંથી જુમવાડી પાસે ફાયરીંગ કર્યા હોવાની પણ કબૂલાત આપેલ છે લોકોમાં ભય ફેલાવનારા શખ્સોની સામે હથીયાર ધારા અધિનિયમ કલમ-25 ઇ.પી.કો. કલમ-336, 114મુજબ ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.