(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5
વાંકાનેર તાલુકાના દલડી ગામે ભરડીયામાં કામ દરમિયાન મશીનના બેલ્ટમાં હાથ કપાઈ જતા ઈજાગ્રસ્ત યુવાનને અમદાવાદ બાદમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગરના થાન તાલુકાના મનડાસર ગામે રહેતો મુન્નાભાઈ જીવણભાઈ સાપરા નામનો 30 વર્ષનો યુવાન વાંકાનેર તાલુકાના દલડી ગામે લાખાભાઈના ભરડીએ મશીન ઉપર કામ કરતો હતો ત્યારે મશીનના બેલ્ટમાં તેનો હાથ આવી જતા તેનો હાથ કપાઈ ગયો હતો જેથી તેને સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો અને ત્યાં સારવાર લીધા બાદ હાલમાં મોરબીની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો છે.
ઝેરી દવા પી જતા
બેલા (આમરણ) ગામે રહેતો કિશન ઘેલાભાઈ ખીંટ નામનો 27 વર્ષનો યુવાન કોઈ કારણોસર તેના ઘેર ઉંદર મારવાની દવા ખાઈ જતા સારવાર માટે મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જ્યારે હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતો ગોપાલભાઈ ભૂદરભાઈ સલાટ નામનો 35 વર્ષનો યુવાન તેના ઘરે પહેલા માળેથી પડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
ટંકારાના મોટા ખીજડીયા ગામે રહેતો હિત અલ્પેશ જગોદરા નામનો 14 વર્ષનો તરૂણ બાઈકમાં પાછળ બેસીને જતો હતો ત્યારે લજાઇ ચોકડી નજીક બે બાઈક સામસામા અથડાતા ઇજાઓ થતા હિત સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.