(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.5 : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર કુબેર ટોકીઝની પાછળના ભાગમાં રહેતા મહિલાની દીકરીની પજવણી કરનારા શખ્સને ઠપકો આપ્યો હતો જેથી કરીને તેનો રોષ રાખીને પજવણી કરનારા શખ્સનાં ભાઈઓ દ્વારા મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ પાછળના ભાગમાં રોડ ઉપર રહેતા જયાબેન શંકરભાઈ દેવીપુજક (35) નામની મહિલાને તેની પાડોશમાં રહેતા અજય અને સુરેશ નામના બે શખ્સો દ્વારા મારવામાં આવ્યો હતો
જેથી કરીને ઈજા પામેલ મહિલાને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર લીધા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી ઇજાગ્રસ્ત મહિલાની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં ઈજા પામેલ મહિલાના જમાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેની નાની સાળીની સંજય નામનો શખ્સ પજવણી કરતો હતો અને તે બાબતે તેને ઠપકો આપ્યો હતો જે સારું નહી લાગતા તે શખ્સનાં ભાઈ અજય અને સુરેશ દ્વારા તેની સાસુને ટામી અને સળિયા વડે માર માર્યો હતો જેથી કરીને તેના સાસુને માથાના ભાગે ઈજા થઈ હોવાથી માથામાં સાત જેટલા ટાંકા આવેલ છે હાલમાં પોલીસે ફરિયાદ લેવા માટેની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે
બાઇક સ્લીપ
ટંકારા તાલુકાના ખીજડીયા ગામ પાસેથી બાઈક લઈને પસાર થતા વાંકાનેર તાલુકાનાં અગાભી પીપળીયા ગામે રહેતા રામજીભાઈ હંસરાજભાઈ ચનિયારાનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને રામજીભાઈ ચાનીયારા (34) ને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
માળીયા મીયાણામાં રહેતા જુસબભાઈ લધાણીનો દીકરો નવાજ શેરીમાં રમતો હતો અને રોડ ક્રોસ કરતો હતો ત્યારે રોડ ક્રોસ કરતાં સમયે તેને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને નવાજ લખાણીને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે.