► છેલ્લા બે વર્ષથી અલગ-અલગ વિસ્તારોમાં ભટકી મહિલાઓ સામે બિભત્સ ચેનચાળા કરતાં ગોલ્ડ મેડાલિસ્ટ બૉક્સર કૌશલનો જામીન પર છૂટકારો: સુખી-ધનાઢ્ય પરિવારના પુત્રને પોલીસે બરાબરનો સબક શીખવ્યો પરંતુ માતાને જાણે કે કોઈ જ પસ્તાવો નહીં ?: બે વર્ષથી દરરોજ બેથી ચાર મહિલાઓને શિકાર બનાવતો હોવાની કબૂલાત
રાજકોટ, તા.6
થોડા સમય પહેલાં જ શહેરના અક્ષર માર્ગ પર યોગા ટીચર સાથે લિફ્ટની અંદર અત્યંત બિભત્સ હરકત કરીને મહિલાને માર માર્યાની ઘટનાના સીસીટીવી વાયરલ થતાં માલવિયાનગર પોલીસની ટીમે આરોપીને પકડવા માટે આકાશ-પાતાળ એક કરી નાખતાં અંતે તેને સફળતા મળી હતી. પરમ દિવસે પોલીસે મહિલાઓનું જીવવું હરામ કરી નાખનારા અને કુશ્તીમા ગોલ્ડ મેડાલિસ્ટ એવા 24 વર્ષીય કૌશલ રમેશભાઈ પીપળીયાની તેના દેવપરાના ઘેરથી જ ધરપકડ કરી હતી.
ધરપકડ થયા બાદ પિતા રમેશ પીપળીયાએ શરમના માર્યા હાથ જોડ્યા હતા તો કરગર્યા હતા પરંતુ આશ્ચર્યજનક રીતે કૌશલની માતાને જાણે કે કોઈ જ વસવસો ન હોય તેવી રીતે તેણે ‘છોકરાથી ભૂલ થાય’ તેવો બાલીશ જવાબ આપતાં ખુદ મહિલા થઈને મહિલાની લજ્જાને લજવી નાખ્યાનો શોરબકોર પણ શરૂ થઈ જવા પામ્યો છે.
માલવિયાનગર પીઆઈ ઈલાબેન સાવલિયા, પીએસઆઈ એમ.એમ.મહેશ્ર્વરી, મશરીભાઈ ભેટારિયા, હિરેનભાઈ સોલંકી સહિતના સ્ટાફે ઘટના બન્યાથી લઈ પરમ દિવસ સુધીમાં અંદાજે 1500 જેટલા સીસીટીવી ફૂટેજ ફચેક કરી આરોપીને પકડવા માટે રાત-દિવસ એક કર્યા હતા. અંતે તેને સફળતા સાંપડી હોય તેવી રીતે કૌશલ રમેશ પીપળીયાની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ કૌશલે એવી કબૂલાત આપી હતી કે છેલ્લા બે વર્ષથી તે આ પ્રકારની હરકતો કરતો હતો અને આ દરમિયાન તે દરરોજ બેથી ચાર મહિલાઓને શિકાર બનાવતો હતો. બીજી બાજુ આજે કૌશલને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેનો જામીન પર છૂટકારો થઈ ગયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કૌશલ પીપળીયાએ ધો.1થી 3 સુરત ગાયત્રી સ્કૂલ, ધો.4થી 7 જૂનાગઢ સ્વામિનારાયણ ગુરુકુળ અને ધો.8થી 10 અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુળ અને ત્યારબાદ 11 અને 12મું ધોરણ શેઠ હાઈસ્કૂલ 80 ફૂટ રાજકોટ ખાતે અભ્યાસ કર્યો હતો. અત્યારે તે જે.જે.કુંડલિયા કોલેજમાં એફવાય બીકોમમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. અભ્યાસની સાથે સાથે કૌશલ ફ્રી-સ્ટાઈલ કુશ્તીમાં ગોલ્ડ મેડલ પણ જીતી આવ્યો છે.
પોતે પરિણીત હોવા છતાં તેણે મહિલાઓની આમન્યા જાળવી નથી. કૌશલને એક ભાઈ છે જે કેનેડામાં રહે છે. જ્યારે તેના પિતા રમેશ, પીપળીયા માર્કેડિંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે શ્રી હરિ એન્ટરપ્રાઈઝ નામથી વેપાર કરે છે. કૌશલ દરરોજ સવારે શેઠ હાઈસ્કૂલના જીમમા જતો હતો જેમાં એક દિવસ જીમમાં કસરત કરતો અને બાકીના બે દિવસ રજા રાખી પોતાની વિકૃતિને અંજામ આપતો હતો.
મોટાભાગે તે પોશ વિસ્તારોમાં મોર્નિંગ વોકમાં નીકળતી મહિલાઓને જ નિશાન બનાવતો અને તેમને બિભત્સ રીતે સ્પર્શ કરીને નાસી જતો હતો. અત્યાર સુધી આ મામલે કોઈ મહિલાએ ફરિયાદ નોંધાવી નહોતી પરંતુ અક્ષર માર્ગ પર બનેલો બનાવ અત્યંત ગંભીર હોવાથી કૌશલને પકડવો અત્યંત જરૂરી બની ગયો હતો.
ક્રિસ્ટલ મોલમાં યુવતીની છેડતી કરનાર બે આરોપીને પાસા થયા’તા; આમાં શા માટે નહીં ?
કાયદાની વિચિત્રતા કેવી રહે છે તે અક્ષર માર્ગ પર બનેલા બનાવ પરથી મળી જાય છે. થોડા સમય પહેલાં જ ક્રિસ્ટલ મોલમાં યુવતીની છેડતી કરનારા બે આરોપીને પાસા કરવામાં આવ્યા હતા ત્યારે અક્ષર માર્ગ પર યોગા ટીચરની છેડતી કરનારા યુવકે તો 200થી વધુ મહિલાઓને પોતાનો શિકાર બનાવી છે ત્યારે તેને પાસામાં શા માટે ધકેલવામાં આવ્યો નથી તે પણ સો મણનો સવાલ છે.
કાયદાની આવી તે વળી કેવી છટકબારી ? 200થી વધુ મહિલાઓને પજવનારા આરોપીને બે જ દિ’માં મળ્યા જામીન
રિઢા ગુનેગારો ગુનો આચરે ત્યારે પકડાઈ ગયા બાદ તેમાંથી છૂટકારો કેવી રીતે કરવો તેની છટકબારી બરાબર જાણતાં હોય તે વાત સ્વાભાવિક છે પરંતુ માલવિયાનગર પોલીસે પકડેલા 24 વર્ષીય કૌશલ પીપળીયા પણ જાણે કે કાયદાની છટકબારી જાણી ગયો હોય તેવી રીતે ધડાધડ ગુના આચરીને પણ બે દિવસની અંદર જ જામીન પર છૂટી ગયો છે. તેનો આટલો જલ્દી જમીન પર છૂટકારો થઈ જતાં કાયદાની આવી તે વળી કેવી છટકબારી ? તેવા સવાલો પણ અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે. જો કે છૂટકારા પહેલાં તેણે બીજી વખત આવી ભૂલ નહીં કરવામાં આવે તેવી બાહેંધરી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
નિર્મલા રોડ ઉપર પણ કૌશલનો રહ્યો’તો કાળો કેર: સીસીટીવી વાયરલ
થોડા સમય પહેલાં નિર્મલા રોડ ઉપર ઉદ્યોગપતિ પરિવારની પરિણીતાને માથામાં હથોડી ફટકારી 65 હજારની બંગડીની લૂંટ થયાની ઘટના બન્યા બાદ સામે આવેલા સીસીટીવીમાં એક યુવક મોઢે માસ્ક, માથા પર ટોપી અને નંબરપ્લેટ ઢાંકીને મહિલાનો પીછો કરી રહ્યો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો ત્યારે હવે તેમાં ખુલાસો થયો છે કે તેમાં બીજું કોઈ નહીં બલ્કે કૌશલ પીપળીયા જ હતો અને ત્યારે તેણે મહિલાનો પીછો કર્યો હતો. આમ તેણે નિર્મલા રોડ ઉપરની સોસાયટીમાં પણ કાળો કેર વરસાવ્યો હોવાનું ખુલ્યું છે.