કાલે સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોની મતગણતરી : કોની ઠંડી ઉડશે? કોનો ભ્રમ ભાંગશે?

07 December 2022 11:30 AM
Elections 2022 Rajkot Saurashtra
  • કાલે સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોની મતગણતરી : કોની ઠંડી ઉડશે? કોનો ભ્રમ ભાંગશે?

► મત ગણતરી કેન્દ્રોમાં સજજડ સુરક્ષા વ્યવસ્થા : પરિણામો અંગે લોકોમાં ભારે ઉત્સુકતા

► ઉમેદવારોના રાજકીય ભાવિ ખુલશે : સૌપ્રથમ પોસ્ટલ બેલેટથી મત ગણતરી થશે ત્યાર બાદ ઇવીએમનો પટારો ખુલશે : કેન્દ્રમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ

રાજકોટ, તા. 7 : સૌરાષ્ટ્ર-કચ્છની વિધાનસભાની 54 બેઠકો પર સરેરાશ 60.75 ટકા મતદાન થયા બાદ આવતીકાલે તા. 8ને ગુરૂવારે સવારના 8 કલાકથી જિલ્લા મથકો પર મત ગણતરીનો પ્રારંભ થનાર હોય, આ અંગેની તમામ તૈયારીઓને ચૂંટણી તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. સજજડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરીનો પ્રારંભ થશે ઇ.વી.એમ.ની પેટીઓ ખુલતાની સાથે જ ઉમેદવારોના રાજકીય ભાવી ધડાધડ ખુલવા લાગશે જેમાં સૌપ્રથમ વિધાનસભા બેઠકોવાઇઝ પોસ્ટલ બેલેટની ગણતરી થશે. ત્યારબાદ ઇ.વી.એમ.ના મતની ગણતરી થશે.

મત ગણતરીને આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોય ઉમેદવારોના પરિણામે અંગે લોકોમાં ભારે ઉત્સુકતા છવાઇ જવા પામે છે. અહીં એ ઉલ્લેખનીય છે કે આ વખતે રાજકીય પક્ષોના રાજકીય નેતાઓએ ઠેર ઠેર સભાઓ ગજવી હતી તેમ છતાં મતદારો નિરૂત્સાહ રહેતા મતદાનમાં ચાર જેટલો ઘટાડો નોંધાયો હતો. વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી જંગ ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ખેલાયો હતો. હવે મતદારો કોના શિરે વિજયનો તાજ મૂકે છે તે તો આવતીકાલે ઇવીએમનો પટારો ખુલતા જ બહાર આવશે મત ગણતરી કડક સુરક્ષા પ્રબંધો વચ્ચે જિલ્લા મથકો પર થનાર હોય ચૂંટણી અધિકારી દ્વારા પ્રતિબંધાત્મક હુકમોના જાહેરનામા પ્રસિધ્ધ કરી દેવાયા છે. મત ગણતરી કેન્દ્રોમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવેલ છે.

ભાવનગર
ભારતના ચૂંટણી આયોગ દ્વારા જાહેર થયેલ વિધાનસભા સામાન્ય ચૂંટણી -2022 ના ચૂંટણી કાર્યક્રમ અનુસંધાને આવતીકાલ તા.08/12ના રોજ સરકારી ઇજનેરી કોલેજ વિદ્યાનગર, ભાવનગર ખાતે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર મતગણતરી હોલ ખાતે કોઈપણ વ્યક્તિને સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન વગેરે ઉપકરણો સાથે પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવેલ છે. મતગણતરીના દિવસે મતગણતરી હોલ ખાતે કોઇપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન વગેરે ઉપકરણો સાથે લઈ જઈ શકશે નહીં અને તેનો ઉપયોગ કરી શકશે નહીં જેથી આદર્શ આચારસંહિતાના પાલન માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર કોઇપણ વ્યક્તિને સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન વગેરે ઉપકરણો સાથે ન લાવવા અનુરોધ કરવામાં આવેલ છે.

વેરાવળ
ગીર સોમનાથ જિલ્લાની વિધાનસભા બેઠક 90-સોમનાથ, 91-તાલાળા, 92-કોડીનાર અને 93-ઉના માટે સમગ્ર જિલ્લામાં તા.1 ડિસેમ્બરના રોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થતાં જ તમામ ઈવીએમને જડબેસલાક સુરક્ષા વચ્ચે વેરાવળ ખાતેની એન.જે.સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચાડવામાં આવ્યા છે. અહીં અલગ-અલગ વિધાનસભાના કુલ 8 સ્ટ્રોંગરૂમ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં 90-સોમનાથના 3, 91-તાલાળાના 2, 92-કોડીનારનો 1 અને 93-ઉનાના 2 સ્ટ્રોંગરૂમનો સમાવેશ થાય છે.

91-તાલાળા કાઉન્ટીંગ ઓબ્ઝર્વર તરીકે ભારતના ચૂંટણીપંચે શ્રી અશ્વિનીકુમાર મોહલની નિમણૂક કરી છે. જ્યારે 93-ઉનાના ઓબ્ઝર્વર તરીકે શ્રી સૌમ્યજીત ઘોષની નિમણૂક કરવામાં આવી છે. મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગરૂમમાં ઈવીએમને સુરક્ષિત મૂકી તેમના પર કડક જાપ્તો ગોઠવવામાં આવ્યો છે. સીએપીએફની કંપની રાઉન્ડ ધી ક્લોક સઘન પહેરો આપી રહી છે તો સંકુલને પણ સીસીટીવીથી સજ્જ કરી દેવામાં આવ્યું છે. જ્યારે મતગણતરીના દિવસે 250 કરતા વધુ કર્મચારીઓ અને 300 કરતા વધુ પોલીસ સ્ટાફ કાર્યરત રહેશે આવતીકાલે તા.8ના રોજ મતગણતરીના દિવસ સુધી એન.જે.સોનેચા ઈન્સ્ટિટ્યૂટ ખાતે લોખંડી સુરક્ષા અકબંધ રહેશે. કાઉન્ટિંગ સેન્ટરમાં અલગ રૂમમાં સુનિયોજીત બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

જુનાગઢ
આવતીકાલ તા. 8-12ને ગુરૂવારના જુનાગઢ જીલ્લાની પ વિધાનસભાની બેઠકોની મતગણતરી જુનાગઢ કૃષિ યુનિ. ઇજનેરી-ટેકનોલોજી કોલેજ ખાતે સવારથી મત ગણતરી શરૂ થવાની હોય જે અંતર્ગત આર.ઓ. અને એ.આર.ઓ.ને તાલીમ આપવામાં આવી હતી સાથે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી પોલીસ છાવણીમાં ફેરવાય જવા પામ્યું છે. બીજા રેન્ડેમાઇઝેશન પૂર્ણ થયા બાદ મત ગણતરીમાં રોકાયેલ અધિકારીઓ-કર્મીઓને કોમ્પ્યુટર-સોફટવેરના માધ્યમથી ફરજ સોંપવામાં આવી છે.

આવતીકાલે આઠના સુમારે મત ગણતરી પૂર્વે કેન્દ્ર પર સવારે 5 કલાકે ત્રીજુ અને અંતિમ રેન્ડેમાઇઝેશન થશે જે કામગીરી પૂર્ણ થયા બાદ મતગણના માટેના કર્મચારીને ટેબલ ફાળવણી થશે. મત ગણતરી પૂર્વે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ઓબ્ઝર્વર સહિતના અધિકારીઓ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેશે. સૌપ્રથમ બેલેટ પેપરથી કરાયેલ મતોની ગણતરી થશે, આઇવીએમ મતની ગણતરી શરૂ થશે. ઇવીએમની મતગણતરીના અંતે વીવીપેટ સ્લીપની ગણતરી કરવામાં આવશે. આજથી મોતીબાગ કૃષિ યુનિ. ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસ.પી., ડીવાયએસપી સીઆરપીએફની 15 સેકશન, એસઆરપીની 3 સેકશન, 3 પીઆઇ, 195 પીએસઆઇ સહિતનો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement