રાજકોટ, તા. 7 : વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થઇ જવાનું છે ત્યારે આ વખતે ભાજપે અનેક બેઠક પર વર્તમાન ધારાસભ્યોને કાપવા, ફ્રેશ અને નવા ચહેરાઓને તક આપવા, કેટલાક જુના જોગીઓને ટકાવવા નવી ટીમને સાઇડમાં મુકવા સહિતના પ્રયોગ કર્યા હતા. આ કારણે ઉભા થયેલા અસંતોષના પડઘા હવે પકડાવા લાગ્યા છે. અનેક બેઠક પર ઉમેદવારો સામે પક્ષના જ ઘણા લોકોએ વિરૂધ્ધમાં કામ કર્યાની ચર્ચા વચ્ચે રાજકોટ જિલ્લાના જસદણ અને મોરબી જિલ્લાની ત્રણ પૈકી મોરબી શહેરની બેઠક પર ભાજપને હરાવવા ઘરના એ જ પ્લાન કર્યાના ઓડિયો વાયરલ થયા છે. મોરબીમાં ભાજપે ફરી લોકપ્રિય પ્રતિનિધિ એવા સીનીયર કાંતિભાઇ અમૃતિયાએ ટીકીટ આપી હતી.
તો જસદણમાં વર્ષોથી ગઢ સાચવીને બેઠેલા કુંવરજીભાઇ બાવળીયાને રીપીટ કરવામાં આવ્યા હતા. આ બંને ઉમેદવારોને પાડી દેવા ઘડાયેલા કેટલાક પ્લાન અને વાતચીતની ઓડિયો કલીપ બહાર આવી છે. મોબાઇલમાં થયેલી વાતચીતમાં સાંકેતિક ભાષામાં આ ચર્ચાઓ થઇ છે. ‘કાંતિભાઇ હારી જાય છે, વાહ રે વાહ’ આવી વાતો સામસામે કરવામાં આવી છે. જસદણમાં તો કુંવરજીભાઇ બાવળીયાએ ગજેન્દ્ર રામાણીએ તેમની વિરૂધ્ધ કામ કર્યાનું ખુલ્લેઆમ કહી દીધું છે. તેમાં પ્રદેશ નેતા ભરત બોઘરાનું નામ પણ ઉછળતા પૂરો મામલો ઉપર પહોંચવા લાગ્યો છે. જસદણ અને મોરબીમાં આ બે ઘટનાએ શિયાળામાં કેટલાયની ઠંડી ઉડાડી દીધી છે. હજુ આવા પક્ષ વિરોધી કારનામાના મુળ કેટલા ઉંડા છે તેના ઉપર સૌની નજર છે.
આ મામલે ઉપરથી રીપોર્ટ પણ મંગાવવાનું શરૂ થઇ ગયાનું જાણવા મળ્યું છે. આ સિવાય રાજકોટ શહેરમાં પૂર્વની (68) બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર સામે એક જૂથે વિરૂધ્ધમાં કામ કર્યાનું અને નિષ્ક્રિય રહ્યાનું સતત બહાર આવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રીના હોમટાઉનમાં ઘટેલા મતદાનની પણ ગંભીર નોંધ ઉપર લેવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આ સિવાય જૂનાગઢ, અમરેલી, જામનગર, ગીર સોમનાથ જિલ્લાની અમુક બેઠક પર અસંતોષ ફેલાયો હતો. ઘણા નેતાઓ માત્ર જાહેરમાં સક્રિય હતા. કેટલાકે પાર્ટી વિરૂધ્ધ કામ કર્યાની ફરિયાદો આવવા લાગી હતી. હવે કાલે ચૂંટણી પરિણામ જાહેર થાય તે બાદ આ બધા પોર્સ્ટમોટમ થવાના છે. તેમાં પણ જો કોઇ મહત્વની બેઠક ભાજપ ગુમાવે તો અહીં કામ નહીં કરનારા કે પક્ષ વિરૂધ્ધ જનારાના તપેલા ચડી જાય તેવું વાતાવરણ સર્જાવા લાગ્યું છે.