નવીદિલ્હી, તા.7
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છેલ્લા બે મહિનાથી ભારતીય ટીમથી બહાર છે. જો કે તે આવતાં વર્ષની શરૂઆતથી ટીમમાં વાપસી કરી રહ્યો છે. પીઠની ઈજાને કારણે તે થોડા સમયથી ટીમમાંથી બહાર થઈ ગયો છે. એશિયા કપ-2022 અને ત્યારપછી ટી-20 વર્લ્ડકપમાં તે ઈજાને કારણે રમી શક્યો નહોતો. બીસીસીઆઈના એક અધિકારીએ બુમરાહની ઈજા અંગે એક મહત્ત્વનું અપડેટ આપ્યું છે કે બુમરાહ શ્રીલંકા અથવા ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણી દરમિયાન ટીમમાં વાપસી કરશે.
બુમરાહ અત્યારે ઈજામાંથી ઝડપભેર સાજો થઈ રહ્યો છે. મોટાભાગે તે શ્રીલંકા સામે ભારતમાં રમાનારી શ્રેણી દરમિયાન ટીમમાં આવી શકે છે પરંતુ તેના પહેલાં તેણે એનસીએમાં એક રિપોર્ટ કરવાનો રહેશે. મેડિકલ ટીમ એકવાર તેના સ્વાસ્થ્ય અંગે સમજણ મેળવી લીધા બાદ પસંદગીકારો એ વાતનો નિર્ણય લેશે કે તે આવતાં શ્રીલંકા વિરુદ્ધ શ્રીલંકાનો હિસ્સો બનશે કે નહીં.
ટી-20 વર્લ્ડકપ પહેલાં બુમરાહની ટીમમાં જોરદાર વાપસી થઈ હતી પરંતુ થોડા સમયમાં તે ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી હવે તે ટીમમાં વાપસી માટે પૂરું જોર લગાવી રહ્યો છે. તેણે પાછલા મહિને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો હતો જેમાં તે ફિટ જોવા મળી રહ્યો છે અને રનિંગની સાથે સાથે અન્ય કસરત પણ કરતો જોવા મળી રહ્યો છે.