નવીદિલ્હી, તા.7
ઓલિમ્પિક મેડલિસ્ટ મીરાંબાઈ ચાનુએ પેરિસ ઓલિમ્પિક્સ માટે પોતાની દાવેદારી વધુ મજબૂત બનાવી દીધી છે. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. મીરાંબાઈએ આ મુકાબલામાં કુલ 200 કિલો વજન ઉઠાવ્યો હતો. મીરાબાઈ પાછલા થોડા સમયથી કાંડાની ઈજા સામે સંઘર્ષ કરી રહી હતી આમ છતાં તે મેડલ હાંસલ કરવામાં સફળ રહી છે.
તેણે સ્નૈચમાં 87 કિલોગ્રામ તો ક્લિન એન્ડ જર્કમાં 113 કિલોગ્રામ વજન ઉઠાવ્યો હતો. પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન મીરાબાઈ ચાનુ કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનો ત્રીજો મેડલ અને બીજો ગોલ્ડ મેડલ જીત્યા બાદ કોઈ ટૂર્નામેન્ટમાં ઉતરી હતી. તેને કાંડામાં લાગેલી ઈજા બાદ તે રમતથી દૂર થઈ ગઈ હતી. જો કે હવે તેણે વાપસી પણ દમદાર કરી છે.
મીરાબાઈની આ વેટ કેટેગરીમાં અનેક દિગ્ગજ ખેલાડીઓ હતા આમ છતાં તે મેડલ જીતવામાં સફળ રહી હતી. ઈવેન્ટનો ગોલ્ડ મેડલ ચીનની જિયાંગ હુઈહુઆના નામે રહ્યો જેણે કુલ 206 કિલો વજન ઉઠાવ્યો હતો. જ્યારે ઓલિમ્પિક ચેમ્પિયન હુ જહીજહુઈ માત્ર 198 કિલોગ્રામ સાથે બ્રોન્ઝ મેડલ જ જીતી શકી હતી. મીરાબાઈની ઈજાની અસર ક્યાંકને ક્યાંક તેની રમત પર જોવા મળી રહી હતી.
આ જ કારણથી તે માત્ર મુખ્ય ટૂર્નામેન્ટસમાં ભાગ લઈ રહી છે. પેરિસ ઓલિમ્પિકની ટિકિટ કપાવવા માટે આ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઘણી મહત્ત્વની હતી. અહીં મળેલા સિલ્વર મેડલથી મીરાબાઈને મહત્ત્વના પોઈન્ટ મળ્યા જે અંતિમ ક્વોલિફિકેશન રાઉન્ડમાં કામ આવશે. મીરાબાઈની નજર હવે આવતાં વર્ષે રમાનારી 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 2024 વર્લ્ડકપ પર હશે જેમાં ભાગ લેવો તેના માટે અત્યંત મહત્ત્વનો છે.