સતાના સમીકરણો : ઓછા માર્જીનની 60 બેઠકો પર સસ્પેન્સ

07 December 2022 12:11 PM
Ahmedabad Elections 2022 Gujarat Politics Rajkot
  • સતાના સમીકરણો : ઓછા માર્જીનની 60 બેઠકો પર સસ્પેન્સ

♦ એક્ઝીટ પોલના તારણો વચ્ચેની હકિકત

♦ 2017માં 300થી 10,000 કરતા ઓછી લીડ ધરાવતી બેઠકોમાં 9 ટકા સુધીનું ઓછુ મતદાન ચિંતાજનક

♦ 22 બેઠકોમાં ભાજપ-કોંગ્રેસ સાથે છેડો ફાડીને અપક્ષ લડેલા મજબુત નેતાઓ ખેલ બગાડી શકે

ગાંધીનગર,તા. 7
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બન્ને તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂરી થઇ છે અને ગુરુવારે મતગણતરી હાથ ધરાશે. એક્ઝિટ પોલના આંકડા બલે ભાજપને સતત સાતમી વખત સત્તા સ્થાને બેસાડવાના વર્તારા કર્યા છે, પરંતુ 2017ના પરિણામોમાં 10,000થી 300 મતથી હારજીત થયેલી 60 જેટલી બેઠકો સાથે 22 બેટકો પર કોંગ્રેસ-ભાજપના બળવાખોરો કોનો ખેલ બગાડશે એના આધારે ક્યો પક્ષ સતા સ્થાને બિરાજશે એ નક્કી થશે. પરંતુ એક વાત નિશ્ચિત બની રહી છે કે સંખ્યાબંધ બેટકો પર ભાજપ અને કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટી સ્થાન લેશે.

ભાજપને પહેલાં અને બીજા ચરણમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય અને ઉતર ગુજરાતમાં લગભગ 19 જેટલી બેઠકો પર બળવાખોરીનો સામનો કરવો પડ્યો છે એમાં મજબૂતાઈથી લડત આપી હોય તેવા બળવાખોરમાં ધાનેરા ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી સામે સહકારી આગેવાન માવજી દેસાઈ છે. અહીં કટોકટ ટક્કરના કારણે મતદાનમાં 2017ની સરખામણીમાં કોઇ ફેર પડ્યો નથી.

બનાસકાંઠા જિલ્લાનું મતદાન સરેરાશ ત્રણ ટકા જેટલું ઉંચુ રહ્યું છે. જે નોંધનીય બાબત છે. વાવ બેઠક પર અગાઉની સરખામણીએ લગભગ 7 ટકા નીચુ મતદાન થયું છે. અને ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારને આપના ઉમેદવારે સારી એવી ટક્કર આપી છે, કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ગયા વખતે 6655 મતથી જ જીત્યા હતા તો ડીસામાં લેબજી ઠાકોરના લીધે સ્પર્ધા રસપ્રદ રહી છે. જ્યારે દિયોદર બેઠકમાં 2017માં કોંગ્રેસ 872 જેટલા મતથી વિજય બન્યા હતા આ વખતે અઢી ટકા જેટલું નીચું મતદાન પરિણામો બદલે તો નવાઈ નહીં.

મહેસાણાની ખેરાલુ બેઠક પર રામસિંહ ડાભીની ઉમેદવારીથી સ્પર્ધા રોમાંચક બની છે. ખેરાલુ બેઠક 2017 પાટણના સાંસદ ભરતસિંહ ડાભી વિજેતા થયા હતા, હવે અહીં ભાજપે એમના ભાઈ રામસિંહ ડાભીને ટીકીટ નહીં આપતા બળવો કર્યો છે. 1980થી સતત શંકરજી ઓખાજી ઠાકોર પરિવાર આ બેઠક પરથી જીત હાંસલ કરતો આવ્યો છે ત્યારે ભાજપ માટે જીત મુશ્કેલ બની શકે છે.

કડી, મહેસાણા, વિજાપુર, વિસનગર જેવી બેઠકો પર ભાજપની જીત 7700થી 1160 મતની વચ્ચે રહી હતી. આ બેટકો પર 1 થી 5 ટકા મતદાન નીચું રહ્યું છે અને ઉમેદવારોની પસંદગી સામે ભાજપમાં જ નારાજગી વધારે રહી હતી. પાટણ, માણસા, કલોલ, ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ બેઠક પર ઠાકોર, પટેલ, માલધારી સમાજના ઉમેદવારોનો પ્રયોગ કેટલો સફળ થશે એના પર ઉત્તર ગુજરાતમાં ભાજપની બેઠકો સ્પષ્ટ થશે.

સાબરકાંઠામાં જોઇએ તો હિંમતનગરમાં ઉમેદવાર બદલવાના કારણે સ્થાનિક સ્તરે ઉભો થયેલો અસંતોષ અહીં મતદાનમાં સ્પષ્ટ જોવા મળ્યો છે. લગભગ 6 ટકા જેટલું નીચું મતદાન રહ્યું છે. અલબત્ત, ભાજપની જીત અગાઉ 170 મતની જ હતી. પ્રાંતિજ બેઠક ભાજપે 2500 મતથી જીતી હતી. પરંતુ આ વખતે 4.5 ટકા નીચું મતદાન હારજીતના પરિણામો બદલશે કે જાળવશે એને કળવું મુશ્કેલ છે. અરવલ્લીમાં જોઇએ તો મોડાસામાં કોંગ્રેસની જીત 2000 મતથી થઇ હતી જ્યારે બાયડમાં કોંગ્રેસની જીત થઇ હતી. હવે બાયડમાં અગાઉ કોંગ્રેસમાંથી જીતનાર હાલ ભાજપના બળવાખોર એવાધવલસિંહ ઝાલા કોનો ખેલ બગાડશે એ નક્કી નથી.

આણંદ જિલ્લામાં ખંભાત,ઉમરેઠ ભાજપ પાસે 2000 મતથી રહી હતી. અહીં ભાજપના જ બળવાખોરો મેદાનમાં છે તો આણંદ પણ 5200 મતથી કોંગ્રેસને ફાળે ગઇ હતી. આ ત્રણેય બેઠકો પર બેથી આઠ ટકા મતદાન નીચું રહ્યું છે. આવું જ સોજિત્રામાં પાંચ ટકા મતદાનથી 2400 મતથી કોંગ્રેસે જીતેલી બેઠક જાળવી શકશે કેમ તેના પર સૌની નજર છે. ખેડા જિલ્લામાં માતર ઠાસરા જેવી બેઠકો પણ ભાજપ અને કોંગ્રેસ પાસે છે.

મહીસાગરમાં લુણાવાડામાં ભાજપના જ બળવાખોરો છે. આને લીધે 3200 મતથી કોંગ્રેસ પાસે રહેલી બેઠક ભાજપ માટે કપરાં ચડાણ સમાન બની ગઇ છે. પંચમહાલ જિલ્લામાં ભાજપે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેટલાક અસંતુષ્ટોને સસ્પેન્ડ કરવા પડ્યા હતા. 2007માં કોંગ્રેસમાંથી આવેલા સી.કે. રાઉલજીએ 258 જેટલા નજીવા મતથી જીત મેળવ્યા પછી રોષ ઠાલવ્યો હતો કે મને હરાવવાની પૂરી કોશિષ ભાજપમાંથી જ થઇ હતી. આ વખતે પણ ગોધરા અને મોરવાહડફમાં આવા પ્રયાસો થયા હતા.

વડોદરામાં ભાજપને બળવાખોરો પૂરેપૂરા નડી શકે છે. ડભોઇમાં 7 ટકા જેટલું નીચું મતદાન ભાજપની હારજીત બગાડી શકે છે. ડેડીયાપાડા બેઠક પર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની બોલબાલા છે તો ઝગડિયા પર બીટીપીના સ્થાપક અને રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી કરનાર છોટુ વસાવાની ફાઈટ છે. પારડીમાં ભાજપના જ ઉમેદવાર સામે કેતન પટેલે બળવો કર્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement