રાજકોટ, તા.7
રાજકોટમાં છૂટા હાથની મારામારી હવે જાણે કે રોજિંદી વાત બની ગઈ હોય તેવી રીતે દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં ડખ્ખાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. બીજી બાજુ લોકસાહિત્યકાર દેવાયત ખવડ મોટા વિવાદમાં આવી ગયા હોય તેવી રીતે આજે બપોરના અરસામાં સર્વેશ્વર ચોકમાં ગરાસીયા યુવાન પર હુમલો કરીને તેના પગ ભાંગી નાખતાં સનસનાટી મચી જવા પામી છે.
બીજી બાજુ યુવાનને કણસતી હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતાં ત્યાં લોકોના ટોળેટોળા ઉમટી પડતાં પરિસ્થિતિ તંગ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે હોસ્પિટલના બિછાનેથી ઘાયલ થયેલા ગરાસિયા યુવાન મયુરસિંહ અશોકસિંહ રાણા (ઉ.વ.30, રહે.કાલાવડ રોડ, વિષ્ણુવિહાર સોસાયટી)એ જણાવ્યું કે આજે બપોરે 2:45 વાગ્યાના અરસામાં તે જ્યારે સર્વેશ્વર ચોકમાં ઉભો હતો ત્યારે સફેદ કલરની કાળા કાચવાળી સ્વિફ્ટ કારમાં દેવાયત ખવડ અને તેની સાથે એક અજાણ્યો શખ્સ ધસી આવ્યા હતા.
કારમાંથી બન્ને ધોકો લઈને જ ઉતર્યા હતા અને તે કશું સમજે તે પહેલાં જ તેના પર હથિયારોથી તૂટી પડ્યા હતા. હોસ્પિટલ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મયુરસિંહના બન્ને પગ ભાંગી ગયા હોવાથી તાત્કાલિક તેને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો.
સાથે સાથે મયુરસિંહ રાણાના સમર્થકો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલે પહોંચી ગયા હોવાથી સ્થિતિ બગડે તેવી શક્યતા જણાતાં વધુ સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેવાયત ખવડ અને મયુરસિંહ રાણા વચ્ચે જૂનો ડખ્ખો ચાલ્યો આવતો હોવાની ચર્ચાએ પણ જોર પકડી લીધું છે. થોડા સમય પહેલાં જ આ બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી અને માથાકૂટ એટલી ઉગ્ર બની ગઈ હતી કે એકબીજાને સોશ્યલ મીડિયા મારફતે ગાળાગાળી પણ કરવામાં આવી હતી. આ અંગેનો વીડિયો વાયરલ થતાં દેવાયત ખવડે મયુરસિંહ રાણા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
હવે દેવાયત ખવડ અને તેની સાથે રહેલા એક શખ્સે ભરબપોરે મયુરસિંહ રાણા ઉપર હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ શરૂ કરી આરોપીઓની ધરપકડ કરવા માટે તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલે દોડી ગયા હતા.