ફુલબજાર ન મહેંકી : થડા ખાલી : માર્કેટ બહાર પથારા-અંદર દારૂની કોથળીઓ!

07 December 2022 04:38 PM
Rajkot Saurashtra
  • ફુલબજાર ન મહેંકી : થડા ખાલી : માર્કેટ બહાર પથારા-અંદર દારૂની કોથળીઓ!
  • ફુલબજાર ન મહેંકી : થડા ખાલી : માર્કેટ બહાર પથારા-અંદર દારૂની કોથળીઓ!
  • ફુલબજાર ન મહેંકી : થડા ખાલી : માર્કેટ બહાર પથારા-અંદર દારૂની કોથળીઓ!
  • ફુલબજાર ન મહેંકી : થડા ખાલી : માર્કેટ બહાર પથારા-અંદર દારૂની કોથળીઓ!

છ મહિના પહેલા ખુલ્લી મુકાયેલી રામનાથપરાની ફલાવર માર્કેટ અંદર ધંધા ન જામ્યા : ગ્રાહકો ન આવતા રોડ પર વેંચાણ : હવે બાકી થડાના ડ્રો બાદ રોડ પર દબાણ થવા નહીં દેવાય

રાજકોટ, તા. 7 : રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગત જુન મહિનામાં રાજયના શિક્ષણમંત્રીના હસ્તે ખુલ્લી મુકવામાં આવેલી ફલાવર માર્કેટના થડાનો પ્રથમ તબકકાનો ડ્રો કરવામાં આવ્યા બાદ અને જગ્યા એલોટ કરાયા બાદ આ ફલાવર માર્કેટ આયોજન મુજબ ધમધમી શકી નથી. માર્કેટ અંદરના મોટા ભાગના થડા ખાલી રહે છે અને અનેક ધંધાર્થી રોડ પર ધંધો કરતા હોવાનું બહાર આવ્યું છે.

રામનાથપરામાં બ્રીજ સામેના ભાગે આ વિશાળ ફલાવર માર્કેટ બનાવાઇ છે. પારેવડી ચોકથી માંડી મોચી બજાર સુધી બેસતા ફૂલના ધંધાર્થીઓના દબાણ દુર થાય અને તેમને ધંધાની જગ્યા પણ મળે તે માટે આ ફલાવર માર્કેટ બનાવવામાં આવી છે. પરંતુ અમુક હોકર્સ ઝોનની બહાર જે રીતે શાકભાજીના ધંધાર્થી બેસીને ધંધો કરે છે તેવી જ હાલત અહીં સર્જાય છે. તો માર્કેટ અંદર કોઇ જાળવણી થતી ન હોય તેમ ગંદકીના અને કચરાના ઢગલા સાથે દેશી દારૂની કોથળીના પણ ઢગલા જોવા મળતા રાત્રે આ જગ્યા રેઢીપડ રહેતી હોય તેવી છાપ ઉપસી છે.

મનપા દ્વારા રામનાથપરા, બેડીપરા, પારેવડી ચોક વિસ્તારના ફૂલના ધંધાર્થીઓનો સર્વે કરી યાદી બનાવવામાં આવી હતી. બજેટમાં રાખવામાં આવેલી જોગવાઇ મુજબ રામનાથપરામાં 83 થડા સાથેની ફલાવર માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગત જૂન મહિનામાં ઉદઘાટન બાદ થોડો સમય માર્કેટ ખાલી રહી હતી અને તે બાદ થડાનો ડ્રો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 3પ થડાનો ડ્રો કરી ધંધાર્થીને સોંપવામાં આવેલ છે. તો બાકીના થડાનો ડ્રો હવે કરવાનો છે. 76 થી 94 ચો.ફુટના 2, 61 થી 75 ચો. ફુટના 20 અને 43 થી 60 ચો.ફુટના 61 થડા બાંધવામાં આવ્યા છે.

જે પેટે પ્રતિ ચો. ફુટ સુખડીની કિંમત રૂા.1059, દર મહિને રૂા.500 ભાડુ નકકી કરવામાં આવ્યું હતું. પ્રતિ થડા સુખડીની રકમ રૂા. 45 હજારથી 99 હજાર જેવી થઇ હતી. દરમ્યાન સૌ પહેલા 35 થડાનો ડ્રો કરવામાં આવ્યો હતો અને ધંધાર્થીને જગ્યા ફાળવવામાં આવી હતી. હવે પ્રારંભે થોડા ઉત્સાહ બાદ આ ફલાવર માર્કેટમાં ધંધાર્થીઓની સંખ્યા પૂરતી દેખાતી નથી. માર્કેટ બહાર પથારા કરીને ફૂલનો ધંધો કરવામાં આવે છે. માર્કેટ અંદર ગ્રાહકો આવતા ન હોવાનું ધંધાર્થીઓ કહી રહ્યા છે. તો પારેવડી ચોક અને આજુબાજુના ઘણા ભાગમાં હજુ કેટલાક ધંધાર્થીઓ રોડ પર જ ફુલનો ધંધો કરે છે. વહેલી સવારે આ માર્કેટ રોડ પર ચાલતી હોય છે.

રાજમાર્ગ પરના દબાણ દુર થાય અને ધંધાર્થીઓને જગ્યા પણ મળે તે હેતુથી આ ફલાવર માર્કેટનો વિચાર કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી તે પુરો સફળ થયો નથી. 35 પૈકી અમુક ધંધાર્થી જ માર્કેટ અંદર બેસે છે. જયુબેલી સહિતના રોડ પર જે રીતે હોકર્સ ઝોન બહાર સમાંતર શાકમાર્કેટ ભરાતી હોય છે તે રીતે આ ફલાવર માર્કેટ બહાર પથારા રહ્યા છે. ચૂંટણી અને આચારસંહિતના કારણે અન્ય કોઇ કાર્યવાહી પણ કરવામાં આવતી ન હતી. દરમ્યાન હવે બાકીના થડાનો ડ્રો કરવાની તૈયારી થોડા દિવસો બાદ શરૂ કરવામાં આવશે.

એક વખત તમામ 83 થડા ફાળવી દેવામાં આવે તે બાદ ધંધાર્થીઓને રોડ પર બેસવા નહીં દેવા કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. આ વિસ્તારમાં ફૂલનો ધંધો આટલા વર્ષોથી રોડ પર ચાલે છે. આથી ગ્રાહકો પણ અંદર આવવા તૈયાર નથી. મોટી ખરીદી તો કદાચ માર્કેટ અંદર થઇ શકે, પરંતુ છુટક જેવો રોજિંદો ધંધો માર્કેટ અંદર થશે કે કેમ તેની ચિંતા ધંધાર્થીઓને થવા લાગી છે.

રામનાથપરામાં નવી બનેલી ફલાવર માર્કેટ જામી શકી નથી. ધંધાર્થીઓ અંદર બેસીને ધંધો કરતા નથી. તો કોઇ જાળવણી થતી ન હોય તેમ કચરાના ઢગલા રહે છે. તો ખાલી થડા ઉપર રાત્રે દારૂની મહેફીલ થતી હોય તેવી કોથળીઓ દેખાઇ હતી. સાથે જ રોડ પર હજુ ભરાતી ફૂલ બજાર પણ નજરે પડે છે. (તસ્વીર : દેવેન અમરેલીયા)


Related News

Advertisement
Advertisement
Advertisement