દિલ્હીમાં એક્ઝિટ પોલ કરતાં ‘આપ’ને ઓછી બેઠકો મળી : ગુજરાતમાં શું થશે ?

07 December 2022 05:36 PM
Elections 2022 Gujarat
  • દિલ્હીમાં એક્ઝિટ પોલ કરતાં ‘આપ’ને ઓછી બેઠકો મળી : ગુજરાતમાં શું થશે ?

► દિલ્હીના પરિણામોને પગલે નવી ચર્ચા શરૂ : તમામ એક્ઝિટ પોલમાં પાટનગરમાં ‘આપ’ને 145 થી 175 બેઠકો સુધી વિજેતા દર્શાવાઈ હતી પણ આંકડો 135 સુધી જ અટકી પડે તેવા સંકેત

► 15 વર્ષમાં મહાનગરપાલિકાના ભાજપના શાસન સામેનો રોષ મતમાં પલટાવવામાં ‘આપ’ને સફળતા : કોંગ્રેસ સિંગલ ડીજીટમાં જ સમેટાઇ જાય તેવી શક્યતા

રાજકોટ,તા. 7 : ગુજરાત વિધાનસભામાં હવે આવતીકાલે ચૂંટણી પરિણામો આવશે તે પૂર્વે આજે દિલ્હી મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ 15 વર્ષના ભાજપના શાસનને પછાડીને સતા મેળવી છે તે સાથે જ ફરી એક વખત એક્ઝિટ પર સૌનુ ધ્યાન કેન્દ્રીત થયું છે. ગુજરાતમાં તમામ એક્ઝિટ પોલ ભાજપને સતા આપે છે અને તેમાં પણ 120થી 151 બેઠકો સુધીનો અંદાજ મુકવામાં આવ્યો છે પરંતુ દિલ્હીમાં જે રીતે આમ આદમી પાર્ટીને એક્ઝિટ પોલમાં 145થી 175 બેઠકો મળશે તેવો અંદાજ અપાયો હતો તેમાં હવે આપ ખરેખર 130થી 135 બેઠકો સુધી અટકી જશે તેવા સંકેત છે જ્યારે ભાજપ ડબલ ડીજીટમાં જ રહેશે કે પછી 100ના આંકડાને પાર કરી શકશે

તે આગામી બે કે ત્રણ કલાકમાં ખ્યાલ આવી જશે પરંતુ દિલ્હીના એક્ઝિટ પોલમાં આપને પ્રચંડ બહુમતી આપવામાં આવી હતી અને ખરેખર મતગણતરીમાં તે સ્થિતિ નોંધાઈ નથી તે જોતા હવે ગુજરાતમાં પણ તેનું પુનરાવર્તન થશે કે એક્ઝિટ પોલની ધારણા મુજબ જ બેઠકો મળશે તેના પર સૌની નજર છે. રાજ્યમાં ગઇકાલે બે અલગ અલગ અખબારી અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તારણ આવ્યા છે અને તેમાં પણ ભાજપને 110 થી 118 સીટ સુધી સીમીત રાખવામાં આવ્યો છે જ્યારે ટીવી ચેનલો પરના પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતીનો સંકેત આપવામાં આવ્યો છે. આમ સ્થાનિક અખબારો અને ટીવી ચેનલોના સર્વે વચ્ચે જે તફાવત છે

તે જોતા દિલ્હીમાં જે રીતે બન્યું તેવું જ ગુજરાતમાં અને હિમાચલ પ્રદેશમાં બની શકે કે કેમ તે પણ પ્રશ્ન છે.દિલ્હીમાં પણ મતદાન 50% આસપાસ રહ્યું હતું અને ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારી ગત ચૂંટણી કરતા નીચી રહી છે તે જોતા ખરેખર પરિણામો અને એક્ઝિટ પોલ વચ્ચે તફાવત હશે તેવું માનવામાં આવે છે અને હવે આ તફાવત કેટલો રહેશે તેની ચર્ચા શરુ થઇ છે. બીજી તરફ દિલ્હીમાં જે રીતે મહાનગરપાલિકામાં 15 વર્ષના ભાજપના મજબૂત શાસનને જાકારો મળ્યો અને આમ આદમી પાર્ટી જે છેલ્લી બે ચૂંટણીમાં દિલ્હીમાં પ્રચંડ બહુમતી મેળવી રહીછે તે જોતા મહાપાલિકામાં એન્ટીઇન્કમબન્સી એટલે કે ભાજપના શાસન સામેનો લાભ આમ આદમી પાર્ટીને મળ્યો છે અને તેથી જ હવે દિલ્હીમાં પણ ભાજપ ફક્ત લોકસભા બેઠકો પૂરતો સીમીત થઇ ગયો છે.

મનીષ સીસોદીયાનું કદ વધશે : કેજરીવાલ રાષ્ટ્રીય નેતા બનવા ભણી
દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીએ આમ આદમી પાર્ટીને જે રીતે વિજય મળ્યો અને તેથી હવે તે દિલ્હીમાં પણ ડબલ એન્જીન સરકારનો દાવો કરી શકશે અને આમ આદમી પાર્ટી મહાનગરપાલિકા જેવા માઈક્રો મતદારોને પણ સાથે રાખી શકે છે તે નિશ્ર્ચિત કરી દીધું છે. અનેક રાજ્યોમાં જ્યા ભાજપ લોકસભા ચૂંટણી જીતે ત્યા ધારાસભા હારે છે પરંતુ આમ આદમી પાર્ટીને દિલ્હીમાં લોકસભામાં એક પણ બેઠક ન મળી પણ ધારાસભા અને મહાનગરપાલિકા બંને કબજે કરી છે જેમાં ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયાની મોટી ભુમિકા માનવામાં આવે છે. કેજરીવાલ રાષ્ટ્રીય સ્તર પર જાય તો તેનું સ્થાન મનીષ સીસોદીયા લઇ શકે છે. હાલમાં દિલ્હીમાં કેન્દ્ર સરકારે જે રીતે ચૂંટણીઓ વિલંબમાં મુકી અને અનેકવિધ રીતે ચૂંટણી જીતવાના કારસા કર્યા પણ તેનાથી કેજરીવાલની લોકપ્રિયતામાં કોઇ ફર્ક પડ્યો નથી તે નિશ્ર્ચિત થઇ ગયું છે.

2017 કરતાં ભાજપને વધુ મત છતાં બેઠકો ઓછી મળી : રસપ્રદ સ્થિતિ
ચૂંટણીમાં વોટ શેર સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે અને તેના આધારે અનેક પાંખિયા સ્પર્ધામાં વિજેતા નક્કી થાય છે. દિલ્હીની મહાપાલિકા ચૂંટણીમાં બપોરના છેલ્લા આંકડા મુજબ આમ આદમી પાર્ટીને 42.3%, ભાજપને 39.06% અને કોંગ્રેસને 11.70% મત મળ્યા છે. ગત ચૂંટણીમાં ભાજપને 35.61% મત મળ્યા હતા અને આપને 27.73% મત મળ્યા હતા પરંતુ 2017 કરતાં ભાજપને આ ચૂંટણીમાં અત્યાર સુધીમાં વધુ મત મળ્યા છે. છતા પણ તેની બેઠકો ઘટી છે. ભાજપને ગત ચૂંટણીમાં એક બાદ એક ત્રણ મહાનગરપાલિકામાં વિજય મળ્યો હતો પરંતુ કેન્દ્ર સરકારે તમામ ત્રણ મહાનગરપાલિકાઓને એક કરી અને પૂરી દિલ્હીની એક મહાનગરપાલિકા બનાવીને તેના વોર્ડનું પણ સિમાંકન બદલ્યું અને ચૂંટણી પણ ગુજરાતની મતદાનની તારીખો ટકરાઈ તે રીતે ગોઠવી હતી તેમ છતા પણ ભાજપને જે રીતે પરાજય સહન કરવો પડી રહ્યો છે તે દર્શાવે છે કે ફક્ત વોટ શેર જ મહત્વનો નથી અને ગુજરાત ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ વોટ શેર મેળવી જાય તો પણ તેની બેઠકો તેટલી આવશે કે કેમ તે અંગે હવે નવી ચર્ચા જાગી છે.

‘આપ’ના કાર્યાલયે જબરો જશ્ન : કેજરીવાલ સે જો ટકરાયેગા વો ઝીરો હો જાયેગા
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને પરાજીત કર્યા બાદ હવે પાટનગરની મહાનગરપાલિકામાં જે રીતે આમ આદમી પાર્ટીએ સફળતા મેળવી છે તેનો દિલ્હીમાં ‘આપ’ના કાર્યાલયે જબરો જશ્ન અને દરેક વોર્ડમાં આપના કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલના પોસ્ટરો લઇને દોડતા નજરે ચડતા હતા. એક પોસ્ટરમાં એવું લખાયું હતું કે કેજરીવાલ સે જો ટકરાયેગા વો ઝીરો હો યાયેગે અને આગળ દર્શાવાયું કે પહેલા વીજળી, પાણી અને બસ ટીકીટ એ કેજરીવાલ સાથે ટકરાયા તે તમામ ઝીરો થઇ ગયા, કોંગ્રેસ સાથે ટકરાઈ અને તે ઝીરો થઇ ગઇ હવે ભાજપનો વારો છે. દિલ્હીમાં ભાજપે મહાપાલિકાની સતા જાળવી રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાયના તેના તમામ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા હતા તેમ છતા ‘આપ’ને વિજય મળ્યો તે મહત્વપૂર્ણ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement