♦ ભારતને છેલ્લી ઓવરના બે બોલમાં 12 રનની જરૂર હતી પરંતુ ઈન્જર્ડ રોહિત શર્મા એક જ છગ્ગો લગાવી શક્યો: મોહમ્મદ સિરાજે રમેલી મેડન ઓવર ટીમને નડી ગઈ
નવીદિલ્હી, તા.8
કેપ્ટન રોહિત શર્માની 28 બોલમાં 51 રનની અણનમ ઈનિંગ છતાં ભારત બીજી વન-ડે મેચમાં બાંગ્લાદેશ સામે પાંચ રને હારી ગયું છે. 272 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતે 49.4 ઓવરમાં નવ વિકેટે 260 રન બનાવી લીધા હતા. જીત માટે છેલ્લા બે બોલમાં બે છગ્ગાની જરૂર હતી. રોહિતે પાંચમા બોલે છગ્ગો ફટકારી દીધો હતો પરંતુ અંતિમ બોલે તે છગ્ગો લગાવી શક્યો નહોતો.
આ સાથે જ બાંગ્લાદેશે શ્રેણીમાં 2-0ની ‘અજેય’ લીડ મેળવી લીધી છે. આ ભારતની બાંગ્લાદેશની ધરતી પર વન-ડે શ્રેણીમાં સળંગ બીજી શ્રેણીહાર છે. આ પહેલાં 2015માં બાંગ્લાદેશે ભારતને વન-ડે શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું.
અંગૂઠામાં ઈજાને કારણે રોહિત શર્મા આ મેચમાં ઓપનિંગ કરી શક્યો નહોતો. તે નવમા નંબરે બેટિંગ કરવા આવ્યા હતા. અંતિમ ત્રણ ઓવરની રમતમાં ભારતને 40 રનની જરૂર હતી. 48મી ઓવરમાં મોહમ્મદ સિરાજ સ્ટ્રાઈક પર હતો અને રોહિત નોન સ્ટ્રાઈક ઉપર હતો. મુસ્તફિઝુર રહમાને આ ઓવરમાં સિરાજને એક રન પણ લેવા દીધો નહોતો.
હવે અંતિમ બે ઓવરમાં ભારતને જીત માટે 40 રનની જરૂર હતી. મહમ્મદુલ્લાહે આ ઓવરમાં 20 રન આપી દીધા હતા. રોહિતે આ ઓવરના પહેલાં અને ત્રીજા બોલે છગ્ગો લગાવ્યો હતો. આ ઉપરાંત તેણે બે ડબલ અને એક સિંગલ રન પણ લીધો હતો તો ત્રણ રન વાઈડના રૂપમાં મળ્યા હતા.
હવે છેલ્લા છ બોલમાં ભારતને 20 રનની જરૂર હતી. છેલ્લી ઓવર મુસ્તફિઝુર લઈને આવ્યો હતો જેનો પહેલો બોલ રોહિતે ખશલી કાઢ્યો હતો. બીજા બોલ પર રોહિતે ડીપ થર્ડ મેન તરફ ચોગ્ગો લગાવ્યો હતો. ત્રીજા બોલે પણ રોહિતે થર્ડ મેન બાજુ ચોગ્ગો લગાવ્યો હતો. આ પછી ચોથો બોલ ખાલી રહ્યો હતો તો પાંચમા બોલે છગ્ગો ફટકાર્યો હતો. અંતિમ બોલ યોર્કર લેન્થની હતી. રોહિત તેના પર યોગ્ય શોટ લગાવી ન શકતાં કોઈ રન આવ્યો નહોતો જેથી ભારત આ મુકાબલો પાંચ રને હારી ગયું હતું.
બાંગ્લાદેશ વતી ઈબાદત હુસેને ત્રણ વિકેટ ખેડવી હતી. મેહદી હસન અને શાકિબ અલ હસનને બે-બે વિકેટ મળી હતી. જ્યારે મુસ્તાફિઝુરના ફાળે એક વિકેટ આવી હતી. આ પહેલાં ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશે 50 ઓવરમાં સાત વિકેટે 271 રન બનાવ્યા હતા. મેહદી હસન (100 રન) તેના વતી ટોપ સ્કોરર રહ્યો હતો. જ્યારે મહમ્મુલ્લાહે 77 રન બનાવ્યા હતા. બોલિંગમાં ભારત વતી વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ ત્રણ વિકેટ ખેડવી તો તો ઉમરાન મલિક-મોહમ્મદ સિરાજને બે-બે સફળતા મળી હતી.
વિરાટ કોહલીની જગ્યાએ નંબર-3 પર રમવા આવેલા શ્રેયસ અય્યર અને ચોથા નંબરે ઉતરેલા અક્ષર પટેલે પાંચમી વિકેટ માટે 101 બોલમાં 107 રનની ભાગીદારી કરી હતી. બન્નેએ ફિફટી બનાવી હતી. પહેલાં શ્રેયસે 69 બોલમાં ફિફટી બનાવી હતી. શ્રેયસે 102 બોલમાં 82 રન બનાવ્યા હતા જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ છે. આ અય્યરની 14મી વન-ડે ફિફયી છે. શ્રેયસ બાદ અક્ષરે 50 બોલમાં પોતાની ત્રીજી વન-ડે ફિફટી પૂર્ણ કરી હતી.
ત્રીજી વન-ડે પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રોહિત સહિત ત્રણ ખેલાડી બહાર
બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી વન-ડે મેચમાં કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થઈ ગયો હતો જે પછી તેઓ શ્રેણીમાંથી બહાર થઈ જશે તે નિશ્ચિત બની ગયું હતું. હવે કોચ રાહુલ દ્રવિડે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે રોહિત શર્મા સહિત ત્રણ ભારતીય ખેલાડી ત્રીજી વન-ડેમાંથી બહાર થઈ ગયા છે. આ ખેલાડીઓમાં દીપક ચાહર અને કુલદીપ સેનનું નામ પણ સામેલ છે.
રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ: ક્રિસ ગેઈલની ખાસ ક્લબમાં થયો સામેલ
રોહિત શર્માએ બાંગ્લાદેશ વિરુદ્ધ 51 રનની ઈનિંગ રમી ભારતીય ચાહકોનું દિલ તો જીતી જ લીધું સાથે સાથે ઈતિહાસ પણ રચ્યો છે. રોહિતે મીરપુર વન-ડેમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી આ ઈનિંગ રમી હતી અને આ સાથે જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 છગ્ગાનો આંકડો પાર કરી લીધો છે.
રોહિત શર્મા આવું કારનામું કરનારો પ્રથમ ભારતીય અને દુનિયાનો બીજો બેટર બન્યો છે. તેના પહેલાં આ કમાલ માત્ર વિન્ડિઝના લેજન્ડ બેટર ક્રિસ ગેઈલે કરી છે. ગેઈલના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 553 છગ્ગા નોંધાયેલા છે.