સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનું કમબેક : 34+ બેઠક પર ભગવો

08 December 2022 11:22 AM
kutch Elections 2022 Politics Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનું કમબેક : 34+ બેઠક પર ભગવો

રાજકોટ, મોરબી, જામનગર, જુનાગઢ સહિતના વિસ્તારમાં કમળ ખીલ્યું : કચ્છ, ખંભાળીયા, સાવરકુંડલા જેવા વિસ્તારમાં કોંગ્રેસ, આપે કાઠુ કાઢયું : ‘આપે’ કોંગ્રેસને ફટકા મારતા ભાજપને વધુ ફાયદો!

રાજકોટ, તા. 8
સૌરાષ્ટ્ર-કચ્છની વિધાનસભાની પ4 બેઠકના ચૂંટણી પરિણામો આજે જાહેર થવા લાગતા 2017ની ચૂંટણી કરતા ભાજપે ઘણો ઉજળો દેખાવ કર્યો છે. આજે સવારે પ્રથમ બે કલાકમાં માત્ર સૌરાષ્ટ્રની 48 બેઠક પૈકી 34 બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ નીકળી જતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત વખતે થયેલુ નુકસાન ભાજપે ઘણા પ્રમાણમાં કવર કરી લીધાનું લાગ્યુ છે.

આ વખતે ત્રણેક મહિનાથી આમ આદમી પાર્ટીની તૈયારીઓ, કોંગ્રેસના નવા જુસ્સા વચ્ચે ભાજપને મોટા પડકારો મળ્યાનું ચિત્ર હતું પરંતુ શહેરી અને મોટા પ્રમાણમાં ગ્રામ્ય મતદારોને પણ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર ભરોસો હોવાનું ઇવીએમ કહી રહ્યા છે.

સૌરાષ્ટ્રના પાટનગર અને ભાજપના ગઢ રાજકોટની વિધાનસભાની ચારે ચાર બેઠક પર ભાજપના ઉમેદવારો મોટી લીડ સાથે આગળ વધ્યા છે. જિલ્લામાં ધોરાજી, ગોંડલ, જસદણ, જેતપુર બેઠક પર ભાજપના ઉમેદવારો પહેલેથી જ લીડમાં છે. ગત વખત કરતા પણ ચિત્ર સુધરી રહ્યું છે. મહેન્દ્રભાઇ પાડલીયા, ગીતાબા જાડેજા, કુંવરજીભાઇ બાવળીયા, જયેશ રાદડીયા સારી લીડ સાથે પહેલેથી જ આગળ રહ્યા છે.

મોરબી જિલ્લામાં પણ અસંતોષ અને નારાજગી વચ્ચે મોરબીની બેઠક પર કાંતિભાઇ અમૃતિયા, વાંકાનેરમાં જીતુભાઇ સોમાણી અને પડધરી-ટંકારામાં પણ ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઇ દેથરીયા આગળ રહ્યા છે.

જુનાગઢ જિલ્લાની પાંચેય બેઠક પર સવારથી ભાજપના ઉમેદવારો આગળ નીકળ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં પણ ભાજપનો કમબેક થયો છે. ભાવનગર ગ્રામ્યમાં ભાજપના પરસોતમ સોલંકી આગળ હતા. ઉનામાં ભાજપના કે.સી.રાઠોડ આપ અને કોંગ્રેસના ડબલ મત પહેલા રાઉન્ડમાં જ મેળવી ચૂકયા હતા.

કચ્છના અબડાસાની બેઠક પર એકંદરે ભાજપ આગળ છે. ત્રીજા રાઉન્ડમાં માંડવીમાં ભાજપના અનિરૂધ્ધ દવે, અંજારમાં ત્રિકમ છાંગા, ગાંધીધામમાં માલતીબેન મહેશ્ર્વરી, ભૂજમાં કેશુભાઇ પટેલ અને રાપરમાં પણ ભાજપ આગળ રહ્યો છે. અબડાસામાં ચોથા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર મામદ જત આગળ હતા.
અમરેલી જિલ્લામાં સાવરકુંડલા બેઠક પર સવારે ભાજપના ઉમેદવાર આગળ હતા.

આ સિવાય તમામ બેઠક પર કમળ આગળ છે. પોરબંદર બેઠક પર સવારે ભાજપના બાબુભાઇ બોખીરીયા આગળ હતા. તો કુતિયાણામાં સપાના કાંધલ જાડેજા આગળ ચાલી રહ્યા છે. ભાવનગર જિલ્લાના મહુવા બેઠક પર કોંગ્રેસના કનુભાઇ કરસરીયા, ભાવનગરમાં જીતુભાઇ વાઘાણી અને પાલીતાણામાં પણ ભાજપ આગળ છે.

આમ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપે અગાઉ રજુ થયેલી ધારણા મુજબ કમબેક કર્યુ છે. કોંગ્રેસના સુપડા સાફ થયા છે. તો આમ આદમી પાર્ટીએ પણ કોઇ મોટો દેખાવ કર્યો નથી. પાંચ વર્ષ અગાઉની સ્થિતિમાં ભાજપે ઘણો સુધારો કર્યો છે અને પક્ષને કોઇ અસંતોષ પણ નડી શકયો નથી તે મહત્વની બાબત બની છે.


Related News

Advertisement
Advertisement
Advertisement