નવી દિલ્હી,તા. 8
દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 15 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને પરાજીત કરીને વિજેતા બની છે પરંતુ મેયરની ચૂંટણીમાં જબરો ખેલ નંખાઈ જાય તેવી આશંકા આમ આદમી પાર્ટીને છે. ગઇકાલે આવેલા પરિણામ બાદ હવે ચૂંટણી પંચ સતાવાર રીતે નોટીફીકેશન બહાર પાડે પછી મેયરની ચૂંટણીની લાંબી પ્રક્રિયા શરુ થશે.
પરંતુ આ માટે દિલ્હીના ઉપરાજ્યપાલ એકશનમાં આવી જશે. નોટીફીકેશન જાહેર થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હીની ઓફીસને તમામ નવા ચૂંટાયેલા કોર્પોરેટરોની યાદી મળશે અને ત્યારથી મેયરની ચૂંટણીની પ્રક્રિયા શરુ કરાશે અને સમગ્ર ટાઈમટેબલ નિશ્ર્ચિત કરવા માટે ઉપરાજ્યપાલ હસ્તક કામ કરી રહેલા મ્યુનિસિપલ સેક્રેટરીને સુપ્રત કરાશે અને મેયરની ચૂંટણી બેલેટ પેપર મારફત ગુપ્ત મતદાનથી કરવામાં આવે છે અને તમામ પક્ષોને અધિકાર હોય છે કે તે મેયર માટે પોતાના ઉમેદવારને ઉભા રાખી શકે છે.
સામાન્ય સંજોગોમાં દિલ્હીમાં હાલની સ્થિતિમાં 134 બેઠકો હોવાથી આમ આદમી પાર્ટી પોતાના મેયર ચૂંટી શકે છે. ભાજપ પાસે 104 બેઠકો છે અને તેથી તે મેયરપદ માટે ઉેમેદવાર ઉભા રાખશે તેવું માનવામાં આવે છે. ગઇકાલે જ ભાજપના પ્રદેશ નેતાએ દાવો કર્યો કે ભલે આપે બહુમતી મેળવી હોય પરંતુ મેયર તો ભાજપના જ હશે. મ્યુનિસિપલ સુત્રોના જણાવ્યા મુજબ આ ઉપરાંત ઉપરાજ્યપાલને 12 કોર્પોરેટર નોમીનેટ કરવાની સતા હોય છે અને ઉપરાજ્યપાલ જે નિયુક્તિ કરશે તે ભાજપ તરફી હોય તેવી શક્યતા દર્શાવાઈ રહી છે.
ગઇકાલે જ દિલ્હીમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ સંકેત આપી દીધો કે ભાજપે ખેલ શરુ કરી દીધો છે અને તેને અમે સફળ થવા દેશું નહીં. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ મેયરની ચૂંટણીમાં ગુપ્ત મતદાન માટેની પ્રક્રિયામાં ભાજપ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા કેટલાક ઉપરાંત કોંગ્રેસ અને અપક્ષોને સાથે લઇ શકે છે અને તે રીતે સ્પર્ધા કરી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ જો કે જે રીતે 15 વર્ષ બાદ ભાજપને સતા ગુમાવવી પડી છે તે જોતા ભાજપ હાલ કોઇ પણ પ્રકારનો વિવાદ સર્જશે નહીં પણ 5 થી 6 માસ બાદ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડાવીને મહાનગરપાલિકામાં ફરી સતા કબજે કરી શકે છે.
મહિલાઓનો દબદબો : અનામત 125 બેઠકો ઉપરાંત વધુ 7 બેઠકો પર વિજય
દિલ્હીમાં પ્રથમ વખત સૌથી મહિલા કોર્પોરેટરો ચૂંટાયા
દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 132 બેઠકો પર મહિલાઓ ચૂંટાઈ છે જેમાં ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષ તમામ મહિલાઓનો સમાવેશ થાય છે. દિલ્હીની 125 બેઠકો અગાઉથી જ મહિલાઓ માટે અનામત હતી અને તેનાથી પણ આગળ વધીને 7 વધુ બેઠકો પર મહિલાઓ જીતી છે તેમાં આમ આદમી પાર્ટીએ પાર્ટીના 73 મહિલાઓ વિજેતા થયા છે. ભાજપના 52 અને અન્ય પક્ષોના મહિલાઓને સ્થાન મળ્યું છે. આમ આદમી પાર્ટીએ 3 સામાન્ય સીટો પર પુરુષોને મહિલાઓ ઉતારી હતી અને તે મહિલાઓએ જીત હાંસલ કરી છે. કોંગ્રેસને જે 9 કોર્પોરેટર ચૂંટાયા છે તેમાં 5 મહિલાઓ છે અને બે મહિલા અપક્ષ ચૂંટાણા છે.
‘આપ’ તમામ કોર્પોરેટરોને પંજાબમાં સલામત કરશે ?
દિલ્હીના ‘આપ’ના પ્રથમ મેયર તરીકે મહિલા આવશે : કેપ્ટન શાલીનીનું નામ આગળ
દિલ્હીમાં જે રીતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બહુમતી મેળવી છે પછી આ પક્ષને તેના કોર્પોરેટરોને સાચવી રાખવાની સૌથી મોટી ચિંતા છે અનેતેથી જ મેયરની ચૂંટણી સુધી ‘આપ’ તેના ચૂંટાયેલા કોર્પોરેટરોને પંજાબમાં કોઇ સલામત રીતે રાખે તેવા સંકેત છે અને મેયરની ચૂંટણી સમયે જ સીધા દિલ્હી લવાશે. બીજી તરફ રોટેશન મુજબ દિલ્હીના પ્રથમ મેયર મહિલા હશે અને તેથી આમ આદમી પાર્ટીમાં ચારથી પાંચ મહિલાઓના નામ આ માટે બોલાઇ રહ્યા છે જેમાં કેપ્ટન શાલીની કે જેઓ દિલ્હીનો જાણીતો ચહેરો છે તેને પ્રથમ મહિલા મેયર બનાવવામાં આવે તેવા સંકેત છે.