► આ દશકાની સૌથી નિરસ ગણાતી ગુજરાતની ચૂંટણીમાં મતદારોનો મિજાજ પહેલેથી જ નિશ્ચીત હતો
રાજકોટ તા.8 : ગુજરાતમાં 2022ની ધારાસભા ચૂંટણીને 2024ની લોકસભા ચૂંટણી તેમજ આગામી સમયમાં આવનારી અનેક રાજયોની ધારાસભા ચૂંટણી પુર્વેનું ટ્રેલર તરીકે જોવાતુ હતું અને ભારતીય જનતા પક્ષ એ પણ તેની તમામ તાકાત આ ચૂંટણીમાં લગાવી હતી તે સમયે પ્રારંભીક પરિણામોમાં ભાજપ ફરી એક વખત કલીનસ્વીપ કરે તેવા સંકેત છે અને કોંગ્રેસ પક્ષ માટે 2017 કરતા પણ ખરાબ હાલત થશે તે નિશ્ચીત બનતુ જાય છે જયારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહી છે તે ડબલ ડીજીટે પહોંચશે તે પણ હાલની સરસાઈ પરથી નજરે ચડે છે.
► નરેન્દ્રનો રેકોર્ડ ભુપેન્દ્ર તોડે તેવા સંકેત: 127થી વધુ બેઠકો મેળવશે માધવસિંહ સોલંકીના રેકોર્ડને પણ તોડવા ભણી ધસમમતુ કમળ
ભાજપ આ ચૂંટણીમાં 130થી132 બેઠકો મેળવી જશે તેવો પ્રાથમીક અનુમાન છે અને ફરી એક વખત અન્ય કોઈપણ ફેકટર કરતા મોદી ફેકટર સૌથી વધુ અસરકારક છે તે ફરી એક વખત નિશ્ચીત થઈ ગયું છે જેને કારણે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું તેમ નરેન્દ્રનો રેકોર્ડ ભુપેન્દ્ર તોડશે અને નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં 127 બેઠકનો જે રેકોર્ડ હતો તે આ ચૂંટણીમાં તૂટે તેવી શકયતા છે તેની સાથે ભાજપ 1985માં માધવસિંહ સોલંકીએ જે 149 બેઠકો જીતી હતી તે રેકોર્ડ તૂટશે નહી તે પણ પ્રારંભીક રીતે નિશ્ચીત બની રહ્યું છે. બીજી તરફ ગુજરાતમાં તમામ ચારેય ઝોનમાં ભારતીય જનતા પક્ષને નિર્ણાયક બેઠકો મળી રહી છે. 2017ની ચૂંટણીમાં જેમ સૌરાષ્ટ્ર અને આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસને સરસાઈ મેળવી હતી
► તમામ ચારેય ઝોનમાં ભાજપને સરસાઈ: કોંગ્રેસ 2017નો લાભ જાળવી પણ ન શકી: આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય પણ મતદારો ‘માપ’માં રાખશે તેવો સંકેત
તે આ ચૂંટણીમાં કયાંય નજરે ચડતી નથી. જો ચૂંટણીના મુદા જોઈએ તો તાજેતરની આ સૌથી નિરસ ચૂંટણીમાં પણ કોઈ મુદ્દા ન હતા. બીજી તરફ આખરી ઘડીએ મોરબી પુલ દુર્ઘટના જેવી મોટી ઘટના બની અને 135 લોકોના મૃત્યુ થયા તેમ છતાં પણ તેની અસર ચૂંટણી પરિણામો પર પડતી નજરે ચડતી નથી જયારે બેરોજગારી, મોંઘવારી સહિતના મુદાઓ પણ ડીસ્કાઉન્ટ થઈ ગયા છે અને ફકત મોદી અને વિકાસ મુદો જ ચાલ્યો છે અને કોંગ્રેસના ધુરંધરો પણ પરાજીત થઈ રહ્યા છે.
બેલેટ પેપરના બોકસનું સીલ તૂટેલુ: મનસુખ કાલરીયાની ચૂંટણી અધિકારીને ફરિયાદ
રાજકોટમાં સવારે પ્રારંભમાં પોસ્ટલ બેલેટની ગણતરી થઈ હતી. ઉમેદવારોની હાજરીમાં સીલપેક બોકસ ખોલવાની પ્રક્રિયા થઈ હતી. આ તકે એક બોકસ સીલ તૂટેલુ હોવાની ફરિયાદ રાજકોટ-69ના કોંગ્રેસના ઉમેદવાર મનસુખ કાલરીયાએ જીલ્લા ચૂંટણી અધિકારીને કરી હતી.
મત ગણતરી કેન્દ્રમાં વાહન લઈ જવા મુદે ઉમેદવારોની રકઝક
રાજકોટમાં કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે જીલ્લાની આઠ બેઠકોની મતગણતરી રાખવામાં આવી હતી. ઉમેદવારો-ચૂંટણી એજન્ટો વ્હેલી સવારે જ પહોંચી ગયા હતા. મતગણતરી કેન્દ્ર સુધી વાહન લઈ જવાની મનાઈ હતી. આ તકે ‘આપ’ના ઉમેદવાર શિવલાલ બારસીયાએ વાહન અંદર લઈ જવા રકઝક કરી હતી. જો કે, અન્ય તમામ ઉમેદવારોને વાહનો 200 મીટર દૂર જ પાર્ક કરાવવામાં આવતા હતા. માત્ર અધિકારીઓ તથા સરકારી વાહનોને જ અંદર સુધી વાહન લઈ જવાની છુટ્ટ નથી.
પોસ્ટલ બેલેટની ગણતરી વ્હેલી પણ ગણતરીનો આંકડો છેલ્લે જાહેર કરવા નવો નિયમ
મતગણતરીની શરૂઆતમાં પોસ્ટલ બેલેટ ગોઠવીને ગણતરી કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટની તમામ આઠ બેઠકમાં પ્રારંભીક સમયમાં આ પ્રક્રિયા થઈ હતી. નવા નિયમ હેઠળ પોસ્ટલ બેલેટની ગણતરી થઈ ગયા પછી પણ કોને કેટલા મત? તેનો આંકડો જાહેર કરવામાં નહોતો આવ્યો. સૂત્રોના કહેવા પ્રમાણે નવા નિયમ મુજબ શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી વ્હેલી થઈ જવા છતાં તેના મત છેલ્લે જે-તે ઉમેદવારના મતમાં ઉમેરવામાં આવશે અર્થાત ઈવીએમની મતગણતરી પૂર્ણ થયા બાદ ઈવીએમના મત તેમાં ઉમેરવામાં આવનાર છે.
જસદણમાં પ્રથમ રાઉન્ડમાં કુંવરજીભાઈને સરસાઈ : થેંક્સ ટુ ‘આપ’
રાજકોટ,તા. 8 : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ હોવાના આક્ષેપ કોંગ્રેસ કરતી હતી તેમાં જસદણની બેઠકમાં પ્રથમ રાઉન્ડમાં જ ભાજપના કુંવરજીભાઈ બાવળીયા અને કોંગ્રેસના ભોળાભાઈ ગોહેલની સીધી ટક્કરમાં આમ આદમી પાર્ટીના તેજસભાઈ ગાજીપરાએ કુંવરજીભાઈને લીડ મેળવવામાં મદદ કરી હોવાનું સ્પષ્ટ થયું છે. કુંવરજીભાઈને 3576 મત અને ભોળાભાઈ ગોહેલને 2326 મતો મળ્યા પરંતુ ‘આપ’ના તેજસભાઈ ગાજીપરા 2011 મત મેળવી ગયા અને આ રીતે કોંગ્રેસ અને આપના મતનો સરવાળો કરો તે પ્રથમ રાઉન્ડમાં કુંવરજીભાઈ માટે ખાધની સ્થિતિ બની હોત પરંતુ પ્રથમ રાઉન્ડમાં જ તેઓએ સરસાઈ મેળવી લીધી છે. કુલ 14 રાઉન્ડની મતગણતરી થશે.