► આગામી ત્રણ કે ચાર દિવસમાં જ નવા મંત્રી મંડળની રચના શક્ય : હાલ તૂર્ત અધિકારીઓને દરેક મંત્રાલયની જવાબદારી સોંપી દેવાઇ : નવા મંત્રીઓ સાથે સંકલન કરશે
રાજકોટ,તા. 8 : ગુજરાત વિધાનસભા ચૂંંટણીમાં ભાજપનો વિજય નિશ્ચીત જણાતા હવે સ્વર્ણિમ સંકુલમાં આગામી બે કે ત્રણ દિવસમાં જ નવા મંત્રીઓનું આગમન થઇ જશે તે પૂર્વે ગઇકાલથી જ સ્વર્ણિમ સંકુલ 1 અને 2ની સાફ સફાઈ શરુ કરી દેવામાં આવી છે તથા મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓની નેઇમ પ્લેટ પણ દૂર કરી દેવામાં આવી છે અને તેમના પર્સનલ ફોટાઓ અને અન્ય સામગ્રીઓ પણ દૂર કરીને તમામ મંત્રીઓની કેબીન ચકાચક બનાવી દેવામાં આવી છે. એકમાત્ર સીએમ ઓફીસમાં જ અધિકારીઓ કામગીરી બજાવી રહ્યા છે
અન્ય તમામ મંત્રીઓની કેબીનોને ચૂંટણી આચારસંહિતા જાહેર થતા જ તાળા મારી દેવામાં આવ્યા હતા. સીએમઓમાં પણ મર્યાદિત અધિકારીઓ અને કર્મચારીઓની અવરજવર છે. મોટાભાગના પૂર્વ મંત્રીઓએ પોતાની ઓફીસોમાં અંગત ફાઈલો અને અન્ય ચીજો સાથે જ લઇ ગયા હતા અને જે મહત્વની ફાઈલો હતી તે સીએમઓમાં મોકલી દેવામાં આવી હતી અને હવે નવા મંત્રીઓને આવકારવા માટે પણ તૈયારી છે. મોટાભાગની ચેમ્બરોમાં હાલ તૂર્ત ફર્નિચર અને અન્ય સામગ્રી યથાવત રખાઈ છે.
પરંતુ જે વધારાની ફાઇલો હતી અથવા તો અરજીઓ હતી તેને સીલબંધ પોટલામાં મુકી દેવામાં આવી છે. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ એક વખત મંત્રી મંડળ નિશ્ચીત થાય કે તૂર્ત જ તે મંત્રીઓની ઓફીસ ફાળવણી માટે પણ વ્યવસ્થા થઇ જશે અને નવા મંત્રીઓ 24 કલાકમાં જ તેમની ઓફીસે જઇ શકે તે વ્યવસ્થા રાખવામાં આવી છે. વર્તમાન સરકારમાં અનેક મંત્રીઓ ફરી જીતે તેવી શક્યતા છે પરંતુ હવેનું મંત્રીમંડળ અગાઉ જેવું જ સાવ નવા ચહેરાનું હશે કે રુપાણી સરકારના કેટલાક ચહેરાઓને સ્થાન મળશે તેના પર સૌની નજર છે.