અસંતોષ-બળવા-જૂથવાદ સાફ: મોદીનો વન મેન-શો જીતી ગયો

08 December 2022 12:41 PM
Rajkot Elections 2022 Politics Saurashtra
  • અસંતોષ-બળવા-જૂથવાદ સાફ: મોદીનો વન મેન-શો જીતી ગયો

► સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, જામનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાં નારાજગીનું કંઇ ન ઉપજ્યું: ‘આપ’ના કારણે પણ ભાજપને થયો ફાયદો

► વડાપ્રધાને કરેલી 30થી વધુ સભા-રોડ શોએ ફરી લોકોને આકર્ષિત કર્યા: નવા ઉમેદવારો સહિતના પ્રયોગો પણ મતદારોએ સ્વીકારી લીધા

► ઓડિયો, વીડિયો, સામસામા જ્ઞાતિ સંમેલનો, ભાંગફોડની પ્રવૃતિ છતા પરિણામ પર કોઇ અસર નહીં: ગુજરાતીઓ અને ભાજપ ફરી એક રહ્યા

રાજકોટ,તા. 8
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામે વધુ એક વખત પ્રજા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નામે સીધા ભાજપને મત આપતી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. 2017 કરતા ઘણી અલગ અને વિપરીત સ્થિતિ, અનેક બેઠક પર બળવા, અસંતોષ, નારાજગી અને ખૂબ ગાજેલી આમ આદમી પાર્ટીના હાઉ વચ્ચે મતદારોએ ભાજપ સિવાયના તમામ પક્ષોને તળિયે ધકેલી દીધા છે. આ સાથે જ પક્ષમાં બળવા અને વિવાદ કરનારાઓનું પણ કંઇ ઉપજ્યું નથી તેવું પણ લાગ્યું છે.

વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ તે પૂર્વે 2022ની ચૂંટણી ખુબ રસપ્રદ બનશે તેવો માહોલ ઉભો થયો હતો. ચાલુ ટર્મમાં મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રુપાણીને ઉતારીને ભાજપે ભૂપેન્દ્રભાઈ પટેલની ખુરશી પર બેસાડ્યા હતા. આ સાથે જ ભાજપમાં 2022ની ચૂંટણીમાં પણ મોટા પરિવર્તન દેખાશે તેવું સ્પષ્ટ થવા લાગ્યું હતું.

ગુજરાતમાં ડબલ એન્જીન સરકાર અને તેના કામો પર જ ચૂંટણી લડવા ભાજપ તૈયાર થયો હતો. સમગ્ર ચૂંટણીની કમાન વધુ એક વખત વડાપ્રધાને પોતાના હાથમાં લીધી હતી. એક રીતે વન-મેન શોની જેમ ભાજપ આ ચૂંટણી લડ્યો હતો અને તેમાં ફરી નરેન્દ્ર મોદી જ મેન ઓફ ધ મેચ થયા છે.

રાજકોટ, જસદણ, મોરબી, જામનગર, કચ્છ સહિતના જિલ્લાની ઘણી બેઠક પર ઉમેદવારો જાહેર થયા બાદ ભાજપમાં બળવા થયા હતા. અમુક જગ્યાએ નારાજ જૂથે સામુ કામ કર્યું હતું. ઉમેદવારોને પાડી દેવાની ચર્ચા કરતાં નેતાઓના વીડિયો પણ વાઇરલ થતા હતા. પક્ષની અંદર રહીને પક્ષના ઉમેદવારને જ નુકશાન કરવાની પ્રવૃતિ પણ ખુબ થઇ હતી. ખુદ વડાપ્રધાનની સભામાં ખુરશીઓ ખાલી હોવાના વીડિયો પણ ફેરવવામાં આવ્યા હતા. પરંતુ આવી સ્થિતિ અને નેગેટીવ પ્રચારની પ્રજાએ કોઇ નોંધ લીધી ન હોય તેવું લાગ્યુ છે.

ચૂંટણીમાં નીચા મતદાને રાજકીય પક્ષોને ચોક્કસ નિરાશ કર્યા હતા. ભાજપની ચિંતા વધારી હતી પરંતુ ભાજપના કમિટેડ લોકો પક્ષ સાથે રહ્યાનું આજના પરિણામ પરથી લાગ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારમાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં 30થી વધુ રેલી અને જાહેરસભા કરી હતી. અમદાવાદમાં વિક્રમી રોડ-શો કર્યો હતો. ટૂંકાગાળામાં ભાજપના ગઢ રાજકોટમાં પણ બે સભા કરી હતી.

આમ છતા અમુક બેઠકો પર નારાજગી દૂર ન થતા વડાપ્રધાન સહિતના ટોચના નેતાઓએ આ અસંતુષ્ટોને અવગણીને પોતાનુ કામ ચાલુ રાખ્યું હતું. અમુક બેઠકો પર પક્ષને પાડી દેવા પૂરા પ્રયાસ થયા હતા. જ્ઞાતિ અને સમાજના સંમેલનોની હરિફાઈ થઇ હતી.

પરંતુ જેટલો ભય હતો એટલું મતોનું વિભાજન ન થયું હોય તેવું લાગ્યું છે. ભાજપના બળવા કરતા તો આમ આદમી પાર્ટીના ઉમેદવારોના વોટ શેરીંગની વધુ અસર દેખાય છે. તો ભાજપના વોટ ‘આપ’ દ્વારા કોંગ્રેસને કરાયેલા મનાતા નુકશાનના કારણે કે કમિટમેન્ટના કારણે સલામત રહ્યાનું પણ લાગ્યું છે.

એકંદરે બળવા, નારાજગી, અસંતોષ, પક્ષ વિરોધી પ્રવૃતિ, નવા ઉમેદવારોના પ્રયોગ સહિતના સંજોગોમાં પણ ગત ચૂંટણી કરતા ભાજપ વધુ બેઠક લાવ્યો તે હકીકત છે અને આ તમામ પ્રયોગ અને જોખમ સફળ સાબિત થયા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement