♦ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 31 તો ભાજપે 23 બેઠકો જીતી હતી: 2022માં અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છની 54માંથી 35 બેઠકો પર ભાજપ, 12 ઉપર કોંગ્રેસ તો ‘આપ’ના છ અને અન્ય એક બેઠક ઉપર ઉમેદવારો ચાલી રહ્યા છે આગળ
રાજકોટ, તા.8
વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવાથી શરૂ થઈ ગયું છે અને ભાજપ દ્વારા ધારણા પ્રમાણે જ રોલર કોસ્ટર ફેરવી દીધું હોય તેવી રીતે મોટાભાગની બેઠકો ઉપર તેના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરવામાં આવે તો અહીંની 54 બેઠકો ઉપર પાંચ વર્ષની અંદર જ કોંગ્રેસની બેઠકમાં અઢી ગણો ઘટાડો જોવા મળ્યો છે. 2017માં કોંગ્રેસનો સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો ઉપર દબદબો જોવા મળ્યો હતો.
જો કે ત્યારે પાટીદાર આંદોલનની અસર સોલિડ હોવાને કારણે તેને ફાયદો મળ્યો હતો પરંતુ આ વખતે પાટીદાર આંદોલનની નહીંવત્ અસર તેમજ આમ આદમી પાર્ટીના ફેક્ટરને કારણે કોંગ્રેસને સૌરાષ્ટ્ર-કચ્છમાં મરણતોલ ફટકો ખમવો પડી રહ્યો છે.
2017ની સ્થિતિની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર-કચ્છની 54માંથી કોંગ્રેસે 31 બેઠકો ઉપર જીત મેળવી હતી જ્યારે ભાજપના ફાળે માત્ર 23 બેઠક જ આવી હતી. જો કે 2022ની ચૂંટણીમાં અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામો પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છની 54માંથી ભાજપના ઉમેદવારો 35 બેઠકો તો કોંગ્રેસના ઉમેદવારો માત્ર 12 બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે.
જ્યારે આમ આદમી પાર્ટીનો સૌરાષ્ટ્ર-કચ્છમાં જાદૂ ચાલી રહ્યો હોય તેવી રીતે છ બેઠકો ઉપર તેના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જ્યારે કુતીયાણાની બેઠક પર સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા પૂરપાટ ઝડપે આગળ નીકળી ગયા છે.
આમ પાંચ વર્ષની અંદર જ કોંગ્રેસનું સૌરાષ્ટ્ર-કચ્છમાં શરમજનક ધોવાણ થઈ ગયું છે અને તેની બેઠકોમાં નોંધપાત્ર ઘટાડો થઈ જતાં પ્રદેશ નેતાગીરી પણ ચિંતામાં મુકાઈ ગઈ છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર-કચ્છના કોંગ્રેસના અનેક નેતાઓએ હાર સ્વીકારી લેતાં કોંગ્રેસ છાવણીમાં અત્યારે સોપો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસની આવી જ સ્થિતિ ગુજરાતમાં પણ જોવા મળી રહી છે અને ગણીગાંઠી બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો પાછળ ચાલી રહ્યા છે અને ક્યાંક ક્યાંક તો તે ત્રીજા ક્રમે ચાલી રહ્યા હોવાથી તેમના પરાજય નિશ્ચિત મનાય રહ્યા છે. એકંદરે પોસ્ટલ બેલેટથી જ કોંગ્રેસના ઉમેદવારો પાછળ થવા લાગ્યા હતા જે ઈવીએમના મત ખુલ્યા બાદ પણ જળવાયેલા રહ્યા હતા.