જામનગર તા.8: જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામની સીમમાં 12 થી 14 વર્ષની વયના એક બાળક પંકજ ડામોર નું ગુપ્તાંગ વાઢી નાખી ગળામાં ધારદાર હથીયારનો ઘા મારી હત્યા નીપજાવાઈ હતી, જે પ્રકરણમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસે બનાવના સ્થળ પાસેથી બાળકનું વાઢી નાખેલું ગુપ્તાંગ કબજે કર્યું હતું. ઉપરાંત મૃતદેહ નો કબ્જો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.
મૃતકને ગળાના ભાગે તેમજ ગુપ્તાંગ માં ઈજા ના નિશાનો સિવાય અન્ય કોઈ સ્થળે બાહ્ય અથવા ઇન્ટર્નલ ઈજા છે કે કેમ, તે અંગે ચકાસણી કરવામાં આવી રહી છે. મૃતક ના પિતાની ફરિયાદ ના આધારે અજાણ્યા શખ્સો સામે ખૂન નો ગુનો નોંધ્યો છે. ઉપરાંત મૃતક બાળકના માતા-પિતા ચાર બહેનો અને એક ભાઈ સહિત સાત જેટલી વ્યક્તિના નિવેદનો નોંધવામાં આવ્યા છે. મૃતક બાળક પંકજ કે જે ગઈકાલે સાંજે છ વાગ્યાથી લાપતા બન્યો હતો, અને પરિવારજનો શોધી રહ્યા હતા. મોડી રાત્રે સુધી તેનો કોઈ પતો સાંપડ્યો ન હતો.
ત્યારબાદ આજે વહેલી સવારે સાત વાગ્યાથી પરિવારજનો જામનગર તાલુકા ઉપરાંત કાલાવડ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેને શોધી રહ્યા હતા. જે દરમિયાન પસાયા બેરાજા ગામની સીમમાંથી જ તેનો મૃતદેહ મળી આવ્યો હતો, અને મૃતદેહ પાસેથી તેના ચપ્પલ, ઉપરાંત નાની છરી અને દાતરડા જેવું ધારદાર હથિયાર મળ્યું હોવાથી પોલીસે કબજે કરી લઈ વિશેષ તપાસ ચલાવવામાં આવી રહી છે. મૃતક બાળક પંકજ ના પિતા કાળુભાઈ ડામોરની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ખૂનનો ગુનો નોંધ્યો છે, અને તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.