આચારસંહિતાના હિસાબે સરકારી કચેરીઓમાં લોકોના પ્રશ્ન અટવાયા

08 December 2022 02:35 PM
Jamnagar
  • આચારસંહિતાના હિસાબે સરકારી કચેરીઓમાં લોકોના પ્રશ્ન અટવાયા

જામનગર તા.8
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત સાથે જ સરકારી કચેરીઓમાં આચારસંહિતાનું ગ્રહણ લાગી ગયું હતું જે હજુપણ ચાલુ હોવાથી અનેક મહત્વના કામો અટકી પડ્યા હોવાની ફરિયાદો સાંભળવા મળી રહી છે. આ આચારસંહિતા તા.10 મીએ ઉઠ્યા બાદ અને નવી સરકાર રચાયા બાદ કામગીરી પાટે ચડશે તેવો આશાવાદ ઉચ્ચ અધિકારીઓએ વ્યક્ત કર્યો છે. આથી હજુ આગામી એક સપ્તાહ સુધી અનેક મહત્વના કામો પેન્ડિંગ જ રહેશે.

જામનગર શહેર-જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ અનેક કામો આચારસંહિતાને કારણે અટકાવી દેવાયા હતા. આ આચારસંહિતા રાજ્યમાં 10 મી ડિસેમ્બર સુધી અમલમાં હોય તેથી ત્યાં સુધી કોઇ મોટા નિર્ણયો લઇ શકાય તેમ ન હોવાથી અનેક કામો અટકેલા હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

સરકારી કચેરીઓના સુત્રોએ જણાવ્યા અનુસાર આચારસંહિતાને કારણે હાલમાં કોઈપણ પ્રકારના વિકાસકામો પાલિકા વિસ્તારમાં કરી શકાતા નથી . જે કામો હવે આચારસંહિતા ઉઠી ગયા બાદ નવી સરકાર રચાયા બાદ જ શક્ય બનશે . હાલમાં તમામ સરકારી કચેરીઓમાં આચારસંહિતાને કારણે મહત્વના કામો અટકી પડયા છે તે નવી સરકાર બન્યા બાદ કામગીરી ઓટોમેટીક પાટે ચડી જશે.


Advertisement
Advertisement
Advertisement