જામનગર તા.8: જામનગરમાં ઠેબા નજીક આવેલા વિખ્યાત બે ભાઈના ડુંગર ઉપરની વિશાળ જગ્યામાં આઈ શ્રી ખોડિયાર માતાના મંદિરના સ્થાને ડુંગરની ચોટીએ 16 હજારથી વધુ વૃક્ષોનુ વાવેતર કરી કુદરતી સૌંદર્ય વાતાવરણ ઉભું કરનાર વૃક્ષપ્રેમી એવા જગ્યાના સંચાલક પ્રમુખ વિઠ્ઠલભાઈ મુંગરા, પરેશભાઈ વાઘાણી, મેરામણભાઈ રાવલિયાના યજમાનપદે તા. 29 થી તા. 8 ડિસેમ્બર સુધી શ્રીમદ્દ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થયું હતું.
જેમાં વક્તા તરીકે રાણસીકીના પ.પૂ. કૌશિકભાઈ ભટ્ટએ રસપ્રદ સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવ્યું હતું. દેવી ભાગવત કથામાં સંતો મહંતો ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા, યજમાન પરિવારના પ્રમુખ વિઠ્ઠલભાઈ મુંગરા, પરેશભાઈ વાઘાણી, મેરામણભાઈ રાવલિયા પરિવાર સાથે પૂજાવિધિનો ધર્મલાભ લીધો હતો.
આ શ્રીમદ્દ દેવી ભાગવત સપ્તાહ દરમિયાન દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદજી મહારાજ સોમવારે સાંજે આવ્યા હતા અને આ પ્રસંગે ઉપસ્થિત ભાવિકોને તેની વાણીનો લાભ પણ આપ્યો હતો અને આશીર્વાદ પાઠવ્યા હતા.