દ્વારકા જિલ્લામાં ભાજપનું વાવાઝોડુ : મુળુભાઇ-પબુભાની ભવ્ય જીત

08 December 2022 02:57 PM
Jamnagar Elections 2022 Gujarat Politics
  • દ્વારકા જિલ્લામાં ભાજપનું વાવાઝોડુ : મુળુભાઇ-પબુભાની ભવ્ય જીત

► કોંગ્રેસ પાસેથી બેઠક ખૂંચવી ખંભાળીયામાં મુળુભાઇ બેરાની જંગી લીડથી જીત ભણી : પ્રારંભિક રાઉન્ડમાં લીડ બાદ ઇશુદાન બીજા નંબરે : છેલ્લા બે ટર્મથી ધારાસભ્ય વિક્રમ માડમની હાર

► દ્વારકા બેઠક પર આઠમી વખત ચૂંટાતા દિગ્ગજ નેતા પબુભા માણેક : નવો રેકોર્ડ સર્જયો : એકઝીટ પોલને ખોટા પડી દેતા પબુભા

ખંભાળીયા, તા. 8
દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે બેઠકો ખંભાળીયા તથા દ્વારકા પર ત્રિપાંખીયો જંગના કારણે તમામ લોકોની નજર આ જિલ્લા પર હતી. ખાસ કરીને આ વખતે ગુજરાતમાં જબરો પ્રચાર કરનાર આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઇશુદાન ગઢવીનું નામ જાહેર કરાયું હતું અને તેઓ ખંભાળીયા પરથી ચૂંટણી લડયા હતા. ખંભાળીયા પરથી બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાતા વિક્રમ માડમ (કોંગ્રેસ) અને ભાજપના મુળુભાઇ બેરા વચ્ચે જંગ હતો.

મુળુભાઇ બેરા કેશુભાઇ પટેલની સરકાર વખત મંત્રી રહી ચૂકયા છે અને બે વખત ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા છે. ખંભાળીયાની બેઠકમાં આજે થતી મત ગણતરીમાં પ્રારંભિક તબકકામાં સલાયા, વાડીનાર સહિતના અનેક વિસ્તારોના જયારે રાઉન્ડ ખુલ્યા ત્યારે ઇશુદાન ગઢવી પ્રથમ 6 કે 7 રાઉન્ડ સુધી સાતેક હજાર સુધીની લીડથી આગળ હતા. પરંતુ ભાણવડ, ખંભાળીયા શહેર અને આજુબાજુના ગામડાઓના રાઉન્ડમાં મુળુભાઇ બેરાને જબરી લીડ મળતા તેઓ આગળ ચાલ્યા હતા.

બપોરે 1.15 કલાકે 21 રાઉન્ડના અંતે મુળુભાઇ બેરાને 68196 તો બીજા નંબર પર ઇશુદાન ગઢવીને 50840 મત અને વિક્રમ માડમને 39670 મળ્યા હતા. આ સાથે મુળુભાઇ બેરા 17356 મતોથી આગળ હતા. આ લખાય છે ત્યારે હજુ 3 રાઉન્ડ મત ગણતરી કરવાની બાકી છે. ત્યારે મુળુભાઇ જંગી લીડથી જીતે તેવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે.

દ્વારકામાં ભાજપના પબુભા માણેક કે જેઓ 1990થી સતત સાત વખત ચૂંટાતા આવ્યા છે. ત્રણ વખત અપક્ષ તરીકે, એક વખત કોંગ્રેસમાં અને ત્રણ વખત ભાજપમાં ત્યારે આ વખતે દ્વારકાની બેઠક પણ ત્રિપાંખીયા જંગમાં મુળુભાઇ કંડોરીયા (કોંગ્રેસ) તથા ભાજપના પબુભા માણેક અને આમ આદમી પાર્ટીના લખમણભાઇ નકુમ વચ્ચેનો જંગ હતો. ત્યારે બપોરે 12.45 કલાકે 17મા રાઉન્ડના અંતે પબુભાને કુલ 59903 તો કોંગ્રેસના મુળુભાઇને 45174 અને આમ આદમી પાર્ટીના લખમણભાઇને 22700 મતો પડયા છે. આ સાથે જ પબુભા 14729 મતોથી આગળ ચાલી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દ્વારકા બેઠક પર અનેક એકઝીટ પોલ પ્રમાણે પબુભા હારી શકતા હતા અથવા નબળી સરસાઇથી જીતે એવું ચિત્ર દર્શાવવામાં આવતું હતું પરંતુ આ દિગ્ગજ નેતા પબુભાએ તમામ એકઝીટ પોલને ખોટા સાબિત કરી જંગી બહુમતીથી જીતવા તરફ આગળ વધી રહ્યા છે અને આઠમી વખત ધારાસભ્ય બની રેકોર્ડ સર્જશે અને ગુજરાતના સીનીયર ધારાસભ્યોમાંથી એકમાં નામ સામેલ થશે.


Related News

Advertisement
Advertisement
Advertisement