► ભગવો લહેરાતા આગેવાનો-કાર્યકરો અને હોદ્દેદારોમાં જશ્નનો માહોલ: વિજય સરઘસની તૈયારી
રાજકોટ તા.8
રાજકોટ શહેર-જિલ્લાની વિધાનસભાની આઠ બેઠકોની મતગણતરી આજે કણકોટની સરકારી ઈજનેરી કોલેજ ખાતે થતા ગોંડલ-જેતપુર અને ધોરાજીની વિધાનસભાની બેઠક પર કમળ સોળે કળાએ ખીલી ઉઠયું છે. આ ત્રણેય બેઠક પર ભાજપનો ભગવો લહેરાતા ભાજપની છાવણીમાં જશ્નનો માહોલ ફરી વળ્યો છે.
જેમાં ધોરાજીની બેઠકનો કોંગ્રેસનો વર્ષો જુનો ગઢ કડડભૂસ થતા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોમાં સન્નાટો છવાઈ જવા પામેલ છે. આ બેઠક પર સૌરાષ્ટ્ર યુનિ.ના પુર્વ કુલપતિ અને ભાજપના ઉમેદવાર એવા મહેન્દ્રભાઈ પાડલીયાએ વિજય વાવટો ફરકાવી દીધો છે. જયારે આ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ પોતાની હાર સ્વીકારી મતગણતરી કેન્દ્રની બહાર નીકળી ગયા હતા.
ગોંડલ વિધાનસભાની બેઠકો પર ભાજપના ગીતાબા જાડેજા, કોંગ્રેસના યતીશ દેસાઈ અને નઆપથના મનીષાબેન વચ્ચે ત્રિપાંખીયો ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપના ગીતાબા જાડેજા 25 હજાર મતોની લીડ બનાવી તેમના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના ઉમેદવાર યતિશ દેસાઈથી આગળ નીકળી ગયા છે. આ બેઠક પર ગીતાબા જાડેજાએ વિજયકૂચ પ્રથમ રાઉન્ડથી જ બનાવી રાખી હતી.
જયારે ધોરાજી-ઉપલેટાની બેઠક પર ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ પાડલીયાએ ચોથા રાઉન્ડના અંતે 7137 મતોની લીડ બનાવી તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર તેવા કોંગ્રેસના લલીતભાઈ વસોયાને પાછળ રાખી દીધા હતા. આ બેઠક પર મહેન્દ્રભાઈ પાડલીયાએ વિજય વાવટો ફરકાવતા વર્ષો જુનો કોંગ્રેસનો ગઢ ધરાશાયી થતા કોંગ્રેસની છાવણીમાં સોંપો પડી જવા પામેલ છે.
આવી જ રીતે જેતપુર વિધાનસભાની બેઠક પર પણ ભાજપના જયેશભાઈ રાદડીયાએ 20 હજાર મતોની જંગી સરસાઈથી વિજય કૂચ સતત જાળવી રાખી છે. આ બેઠક પર કોંગ્રેસના વેકરીયા અને નઆપથના રોહીત ભુવા એમ ત્રણ ઉમેદવારો વચ્ચે કસોકસનો જંગ ખેલાયો હતો જેમાં ભાજપના જયેશભાઈ રાદડીયા ફરી લીડ સાથે વિજય હાંસલ કરી રહ્યા છે.