જીતવા માટે ગુજરાતને બદનામ કરતાં-ગેરમાર્ગે દોરનારાને લોકોએ પાઠ ભણાવ્યો: હર્ષ સંઘવી

08 December 2022 03:26 PM
Rajkot Elections 2022 Gujarat Politics
  • જીતવા માટે ગુજરાતને બદનામ કરતાં-ગેરમાર્ગે દોરનારાને લોકોએ પાઠ ભણાવ્યો: હર્ષ સંઘવી

લેખિતમાં આપેલી ગેરંટીનું કશું જ ન આવ્યું: ઘરમાં મહેમાન જમવા આવે તો તેને જમવાનું આપવું એ ગુજરાતની પરંપરા છે; જો કે કોઈ મહેમાનને પોતાનું ઘર ન આપી દે તે વાત સૌએ સમજી લેવી જોઈએ: અત્યારે ગુજરાતના ખૂણે-ખૂણે મોદી...મોદીના લાગી રહેલા નારા ભાજપની જીત-વિપક્ષની કારમી હાર

રાજકોટ, તા.8
ગુજરાતમાં મળેલા જ્વલંત વિજય બાદ ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરોની ખુશીનું કોઈ જ ઠેકાણું રહ્યું નથી. ગુજરાતની જનતાએ ભાજપને ખોબલે ખોબલે મત આપીને વધાવી લીધો છે ત્યારે નેતાઓ અને કાર્યકરો પણ ગેલમાં આવી ગયા છે. દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાની મજૂરા બેઠક પર શાનદાર વિજય મેળવ્યા બાદ પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે જીત મેળવવા માટે ગુજરાતને બદનામ કરતા અને લોકોને ગેરમાર્ગે દોરવાનું જ કામ કરનારા લોકોને બરાબરનો સબક મળી ગયો છે. આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર સંઘવીએ કહ્યું કે ઘણા લોકો લેખિતમાં ગેરંટી લઈને ગુજરાતમાં ઉતરી પડ્યા હતા પરંતુ અત્યારે તેમના કોઈ જ ઠેકાણા રહ્યા નથી.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે જીતવા માટે ગુજરાતને બદનામ કરવા ઉતરી પડેલા લોકોને ગુજરાતીઓએ ઉતારી પાડ્યા છે. આજે આવા તમામ લોકોને જડબાતોડ જવાબ મળી રહ્યો છે અને આ જવાબ કોઈ એક જગ્યાએથી નહીં બલ્કે ગુજરાતના ખૂણે ખૂણેથી મળ્યો છે. અત્યારે ગુજરાતના દરેક ખૂણે મોદી-મોદીના નારા લાગી રહ્યા છે એટલા માટે એમ કહેવામાં કોઈ જ વાંધો નથી કે ગુજરાતમાં વિકાસ સિવાય કોઈ જ મુદ્દો કામ કરતો નથી.

ઘણા લોકો ચૂંટણી સમયે નકારાત્મક્ વાતાવરણ ઉભું કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તેમને સફળતા મળી નથી અને અત્યંત શરમજનક કહી શકાય તેવો પરાજય મળ્યો છે. ચૂંટણી વેળાએ દરરોજ ટીવી ઉપર ચેનલોમાં આ મફત આપશું, પેલું મફત આપશું તેવી વાતો કરવામાં આવી હતી જે અત્યારે હવામાં ઓગળી જવા પામી છે.

હર્ષ સંઘવીએ એવો ટોણો માર્યો કે ઘરમાં મહેમાન આવે એટલે તેને મનભાવતું ભોજન પીરસવાની ગુજરાતની પરંપરા અને તાસીર છે પરંતુ ગુજરાતની કોઈ વ્યક્તિ ઘેર જમવા આવેલા મહેમાનને પોતાનું ઘર ન આપી દે તે વાત બહારના લોકો ગુજરાતમાં આવીને ભૂલી ગયા છે.

આ વાત તેમણે હંમેશા યાદ રાખવી જ પડશે નહીંતર આ પ્રકારના ઝટકા એમને વારંવાર લાગ્યા જ રાખશે. ગુજરાતની જનતા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપને કેટલો પ્રેમ કરે છે તે આજના પરિણામ ઉપરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement