રાજકોટ, તા. 8
રાજકોટ વિધાનસભાની દક્ષિણ-70ની બેઠક પર પણ ભાજપના ફ્રેશ, ઉદ્યોગપતિ અને સરળ સ્વભાવના રમેશભાઇ ટીલાળાનો શાનદાર વિજય થયો છે. આ બેઠક ઉપર પણ ભાજપે લીડના રેકોર્ડ તોડયા છે અને પોણો લાખથી વધુની લીડ સાથે રમેશભાઇ જીતતા વિશાળ વિજય સરઘસ નીકળ્યું હતું.
આ બેઠક પર ભાજપે બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા ગોવિંદભાઇ પટેલને ટીકીટ નહીં આપીને ખોડલધામ સાથે જોડાયેલા અને જાણીતા ઉદ્યોગપતિ રમેશભાઇ ટીલાળાને તક આપી હતી. પ્રારંભે નવા લાગેલા આ ઉમેદવાર બાદમાં ચૂંટણી પ્રચારમાં ભાજપના મજબુત ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા હતા. આ બેઠક ઉપર પણ ગત ચૂંટણી કરતા મતદાનમાં થોડો ઘટાડો થયો હતો અને 58.67 ટકા જેવું મતદાન થયું હતું.
કુલ 2.38 લાખમાંથી 1.39 લાખ લોકોએ મત આપ્યા હતા. છતાં રાજકોટ-69 અને રાજકોટ-70 એ બંને બેઠક ભાજપ માટે સલામત ગણાવા લાગી હતી. એકઝીટ પોલમાં પણ આ બેઠક પર ભાજપ જીતશે તેવી આગાહી થઇ ગઇ હતી.
આજે સવારથી રાઉન્ડ વાઇઝ મત ગણતરી આગળ વધતા પહેલેથી જ રમેશભાઇ ટીલાળાને લીડ મળતી જતી હતી. આજે બપોરે 18 રાઉન્ડના અંતે રમેશભાઇ ટીલાળાને 101734, કોંગ્રેસના હિતેષભાઇ વોરાને 22507 અને આપના શિવલાલ બારસીયાને 22870 મત મળ્યા હતા. તો નોટામાં 2353 જેટલા મત મળ્યા હતા.
આ બેઠક પર રમેશભાઇ ટીલાળાનો 78864થી વધુ મતે વિજય જાહેર થયો હતો. આ મતક્ષેત્રમાં પણ ભાજપે પહેલી વખત પોણો લાખ જેટલી લીડ મળી છે. વિધાનસભા મતક્ષેત્રમાં આવતા તમામ વોર્ડ ભાજપના ગઢ જેવા છે. દરેક વોર્ડમાંથી ભાજપના કોર્પોરેટર ચૂંટાયેલા છે. આથી નવા ઉમેદવાર પણ દૂધમાં સાકરની જેમ ભળી ગયા હતા.
ભાજપના ઉમેદવારની ઓળખ સ્થાપિત થઇ ગઇ હતી. કોઇ વિવાદમાં નહીં આવતા અને પોતાનો વિરોધ કરનારાને પણ માફ કરવાનું વિરાટ હૃદય ધરાવતા રમેશભાઇ ટીલાળા આ રીતે મતદારોના હૃદયમાં ઉતરી ગયા હતા. ભાજપે તેમના પર મુકેલો વિશ્ર્વાસ સાર્થક ઠર્યો છે. તેમના વિજય બાદ મત ગણતરી કેન્દ્રથી વિશાળ વિજય સરઘસ નીકળ્યું હતું અને પૂરા મત ક્ષેત્રમાં કમળના ઝંડા ફરકી ગયા હતા.