રાજકોટ, તા. 8
રાજકોટ ગ્રામ્ય-71 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવાર ભાનુબેન બાબરીયાનો 48 હજારથી વધુ મતની સરસાઇથી શાનદાર વિજય થયો છે. અહીં બીજા ક્રમે આપના ઉમેદવાર વશરામભાઇ સાગઠીયા લગભગ પોણો લાખ મત સાથે રહ્યા છે. તો કોંગ્રેસ ત્રીજા ક્રમે રહી છે.
ગ્રામ્યની બેઠક પરથી ભાજપે આ વખતે ફરી બાબરીયા પરિવારના પુત્રવધૂ શ્રીમતી ભાનુબેન બાબરીયાને ટીકીટ આપી હતી. રાજકોટમાં 69 અને 71 એમ બે બેઠક પર ભાજપે મહિલા કોર્પોરેટરને ટીકીટ આપવાનો પ્રયોગ પણ પ્રથમ વખત કર્યો હતો. આ બેઠક પર ત્રિપાંખીયા જંગનું સૌથી ઉંડુ ચિત્ર હતું. પરંતુ નવાઇ વચ્ચે કોંગ્રેસ કયાંય પાછળ રહી ગઇ છે.
આજે બપોરે 2.30 કલાકે 28 રાઉન્ડના અંતે ભાજપના ભાનુબેન બાબરીયાને 119695, કોંગ્રેસના સુરેશ બથવારને 29175 અને આમ આદમી પાર્ટીના વશરામભાઇ સાગઠીયાને કોંગ્રેસ કરતા અઢી ગણા જેટલા એટલે કે 71201 મત મળ્યા હતા જયારે 3038 મતદારોએ નોટાનું બટન દબાવીને કોઇમાં રસ દાખવ્યો ન હતો.
આ બેઠકનો ચૂંટણી જંગ જામશે તેવી આગાહી થતી હતી. બપોરે ર8 રાઉન્ડ પૂરા થતા ભાનુબેન બાબરીયા 48494 મતથી આગળ હતા. આ રીતે તેમનો ભવ્ય લીડ સાથે વિજય થયો છે. તેમનું વિજય સરઘસ પણ ઉત્સાહ સાથે નીકળ્યું હતું. પૂર્વ ધારાસભ્ય, કોર્પોરેટર અને ફરી ધારાસભ્યની નવી સફર શરૂ થઇ છે. અગાઉ તેઓ બે વખત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઇ આવ્યા હતા. હવે તેઓ ત્રીજી વાર ધારાસભામાં પહોંચ્યા છે.
આ બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર અને બાદમાં પાર્ટી છોડીને આપમાં ગયેલા પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા ત્રણ મહિનાથી ચૂંટણી તૈયારી કરતા હતા. પરંતુ ભાજપના વાવાઝોડામાં તેમની તૈયારી પણ ટુંકી પડી છે. છતાં કોંગે્રસ કરતા આપનો દેખાવ સારો રહ્યો છે. પરંતુ એકંદરે ભાજપે આ બેઠક પર મોટી લીડ મેળવતા તમામ ચારે ચાર બેઠક ભાજપ વટભેર જીત્યાનું ચિત્ર ઉપસ્યું છે.