♦ હાઈપ્રોફાઈલ વરાછા, કતારગામ, ઓલપાડ અને કરંજમાં ‘આપ’ના રાજ્યકક્ષાના નેતાઓને મતદારોએ જાકારો આપ્યો : કોંગ્રેસને પણ ખાતુ ખોલાવવાની તક ન મળી
સુરત,તા. 8
2017ની ચૂંટણીમાં ભાજપને સત્તા માટે શહેરની 12માંથી 11 બેઠકો જીતાડીને 2022માં તમામ 12 બેઠકો જીતી ભવ્ય વિજય થયો છે. મહત્વનું છે કે સુરત સિટીમાં ભાજપને પાટીદાર અનામત આંદોલનના ટોચના નેતાઓ ચૂંટણી લડી રહ્યા હોય મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ જેવો નાનો અપસેટ થવાનો પણ ભય હતો.
ખાસ કરીને સૌરાષ્ષ્ટ્ર સાથે જોડાયેલી પાટીદાર બેઠકોમાં પાસના કન્વીનર સહિતના આંદોલનના નેતાઓ ચૂંટણી લડી રહ્યા હતા પરંતુ વિધાનસભામાં સુરત શહેરમાં ‘આપ’ને પૂર્ણ જાકારો મળ્યો છે અને મહાનગરની તમામ 12 બેઠકો પર ભાજપવિજેતા થયો છે.મજુરા બેઠક પર રાજ્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક લાખથી વધુ મતે જીતી ગયા છે તો લીંબાયત બેઠક પર સીટીંગ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ ફક્ત 3000 મતે જ જીતી શક્યા છે ફરી વિજેતા બન્યા છે.
હાલના રાજ્યમંત્રી અને કતારગામથી ચૂંટણી લડતા વિનુભાઈ મોરડીયા 45,000થી વધુ મતે જીત્યા છે.તેઓએ ‘આપ’ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાને પરાજય આપ્યો છે. સુરતનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ પણ 37,486 મતે જીત્યા છે. અને તેઓએ પાસના એક નેતા ધાર્મિક માલવિયાને પરાજીત કર્યા છે.
ભાજપના વધુ એક ઉમેદવાર પ્રવિણ ઘોઘારી 35,800 મતે વિજેતા થયા છે. તેઓએ આમ આદમી પાર્ટીના પ્રવક્તા મનોજ સોરઠીયાને પરાજીત કર્યા છે. જ્યારે મનુભાઈ પટેલ પણ ઉધના બેઠક પર કેસરિયો લહેરાવ્યો છે. સૌથી મહત્વપૂર્ણ રીતે સુરતમાં પ્રતિષ્ઠાના જંગ સમાન બની ગયેલી વરાછા બેઠક પર પાસના કન્વીનર સામે પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ વિજય મેળવ્યો છે. સુરત પશ્ચિમ બેઠક પર વર્તમાન કેબીનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ કોંગ્રેસના સંજય પટવાને પરાજય આપ્યો છે.
ચોર્યાસી બેઠક પર ભાજપના સંદીપ દેસાઈએ કોંગ્રેસનાં સીટીંગ ધારાસભ્ય કાંતિભાઈ પટેલને પરાજય આપીને ફરી એક વખત આ બેઠક ભાજપના ખાતામાં લાવી છે. સુરત ઉતરની બેઠક પર ભાજપના કાંતિભાઈ બલ્લર વિજેતા બન્યા છે. કામરેજની બેઠક પર પ્રફુલભાઈ પાનસુરિયા, સુરત પૂર્વની બેઠક પર અરવિંદભાઈ રાણા અને જિલ્લામાં પણ તમામ 3 બેઠક ભાજપને મળી છે. આમ સુરતમાં પૂર્ણ રીતે ભાજપનું ધ્વજ લહેરાયો છે.
રાજકારણમાં તું નવો છો દોસ્ત...
સુરતની પ્રતિષ્ઠાના જંગ જેવી વરાછા બેઠક પર આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને પાસના કન્વીનર અલ્પેશ કથીરીયાએ ભાજપના પીઢ નેતા કુમારભાઈ કાનાણી સામે ઝંપલાવ્યું હતું અને ત્યારથી જ આ બેઠક પર સૌનું ધ્યાન હતું પરંતુ આજે પરિણામ બાદ જ્યારે કુમારભાઈ અને અલ્પેશ કથીરીયા મળ્યા ત્યારે કદાચ કુમારભાઈએ એવું કહ્યું હશે કે રાજકારણમાં તું હજી નવો છો અને કુમારભાઇએ પક્ષની અનિચ્છા છતા પણ ટીકીટ મેળવીને જીતી બતાવી તે પણ તેમના માટે એક મોટી રાજકીય જીત છે.
સુરતથી ‘આપ’નો ઉદય અને વળતા પાણી પણ...: કેજરીવાલે તમામ તાકાત લગાવી હતી
સુરત વિધાનસભાની તમામ 12 બેઠકોમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે રાજ્યમાં પ્રચારના પ્રથમ દિવસથી જોર લગાવ્યું હતું અને તેમનો અંતિમ રોડ શો પણ સુરતમાં યોજ્યો હતો પરંતુ તેમ છતા એક પણ બેઠકમાં ‘આપ’ને વિજય મળ્યો નથી. સુરતમાં કેજરીવાલે તમામ વેપારી સંગઠનોને જીએસટી સહિતના મુદ્દે આકર્ષવા પ્રયાસ કર્યા હતા પરંતુ તેમાં સફળતા મળી નથી.
2021ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતની પાટીદાર વર્ચસ્વવાળા વિસ્તારોની 27 બેઠકો પર આમ આદમી પાર્ટીને વિજય મળતા સમગ્ર ગુજરાતમાં ‘આપ’નો ઉદય થયો હતો. અને તબક્કાવાર તે આગળ વધ્યો હતો પરંતુ ચૂંટણીમાં સુરતથી જ ‘આપ’ના વળતા પાણી શરુ થયા છે અને તેનો હવે રાજ્યમાં ક્યાં સુધી પહોંચે છે તેના પર સૌની નજર છે.